આ
અંકમાં
૧. એકલનારી / વીણા બારિયા
૨. ભીડનું ભારત / આતિષ ઇન્દ્રેકર છારા
૩. બાળકો ઉપાડવા માટે / અનિષ ગારંગે
૪. બુઢ્ઢો સવર્ણ / જયેશ જીવીબહેન સોલંકી
૫. નાટક / મુશતાક અલી શેખ
૬. શું કામ વાંચું તમારી કવિતા / અપૂર્વ અમીન
૭. બે સેકન્ડ મોટી / કુસુમ ડાભી
૮. લડાઈ / વજેસિંહ પારગી
૯. અજંપો / ઉપેન્દ્ર બારોટ
૧૦. લય / ઉમેશ સોલંકી
૧----------
એકલનારી / વીણા બારિયા (જબુવાણિયા, તાલુકો : ઘોઘંબા, જિલ્લો : પંચમહાલ)
ઝેણી ઝેણી રે કાંટા સેળી વાટ
ઝેણો ઝેણો રે મેવલિયો વરસે
તારી જિંદગી ઝબૂક ઝોલા ખાય
ઝેણો ઝેણો રે મેવલિયો વરસે
તારું પાણી ઝબૂક ઝોલા ખાય
ઝેણો ઝેણો રે મેવલિયો વરસે
તારાં બાળકો ઝબૂક ઝોલા ખાય
ઝેણો ઝેણો રે મેવલિયો વરસે
તારું છાપરું ઝબૂક ઝોલા ખાય
ઝેણો ઝેણો રે મેવલિયો વરસે
તારું શેતર (ખેતર) ઝબૂક ઝોલા ખાય
ઝેણો ઝેણો રે મેવલિયો વરસે
૨----------
ભીડનું ભારત / આતિષ ઇન્દ્રેકર છારા (અમદાવાદ)
એક શેરી પર
ચાર સ્ત્રીઓને
એક ટોળું મારી રહ્યું હતું
શેરીના ચાર રસ્તા પર
ટોળા સિવાય કશું દેખાતું ન હતું
ટોળામાંથી કરુણ ચીસો સંભળાતી હતી
ને બૂમો પાડતું હતું ટોળું :
'આ ઝૂગો પહેરીલી સ્ત્રીઓ
બાળકો ઉઠાવનારી ગેંગની છે
મારો એમને
ઝૂગાઓ ફાડો
સાલીઓને રસ્તા વચ્ચે ઉઘાડી કરી નાખો !'
એમને બચાવવા કોઈ તૈયાર ન હતું
એમની સાથે જે હતું
એ હતી એમની કરુણ ચીસો
જે કોઈને સંભળાતી ન હતી.
ટોળાના હાથમાં હતાં લાકડીઓ, દંડાઓ.
આ નવા ભારતનો ઉદય છે
આ આપણું ભારત છે
આ અફવાઓનું ભારત છે
આ ભીડનું ભારત છે.
૩----------
બાળકો ઉપાડવા માટે / અનિષ ગારંગે (છારાનગર, અમદાવાદ)
લાંબા થતા હાથ
ભીખ માગવા માટે
એ સમજતા બાળકો ઉપાડવા માટે.
પેટમાં લાલચ હતી ભૂખની
આંખમાં તરસ હતી આશની
તો પણ
માથા પર ધબ્બો તો રહેવાનો
કરચલીઓમાં ચીતરી તો આવવાની.
સાંભળતા નથી એ અમારી વાત
એમનો રોષ
તપતો રહે રોજ ડામરની જેમ
ફરાર થઈ જાય એ ઢોર માર મારીને
નીકળતા લોહીનો અનુભવ તો થાય અમને
શુ અમારાં બાળકો નથી ?
૪----------
બુઢ્ઢો સવર્ણ / જયેશ જીવીબહેન સોલંકી (ભુવાલડી, જિલ્લો : અમદાવાદ)
સતત
વરસોવરસ
એ બુઢ્ઢો સવર્ણ
વિકૃત પુરૂષ
એની માલિકીના ખેતરના પારિયાની પાળે
બેઠો બેઠો
બીડી પીતો પીતો
બતાવતો રહ્યો એ અંગો
જેને સંતાડે છે સૌ કોઈ
એને મન
હું ફક્ત
સુંદર સ્રી નહોતી કદી
હું એને મન હતી
બે ટકાની મજૂરણ દલિત સ્રી
એટલે જ............
