આ અંકમાં
૧. वाह ! पुरुष / दीपा
૨. દુક્કલ / અનિષ ગારંગે
૩. ઓડકાર / વજેસિંહ પારગી
૪. બૂમ પાડશે / અપૂર્વ અમીન
૫. ખતરો / આતિષ ઇન્દ્રેકર છારા
૬. નર્મદા / હોઝેફા ઉજ્જૈની
૭. તલાક બિલ / કુશલ તમંચે
૮. દખલ / ઉમેશ સોલંકી
૧-----
वाह ! पुरुष / दीपा (मालिया, जिला : मोरबी)
वाह ! पुरुष,
गदगद् हुई मैं तुम्हे पढ़कर
कैसे बना देते हो
इन मृत शब्दों से जीवंत कविता
उमड़ा देते हो भावो की सरिता
मंत्रमुग्ध सी, स्तब्ध हो जाती हूँ
शब्दों के इंद्रजाल में खो जाती हूँ
रोती हूँ
साथ-साथ मुस्काती भी हूँ
स्त्री का लावण्य देख लजाती भी हूँ
उलझती हूँ कभी सुलझ भी जाती हूँ
तड़प कर कभी ढ़ह जाती हूँ
कसमसाती हूँ
कभी हलक तक भर आती हूँ
सूख जाती हूँ भीतर तक
कभी छलक कर बह जाती हूँ ।
आह ! ये कविता हे पुरुष !
क्यों लिखता हैं तू स्त्री पर कविता ?
हर बार रचता हैं एक नई औरत
गढ़ता हैं नया रूप
भरता है स्नेह प्रेम संवेदना कोमलता के छद्म रंग
तेरी कविता की गंध में डूब
मदहोश हो जाता हैं मेरा अंग-अंग !
पर ये क्या ?
अचानक तीखी दुर्गंध आती हैं
नासपुटो से गुजर कर
मस्तिष्क के तंतुओ को झंझोड्ती
मुझे होश में लाती हैं
कविता पूरी हुई ।
मैं लौट पड़ती हूँ असल संसार में
उसी पुरुषवाद की ओर
जिसे तुम्ही ने रचा हैं
जहाँ मेरा अस्तित्व धूमिल पड़ चूका हैं ।
अरे , अब समझी
तेरे इस सृजन का षड़यंत्र
भ्रम हैं तुम्हे कि स्त्री की छवि बनाकर
उसमे प्राण फूँक दोगे
मेरी ही मूर्त गढ़कर मेरे विधाता बन जाओगे
ओ मूर्ख !
मुझे जन्म देने के लिए अनंत तक छटपटाओगे..
कितना ही सृजनकार कहलाओ
नव जीवन नही दे पाओगे ।
૨-----
દુક્કલ / અનિષ ગારંગે (છારાનગર, અમદાવાદ)
ઊડું હું તો આકાશમાં પતંગ બની
વાતો કરું હું તો વાદળ સાથે થનગની
મારી ઉડાન બહુ ઊંચી છે
તારી ખેંચ બહુ ઝડપી છે
હું તો ગોતા ખાઉં ને તું સ્થિર કરી દે
મારી ડોર તારા હાથમાં છે
તારી ગાંઠો (કાયદા) મારી કિન્ના(હૃદય)માં.
તું જેમ ખેંચે એમ વળું છું
તું જેમ નમાવે એમ નમું છું
કપાઈ જઉં તો ફિકર નથી તને
ઘણી પતંગો પડી મારા જેવી તારા ધાબે.
ફાટેલી પતંગ પર ગુંદર ચોંટાડવાનો તને રસ નથી
ગુંછા ખોલવાનો તારી પાસે સમય નથી
દૂર આકાશમાં મારા જેવા કેટલા કપાય છે
કંઈ કહી શકતા નથી એટલા એ રૂંધાય છે.
જોઈ લેજે એક સાંજે
આખું આકાશ ભરાશે
પતંગોની સાથે હજારો દુક્કલ (હથિયારો) હશે.
૩-----
ઓડકાર / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)
રામે ખાધાં
શબરીનાં બોર
કૃષ્ણે ખાધી
વિદુરની ભાજી
ને ખાધા બંનેએ
ઓડકાર!
અમેય થયા મોટા
ખાઈને ભાજીપાલો ને બોર
પણ આવ્યો કદી નહીં
ઓડકાર.
ઓછી ને કાચી છે બુદ્ધિ
પણ છે પાકો અનુભવ
ભાજીપાલાથી ભરાય નહીં
કોઈનુંય પેટ.
૪-----
બૂમ પાડશે / અપૂર્વ અમીન (અમદાવાદ)
અરે
સળગાવો, ઓલવો પાછી સળગાવો
કોલસો થઈ કોકડું ન થઈ જઈએ ત્યાં સુધી
અમને આખે આખા હોમી દો
તમારી ૧૪ ફૂટની હોળીઓમાં.
અમને ચઢાવી દો
તમારી માતાના નેવેજમાં.
અમને વધેરી દો
તમારી આરતીઓમાં.
પાંપણે પડી રહેલો આક્રોશ-સુરમો
રાહ જોઈ રહ્યો છે એક મહત્તમ તણાવ સ્તરની
ત્યાં સુધી ચૂંથી મચેડી સળગાવી નાખો અમને
પણ જેવો
તે ક્રાંતિઅશ્રુ પૃથ્વી પર પડ્યો
કે તરત જ થશે ભૂકંપ
હચમચાવી નાખશે સમગ્ર પૃથ્વી
એ કચેરીઓ બસ સ્ટેન્ડો મંદિરો
પંચાયતની ઓફિસો.
