સફાઈકામ-અનામત હટાવીએ - વિશેષાંક
આ અંક્માં
૧. બસ હવે બહુ થયું / મહેન્દ્ર હરિજન
૨. અલ્યા / કનુ પરમાર ‘અપવાદ’
૩. ચાલ બદલીએ કામ / જયેશ સોલંકી
૪. વિચાર્યું છે ખરું / જયસુખ વાઘેલા
૫. બિલ્લુ બાવા ગટર / કુશલ તમંચે
૬. હાઈકુ / જિજ્ઞેશ મેવાણી
૭. ટપ ટપ ટપ / ઉમેશ સોલંકી
૮. વિશેષાંક શા માટે? (છાપાંનાં બે કતરણ)
૧----------
બસ હવે બહુ થયું / મહેન્દ્ર હરિજન (ટીંબા રોડ, તાલુકો : ગોધરા, જિલ્લો : પંચમહાલ)
કરી થાક્યા કામ તમારાં
બસ હવે બહુ થયું
માથે ઉપાડ્યું મેલું
ઊતર્યા મરજીવા જેમ ગટરમાં
કંઈ કેટલાય જીવ ખોયા અમે
બસ હવે બહુ થયું
નથી કરવાં આવાં હવે કામ અમારે
રાહ જોઈએ
કોઈક આપે ખો સવર્ણને
આવકાર છે હવે તમને
આવો કરી જુઓ આ કામ તમારાં
બસ હવે બહુ થયું
૨----------
અલ્યા / કનુ પરમાર ‘અપવાદ’ (વડોદરા)
અલ્યા,
તેં મને ઢેડો કીધો
તેં મને ભંગિયો કીધો
મેં તને કાંઈ કીધું
તેં મને આભડછેટ આપી
તેં મને મડદાલનું માંસ આપ્યું
મેં તને કાંઈ કીધું
તેં મને હરિજન કીધો
પણ નિજ મંદિરમાં આવવા ના દીધો
મેં તને કાંઈ કીધું
તેં મને કારણ વગર ગાળો ભાંડી
તેં મને આઝાદ છતાં ગુલામી આપી
મેં તને કાંઈ કીધું
આ તો આજે તેં
સમાનતાની વાત કરી
વાતમાંથી વિચાર આવ્યો
લાવ તને એક કામ સોંપું
જે હું વરસોથી કરું
ને તેં ભડકવાની વાત કરી
તો શાને લવારા કરે સમાનતાના
ગંદું કામ જો શોભે મને
તો એ કરવામાં તને કેમ ક્ષોભ આવે
‘અપવાદ’ શું કહે તને
મેં તને કાંઈ કીધું
૩----------
ચાલ બદલીએ કામ / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો : અમદાવાદ)
હે રામ,
બદલીએ ચાલ કામ
તું બન શૂદ્ર શમ્બૂક
હું બનું ક્ષત્રિય રાજા રામ
હે દ્રોણાચાર્ય,
ચાલ પાડીએ ચીલો નવો
તું બન સૃષ્ટિનો
સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી એકલવ્ય
હું બનું જાતિવાદી દ્રોણાચાર્ય.
બચ્યો છે
આખા પંથકમાં
બત્રીસ લક્ષણો
બામણનો એક જ દીકરો
ને દેશમાં બધે દુકાળ છે
હે રાજન !
ચાલ વધેરી દઈએ એનું માથું.
હે સવર્ણો,
હવે તમે
ગાળામાં બાંધી કુલડી
પૂંઠે બાંધી ઝાડુ
કરો પ્રદક્ષિણા ઢેડવાડાની.
હવે અમે અછૂતો
બની સવર્ણો
જોયા કરશું
ચારે પોર
કહ્યા કરશું ચારે પોર
‘હાશ, બિચારા છી છી
જેવાં એનાં કરમ’
હે ભૂદેવ,
તું જ કહે છે ને કે
જાતિવ્યવસ્થા છે કર્મ આધારિત
ને માથે મેલું ઉપાડવામાં
મળે છે આધ્યાત્મિક આનંદ
તો આવ બકા !
લઈ આ ઝાડુ
રોજ સાંજ પડે
ભંગીવાસમાં
માંગવા આવજે વાળુ.
