16 October 2014

અંક - ૧૯ / ઓક્ટોબર ૨૦૧૪

આ અંકમાં 
૧. એ / જયેશ સોલંકી
૨. આવતી કાલ / હર્ષદ સોલંકી
૩. શું આ જ જીવન છે ? / મહેન્દ્ર સોલંકી
૪. પંચમહાલ જિલ્લાનું હોળીનું લોકગીત, પ્રેષક : વિજય વણકર ‘પ્રીત’
૫. અને તું ? / ઉમેશ સોલંકી

૧------------------------------------------------------

એ / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો : અમદાવાદ)

નર્મદા નદીના કાંઠેથી
એની દીકરી ભરતી’તી બેડું પાણી
એ ગલમાં પરોવી અળસિયું
છેતરતો’તો માછલીઓને
અચાનક ટપક્યો વોચમેન
બેડું ને ગલ થઈ ગયાં જપ્ત
દીકરી દોડીને જતી રહી ઘેર
અને
એ
ચાલી નીકળ્યો નર્મદાના કાંઠે કાંઠે
ચાલતો રહ્યો
ચાલતો રહ્યો
ચાલતો રહ્યો
માઈલોના માઈલોના
માઈલોના માઈલોના
એ
એ જગ્યાએ પહોંચ્યો
જ્યાં ભૂખ-તરસ
સમગ્ર અસ્તિત્વ
ભળી જતુ’તું સમુદ્રનાં ખારાં જળમાં
આમ જ નિરર્થક

કોઈ કહે છે
એણે જળસમાધિ લીધી’તી
કોઈ કહે છે
એ બાવો બની ગયો છે
કોઈ કહે છે
એ પાછો ફરતો’તો ત્યારે
એના ખભે બંદૂક હતી
એ નક્સલવાદી બની ગયો છે.

કાશ, એને આદિવાસી રહેવા દીધો હોત !

૨------------------------------------------------------

આવતી કાલ / હર્ષદ સોલંકી (મું પો.- આદુંદરા, તા.- કડી, જિ.- મહેસાણા)

રક્ત સ્રવતો;
માથા વગરનો,
ગઈકાલનો મૃતદેહ 
હજીય લટકે છે મારા સ્કંધ પર
એનું લોહી મારા લોહીમાં ભળી ગયું છે.
એની મરતા પહેલાંની વેદના 
મારી વેદનાના અખૂટ ભંડારમાં સમાઈ ગઈ છે
એનું હ્રદય હવે ધબકે છે 
મારામાં 
જાણે કે એ મૃતદેહ આખેઆખો
મારામાં ભળી રહ્યો છે
અથવા તો હું ભળી રહ્યો છું એનામાં !
પણ હવે એ ભાર મારે ઉતારવો છે
એના સમેત મારોય વજન 
હું મૂકવાનો છું, આજ પર
આજને મારે આળોટતી જોવી છે મારા પગમાં 
આજ પર હું બન્ને પગે ઊભવાનો છું,
આજને મારી સોડમાં સુવડાવવાનો છું,
આજને હું ગર્ભવતી બનાવવાનો છું 
હા,
હું આવતી કાલનો નિર્માતા બનવાનો છું 
પછી મારા એક સ્કંધ પર હશે -
ગઈકલનો રક્તનીંગળતો મૃતદેહ
અને બીજી બાજુ હશે ,
આવતીકાલની સુંવાળા શરીરની ગુલાબી સુવાસ 

૩------------------------------------------------------

શું આ જ જીવન છે ? / મહેન્દ્ર સોલંકી (અમદાવાદ)

સવારથી રાત સુધી
રાતથી સવાર સુધી

સવારે ટિફિન લઈને કામ સુધી
સાંજે કામથી ઘર સુધી
રાત્રે થાકેલા શરીરથી ખાટલા સુધી
સવાલ સવાલ સવાલ
કામ કરતાં કામના સવાલ
ઘરે આવતાં ઘરના સવાલ
ખાટલે સૂતાં શાંતિના સવાલ
દિવસરાત સવાલ સવાલ
શું આ જ જીવન છે ?