જાહેર રસ્તાઓ પર
અમારી લાશો ડામર સાથે ભળી ગઈ છે
એ ચાવી જશે તેના પર ફરતી મર્શિડિઝો,
અમારી આંખનો પલકારો
આ લટકતાં ત્રિશૂળોને વચ્ચેથી વાળી
ઊલિયું કરી જીભ ચોખ્ખી કરાવશે
આત્મવિલોપનથી બળેલાં અમારાં શરીરને
બાવડાં પકડી ઊભા કરી ખંખેરી બેઠાં કરી દેશે
બળેલા અમારા ભોળાઓ
જીભ ખખડાવી
જય ભીમની ભયંકર બૂમ પાડશે
ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
૫-----
ખતરો / આતિષ ઇન્દ્રેકર છારા (અમદાવાદ)
દેશને ખતરો
ભયાનક ખતરો
ખતરો?
કરોડો રૂપિયાના પૂતળાથી?
દેશનું ભવિષ્ય રસ્તા પર ભીખ માંગતું દેખાય છે
ખતરો?
પતંગ-મહોત્સવોથી?
વાઇબ્રન્ટથી?
રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે,
ફાંસીના ફંદામાં ભવિષ્ય લટકી રહ્યું છે
બેરોજગરીના કારણે
ખતરો?
હોસ્પિટલોને?
ખાનગીકરણ સામે?
બની બેઠેલી મેગા સિટીમાં
અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે
અવાજને દબાવવા
શોપિંગ ફેસ્ટિવલ
ફ્લાવર શો
વાઇબ્રન્ટનો સહારો લેવાય છે.
ખતરો
ભીડથી મહોત્સવોથી
ખાનગીકરણથી ગોરક્ષકોથી
ખતરો વધતો જશે....વધતો જશે
૬-----
નર્મદા / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)
મરણપથારીએ પડેલી નર્મદા
તેનાં બાળકોની તરસ સંતોષી શકતી નથી
ખેડૂતો ને ગરીબોની જીવાદોરી બની શકતી નથી
સમય બદલાયો છે
નર્મદાને કેદ કરવામાં આવી છે
ફૅક્ટરીઓમાં વહેંચી બોટલોમાં ભરી
બજારે મૂકવામાં આવી છે
તેની છાતી પર ઊભી કરવામાં આવી છે
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
હવે તે ખૂલીને શ્વાસ લઈ શક્તી નથી
નર્મ આપનારી નર્મદા
દોડતી કૂદતી રેવા
ઇતિહાસ બની જશે
પણ એક દિવસ તે ગૂંગળાઈને ઉફાને ચડશે
ને તાણી જશે વહેણમાં
ઊભી કરેલી તમામ અસામન વ્યવસ્થાઓ.
૭-----
તલાક-બિલ / કુશલ તમંચે (છારાનગર, અમદાવાદ)
નિકાહ ભલે કરાર રહ્યો
નિકાહ ભલે કરાર રહેશે
સજા ભલે દીવાની થાય
તલાક બોલનાર જેલ ભેગો થશે.
સમાનતા ભલે ભાંગીને ભૂકો થાય
લિંગ પર ભલેને ધર્મ તાગડધિન્ના કરે
વિવિધતાને એકતા છોને નહોર મારે
તલાક બોલનાર જેલ ભેગો થશે.
સંસદમાં ભલે તમે દીવાલ ખોડી
સચ્ચરમાં ભલે તમે ફાચર મારી
શિક્ષણને ભલે કથળી નાંખ્યુ
તલાક બોલનાર જેલ ભેગો થશે.
કાયદાને ભલે તમે જેલમાં પૂર્યો
લઘુમતીઓ ભલેને રહેંસાતી રહેતી
સાંકડા લત્તાઓમાં રિબાતી રહેતી
પિસાતી રહેતી
તલાક બોલનાર જેલ ભેગો થશે.
૮-----
દખલ / ઉમેશ સોલંકી
ચાલુ છું
ઘરમાં ચાલુ છું
ગલીમાં ચાલુ છું
રોડ પર ચાલુ છું
પગદંડી પર ચાલુ છું
પગ છે એટલે ચાલુ છું
છે પહેલેથી બધું એટલે ચાલુ છું
ભૂતકાળમાં ચાલુ છું
ભાવિમાં ચાલુ છું
અબઘડીમાં ચાલુ છું
છે પહેલેથી બધું એટલે ચાલુ છું
ચાલી શકવાના વહેમમાં ચાલુ છું
ચાલી શકાય
ચાલી શકવાના વહેમમાં ચાલી શકાય
ફુદરડીને ચાલવાનું કહી શકાય
ફેર ફુદરડી ફરી શકાય.
કરી શકાય
ભાવિમાંથી ભૂતકાળને ઉખેડી શકાય
ભૂતકાળમાં ભાવિને ખોડી શકાય
જો
અબઘડીની ધાર પરસેવાની નીકળે કપાળે
અબઘડીના કઠોર ભાઠા પડે સુંવાળા હાથે.
ભૂતકાળ કંઈ સંયમ નથી
ભાવિ કંઈ નિયમ નથી
અબઘડી કંઈ મધ્યમ નથી
મચકોડેલી રીત એ તો
રીતમાં દખલ કરી શકાય
દખલ કરી ગીત દાખલ કરી શકાય :
નથણીની રૂઢિ પર જીતનું ગીત
ચામડીને ચોંટતી પાંસળીનું ગીત
વૃક્ષ વેલ બીજનું ગીત
પ્રીતનું ગીત
રીતમાં ગીત દાખલ કરી શકાય
દાખલ કરી રીતમાં દખલ કરી શકાય
દખલ કરી મચકોડને સીધી કરી શકાય.
સરસ
ReplyDeleteSuper
ReplyDeletevaah purush, narmada, dakhal kavita gami. badhi rachanao saras.
ReplyDelete