તું તારે
તાણી લાવજે
અમારા ઘરાકોનું પાડું .
નવરાશે
મા તારી
ઝાડુની સળીથી
નખમાં ભરાયેલા “ગુ”ને સાફ કરે તો
‘છી છી છી’ ના કરતો બકા
બાપ તારો
પોટલી દેશીની ઢીંચી
ઊતરે ગટરમાં તો
‘ના’
ના કહેતો.
ભાઈ તારો હોય
શિક્ષિત બેરોજગાર
એના એક હાથમાં હોય
એમ. એ.ની ડીગ્રી
ને હોય બીજા હાથમાં
મરેલાં કૂતરા-બિલાડાના પગે બાંધેલી
કાથીનો છેડો
તો બકા
નક્ષલવાદી ના બની જતો.
આવ રામ,
આવ દ્રોણાચાર્ય,
આવ રાજન,
આવો સવર્ણો,
આવ ભૂદેવ,
એક દિવસ માટે
બદલીએ આપણે કામ.
૪----------
વિચાર્યું છે ખરું / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો – સુરેન્દ્રનગર)
નિશાળના ફળિયામાં પગ મૂકતાં
શાળાનું પ્રસન્ન વાતાવરણ જણાયું ખિન્ન
બાજુના રસ્તા પર પડેલ
મારેલ ઢોરની આ હતી અસર
ઢોરને ખસેડનારું હતું ન કોઈ
ને યાદ આવી ગયા તરત મારા પૂર્વજ
જે ઢોરને ઢસેડવાની સાથે સાથે
ગીધ માફક બધું જ...
પણ ગીધને આપ્યું બિરુદ પર્યાવરણ-મિત્રનું
ને મારા પૂર્વજોને આપ્યું જીવન તિરસ્કાર ભરેલું
હા, અમે પાછળ સાવરણા
ગળે કૂલડી બાંધી છે
હા, અમે માથે મેલું ઉપાડ્યું છે
હા, અમે મરેલાં ઢોર ઢસડ્યાં છે
હા, અમે અસમાનતાના શિખર સમી
વ્યવસ્થા સામે સાવ ઝૂકીને
માણસોથી ખીચોખીચ
ખાટલાંઓની વચ્ચે નીચે બેસીને
નેવાના નળિયા નીચે નોખી રાખેલી
અડાળીમાં ચા પીધી છે
હા, અમે વિશ્વથી આવિસ્કૃત ગ્લાસ
નજર સામે હોવા છતાં
ખોબેથી પાણી પીધું છે
હા, અમે વેઠથી પણ વધારે વેઠ્યું છે
સફાઈકામમાં અગ્રતાક્રમની જાહેરાતથી
દુઃખી થતા હે ઉજળિયાતો
અમારા વિશે કદી વિચાર્યું છે ખરું ?
૫----------
બિલ્લુ બાવા ગટર / કુશલ તમંચે (અમદાવાદ)
ગટર ગટરની છે વાત છે મિત્રો
સમજો તો ત્રિકાળ છે મિત્રો
કળશ પહેરાવી કલષ કરમ કરાવે (કલષ – ગંદું)
બાસથી બ્રહ્મા સમાવે (બાસ – દુર્ગંધ)
બિલ્લુ ગટર મનુખને મનેખ ગણે (બિલ્લુ – બ્લૂ)
માનવતા ફેલાવી બાબા-ફૂલે જણે
કાટખૂણો કાપી કોરેગાંવ કરે
સુવાસથી શંબર સમાવે (શંબર – બહુજન રાજા)
ગટર ગટરની વાત છે મિત્રો
સમજો તો ત્રિકાળ છે મિત્રો
કેસરિયા કેતનથી સમખાવે (કેતન – ધજા, સમખાવે – ડરાવે)
અસ્પૃશ્યતા-ગુલામીની ખાણ સમાવે
બિલ્લુ ગટર શાંતિ-સમૃદ્ધિ બક્ષે
શ્વાસમાં સુવાસની રેલમછેલ કરે
દર્પણે માતૃભૂમિની વ્યવસ્થા ચમકે
હડપ્પા, મોહેં–જો–દરો સમખે (સમખે – ગૌરવ કરે)
ગટર ગટરની વાત છે મિત્રો
સમજો તો ત્રિકાળ છે મિત્રો