કાશ!
ડાંગરના છોડ જેમ
ઘઉંના છોડ જેમ
વાઢી લીધાં હોત
એનાં પેલાં અંગો!
૫----------
નાટક / મુશતાક અલી શેખ (અમદાવાદ)
નાટક એ નથી
જે દેશની રાજનીતિમાં રમાય છે
નાટક એને પણ ના કેહવાય
જે સત્તા મેળવવા માટે હોય
નાટક એ પણ નથી
જે મૂડીવાદના પૈસાથી બદલી શકાય
નાટક એ પણ નથી
જે જાત વેચીને ખુરશી ખરીદાય
નાટક તો એ છે
જે
ર્તોલ્ત બ્રેખ્તની કવિતાઓમાં,
સફદર હાશમીના આવાજમાં,
બાદલ સરકારના હુંકારમાં,
અગસ્તો બોલના નવા કિરદારમાં,
પ્રેમચંદના ગામમાં,
શેકસપિયરનાં કારનામાંમાં છે
હા એ જ નાટક છે.
નાટક
મજૂરની કુહાડીમાં
બાળકોની મજૂરીમાં
મહિલાઓ વિરોધની હિંસામાં
રંગભેદની નીતિમાં
જાતિવાદી માનસિકતામાં
કોમવાદી માનસમાં
ખેડૂતની આત્મહત્યામાં
પૈસાના સવાલોમાં
ભૂખ્યાના કોળિયામાં
સળગતા સવાલોમાં
ફકીરની કટોરીમાં છે.
હા આ બધામાં નાટક છે.
૬----------
શું કામ વાંચું તમારી કવિતા / અપૂર્વ અમીન (અમદાવાદ)
હું તમારી કવિતાને કવિતા નથી કહેતો
એ માત્ર ઢોંગ છે
લોહીથી લથપથ
ગંધથી ખદબદ
વાસ્તવિકતા પર બગસરાનો ઢોળ છે.
અનફોર્ચ્યુનેટલી એમાં
પ્રેમ પરિવાર ઝરણાં
ધોધ બગીચા ફૂલોની વાત છે
ક્યાંય ગટરમાં ઊતરતા
ગૂંગળાયીને મરેલા માણસોની વાત નથી
કારખાનાંઓનાં મશીનોમાં
ચગદાઈ ગયેલા મજૂરોની વાત નથી
તમારી કવિતાઓમાં
લખોટીઓ રમતા ભૂલકાઓને
પોલીસ ફાયરિંગમાં વાગેલા છરાની વાત નથી
કેમિકલ મિલેથી વૈતરું કરી પાછાં ફરતા
દારૂ પીને રૂમલાતા
વાસના છાટકાઓની વાત નથી
પંચાણું વર્ષે કપાળે ચેંદેડા બાંધી
પોલીથીનની કોથળીઓ વીણતી
ડોશીઓની વાત નથી
ચોકમાં થૂકેલી ચિંગમો ખાતા
ખોળખાપણવાળાં બાળકોની વાત નથી
ગંધાતી ગટરોના ફૂવારામાં
છબછબિયાં કરી મોટા થયેલા
ડીગ્રીધારી બેરોજગાર યુવાનોની વાત નથી,
સોનાના ઘૂઘરે રમેલી
કાજુ બદામ પિસ્તાની નદીઓમાં સ્નાન કરેલી નદીની પેલે પાર બંગલામાં રહેતી
તેમની પ્રેમિકાઓની વાત નથી.
જેમાં અમારી કોઈ વાત નથી
અમારી વેદનાઓની વાત નથી
પછી શું કામ વાંચીએ અમે તમારી કવિતા ?
તમારી પાસે
દૂધિયા રંગના મેણિયાનો ઢોળ છે
તીવ્ર ગંધ ધરાવતી ચીસોના સમુદ્રો પર
નગ્ન વસ્ત્રવિહીન કુપોષિતો પર
તમે ચઢાયા કરો છો.
૭----------
બે સેકન્ડ મોટી / કુસુમ ડાભી (લીંબડી, જિલ્લો : સુરેન્દ્રનગર)
અમે જન્મ્યાં સાથે
બસ બે સેકન્ડના અંતરે
એ નાનો ને હું મોટી
એને કુલદીપક કહ્યો મને લક્ષ્મી.