આ તો દેશની માનસિકતા ચૂંથે
પેલી ફિનિક્સ માફક ઊભી થઈ માનવતા ગૂંથે
૬----------
હાઈકુ / જિજ્ઞેશ મેવાણી (અમદાવાદ)
પકડ ઝાડુ
કહેતાંવેંત તૂટી
પડ્યા સવર્ણો
૭----------
ટપ ટપ ટપ / ઉમેશ સોલંકી
મળમાં પહેલાં ડૂબકી મારતો
અધ્યાત્મથી હું તો ભરાઈ જતો
પણ
અતિનો એક કંટાળો છે
અધ્યાત્મનો પણ આ જ ગોટાળો છે
પછી શું
અધ્યાત્મથી થોડી આભડછેટ રાખવા
પીને દારૂની પોટલી
માથે પહેરું પ્લાસ્ટિકની કોથળી
પણ આમ તો દેશ બદનામ થાય
અધ્યાત્મનું નાક કપાય
આવો આવો તેથી આવો
નજીક આણેલી આભડછેટને આઘી કરવા
બિલકુલ મારી નજીક આવો
તમે તો લો અકળાઈ ગયા !
મૂંછો આમળી ભૌતિકવાદી થઈ ગયા !
હું હવે જો અડું મળને
એવું લાગે મને ગાંધી અડે
બોખા મોંઢે પછી શબ્દો બોલે :
‘અસ્પૃશ્યતા તો કલંક છે
એ રહી તો
હિન્દુ ધર્મનું રસાતળ જજો !’
મેંય કહ્યું
મૂંગા મરોને, તમેય બાપુ
મોંઢું તમારું, ભૂડા, બાસ મારે
બાસ તમારી ઓછી કરવા
મેં થોડું જો પાણી માંગ્યું
સનનન કરતો પથ્થર આવ્યો
ચશ્માં તમારાં ફોડી ગયો
મૂંગા મરોને, તેથી બાપુ
મોંઢું તમારું, ભૂડા, બાસ મારે
અને હું રડી પડ્યો
રડી રડીને હીબકે ચડ્યો
હીબકાં મારાં સાંભળીને
મળમાંથી બહાર ભારતમાતા આવ્યાં
પેગમ્બરને સાથે લેતાં આવ્યાં
‘તકનિક તકનિક’ ‘ ‘વિકલ્પ વિકલ્પ’
ચારેકોર પોકાર કરવા લાગ્યાં
થાકીને પછી
મારી પડખે બેસી
આંસુ મારાં લૂછવા લાગ્યાં
આંસુ એમનાં
મળમાં પડવા લાગ્યાં ટપ ટપ ટપ
૮----------
વિશેષાંક શા માટે? (છાપાંનાં બે કતરણ)
તમામ કવિતાઓ અદ્ભુત છે. મહેન્દ્ર હરિજન લિખિત બસ હવે બહુ થયું રચના સરસ લાગી. જયેશ સોલંકીની ચાલ બદલીએ કામ પણ અદ્ભુત રચના છે. આભાર ઉમેશભાઈ
ReplyDeleteસમયસરના અને સચોટ વિશેષાંક માટે સંપાદક ઉમેશ સોલંકીને ખૂબ અભિનંદન અને તેજતર્રાર રચનાઓ માટે સર્વે કવિ મિત્રોને પણ શાબાશી અને શુભેચ્છાઓ
ReplyDeleteઅદ્ભુત
ReplyDeleteAll the poems are very good.congrats to all poet. સમયસરના અને સચોટ વિશેષાંક માટે સંપાદક ઉમેશ સોલંકીને ખૂબ અભિનંદન.
ReplyDeleteThanks Umeshbhai very heart touching blogg this time
ReplyDeleteSalaam!!
Vasudev Charupa
State Coordinator, NCDHR-DAAA, Gujarat
very right!... all are to the point!
ReplyDeleteSuperb........ જે કહેવુ જોઇએ તે બધુ જ આ બધી રચનામાં આવી જાય છે......
ReplyDeleteBadhi Kavita Gami
ReplyDelete