એ લાડકો ને હું લાડકી.
રડ્યાં, હસ્યાં, ધાવ્યાં
લાડ પણ કર્યાં સાથે.
પગમાં સાંકળિયાં ખમક્યાં
પાનીમાં મોજડી ચૂં ચૂં થઈ
અને ચાલ્યાં સાથે.
પછી,
મારાં કાન, નાક, પગ, હાથમાં
બેડીઓ જડાણી.
એનાં કાન, નાક, પગ, હાથમાં
મુક્તતા સોહાણી.
ભણ્યાં, ગણ્યાં, લડ્યાં, રમ્યાં સાથે
યુવાન થયાં
પાબંદી મુકાણી બહાર ન જવાની
ને એ સ્વતંત્રતાને પામ્યો.
બે સેકન્ડ મોટી છતાં
મારા પર પહેરેદારી
એને...
૮----------
લડાઈ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)
દાદા ખપી ગયા
લડતાં લડતાં
વહારે ન ભગવાન અાવ્યો
ન માનવજાત.
વારસામાં મળેલી ગરીબી સામે
જંગે ચઢ્યો બાપ
છેલ્લા શ્વાસ સુધી ઝૂઝી ઝૂઝીને
ખપી ગયો બાપ.
હવે હું લડું છું
બાપદાદા જીતી ન શક્યા અે લડાઈ
અેક દિવસ
હું પણ ખપી જઈશ
લડતાં લડતાં
ગરીબી સામેની લડાઈમાં.
૯----------
અજંપો / ઉપેન્દ્ર બારોટ (અમદાવાદ)
અજંપો મારી જાગીર નથી
સેંકડોમાં અજંપાનો વાસ છે
એ ભલે ધ્વંસ કરે, વિધ્વંસ કરે
શાની નિરાશા?
વિધ્વંસમાં સર્જનની આશ છે.
અસ્તિત્વ તો છે
છતાં શોધવાનું અસ્તિત્વ
ક્ષણમાં, પળમાં, ઘડીમાં
પ્રવાહમાં, ધારામાં, ગતિમાં
અણધાર્યામાં.
અજંપો ક્યાં ક્યાં લઈ ગયો મને?
અજંપો મારી જાગીર નથી
સેંકડોમાં અજંપાનો વાસ છે
૧૦----------
લય / ઉમેશ સોલંકી
લયમાં શિકાર થયો
લયમાં સુકાયું માંસ
લયમાં તણખો ઝર્યો
લયમાં શેકાયું માંસ
બફાયું માંસ.
ધરી પર ફરીને ગોળ
લયમાં આગળ વધાય
લયમાં લોઢું ટિપાય
લયમાં ખેતી કરાય
લયમાં રોટલા ઘડાય
ગીતો ગવાય
પ્રેમ કરાય
સદીઓથી રોજ રોજ વધ્યા કરે
કુદરતી નિયમ લયમાં વિસ્તર્યા કરે.
નિયમમાં લય જેણે શોધી કાઢ્યો
જીવન એનું ન લયમાં રહ્યું,
રુંધાતું રહ્યું રિબાતું રહ્યું ભીંસાતું રહ્યું.
સદીઓ વીતી
લયમાં
પીળું આવ્યું
લાલ આવ્યું
આકાશ જેવું ભૂરું આવ્યું
આવીને જીવન સ્હેજ સરખું કર્યું
પેટને લયમાં ઊંચું કર્યું નીચું કર્યું,
પેટનો લય છાતીમાં લાવી
આંગળીઓ લયમાં સહિયારી કરી
આમતેમ વધેલી ફાંદને
લયમાં લાવવાની તૈયારી કરી.
ખૂબ સરસ રચનાઓ છે. બધા જ કવિઓ ને અને ઉમેશ ને ખાસ અભિનંદન.
ReplyDeleteઉમેશભાઈ આ વખતના અંકની બધી કવિતાઓ સરસ છે...
ReplyDeleteમને નાટક અને શું કામ વાંચું તમારી કવિતા ખાસ ગમી....
કવિતાઓ હચમચાવી જાય છે..ધન્યવાદ..
ReplyDeleteNice #mushtaq ali shaikh
ReplyDelete# anish garange
#umang solanki
તાજગી અને તેજ સભર કવિતાઓ,સૌ સર્જકોને અભિનંદન
ReplyDelete