૪------------------------------------------------------

ઓરીમા ક્યારે આવશો ? / પંચમહાલ જિલ્લાનું હોળીનું લોકગીત (પ્રેષક : વિજય વણકર ‘પ્રીત’, પીંગળી, તાલુકો : કાલોલ, જિલ્લો : પંચમહાલ)

માતા આજનાં ચાલ્યાં ક્યારે આવશો ?
તમારી બારેમાસ જોવું વાટો રે, ઓરીમા (હોળીમા)

કેસૂડો રંગ લાવિયાં
માતા આજનાં ચાલ્યાં ક્યારે આવશો ?
તમારી બારેમાસ જોવું વાટો રે, ઓરીમા

આંબા રસ લાવિયાં
માતા આજનાં ચાલ્યાં ક્યારે આવશો ?
તમારી બારેમાસ જોવું વાટો રે, ઓરીમા

ડોરિયો રંગ લાવિયાં
માતા આજનાં ચાલ્યાં ક્યારે આવશો ?
તમારી બારેમાસ જોવું વાટો રે, ઓરીમા

રાંયણે પીળો રંગ લાવિયાં
માતા આજનાં ચાલ્યાં ક્યારે આવશો ?
તમારી બારેમાસ જોવું વાટો રે, ઓરીમા

૫------------------------------------------------------ 

અને તું ? / ઉમેશ સોલંકી

બોલ, કહીશ શું,
પ્રેમને તું ?
“બીજું શું,
વરસાદનું પહેલું ટીપું;
અને તું ?-“
ગટરનું ઢાંકણું.

----------------------------------------------------------

umeshgsolanki@gmail.com પર તમે પણ રચના મોકલી શકો છો

પ્રતિભાવ જણાવશો!

14 September 2014

અંક - ૧૮ / સપ્ટેમ્બર ૨૦૧૪

આ અંકમાં 

૧. ગઝલ / વજેસિંહ પારગી
૨. સપનું જોતો રહ્યો / મહેન્દ્ર સોલંકી
૩. પંચમહાલ જિલ્લાનું મરશિયું / પ્રેષક - વિજય વણકર 'પ્રીત'
૪. પતંગદોર / ઉમેશ સોલંકી 

૧----------------------------------------------

ગઝલ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

કહેવાતાં સૌ સગપણ છોડી,
બેઠો છું પરપોટા ફોડી.

ક્યાં લગ જીવણ તરશો દરિયો ?
કાયા છે કાગળની હોડી.

જર્જર ભીંત સમો છું હું ને
હરપળ ઝીંકે કાળ હથોડી.

વાર્તા સુખની સૌની સરખી,
ખ્યાલો ઝાઝા ઘટના થોડી.

લો, ઈશ્વર પર આસ્થા મૂકી,
લો, પથ્થર પર કૂંપળ ખોડી.

સમણે આવ્યું બચપણ આજે,
ખાલી ચખને લાધી કોડી.

૨---------------------------------------------- 

સપનું જોતો રહ્યો / મહેન્દ્ર સોલંકી  (અમદાવાદ)

મારી આંખોમાં સપનું
જિંદગી ગરીબીમાં
ને મોત સ્મશાનમાં
આખી જિંદગી કામ કરતો રહ્યો
સપનું જોતો રહ્યો

ઘર હોય મારું
ભલે હોય એ નાનું
ત્રણ દિવાલ
ને હોય નાનું બારણું
સુખેથી જીવશે એમાં
નાનું સપનું મારું
આખી જિંદગી કામ કરતો રહ્યો
સપનું જોતો રહ્યો

તોય કદી ન મને રસ્તો મળ્યો
ને હું આખી જિંદગી કામ કરતો રહ્યો
સપનું જોતો રહ્યો

“સૌથી ખતરનાક હોય છે
આપણાં સપનાંઓનું મારી જવું”
ને હું આખી જિંદગી કામ કરતો રહ્યો
સપનું જોતો રહ્યો

૩----------------------------------------------

પંચમહાલ જિલ્લાનું મરશિયું / પ્રેષક - વિજય વણકર 'પ્રીત', પીંગળી, તાલુકો - કાલોલ, જિલ્લો - પંચમહાલ

મારા સૌ સાથી આયા રે, હાય હાય (૨)
મારાં લખીબા ના આયાં રે, હાય હાય (૨)
એમનાં મસાણે મેલણાં રે, હાય હાય (૨)
જેણી વાદળી આયી રે, હાય હાય
ઝરમર મેહુલો વરસ્યો રે, હાય હાય
ઝરમર નદીયે આયા રે, હાય હાય
મારાં લાખીબા તણાયાં રે, હાય હાય
ભૈયો માછીડો તેડાવો રે, હાય હાય
ઊગતા સૂરજ થંભ્યા રે લાઢણા , હાય હાય
જમરા આયા ચાર રે લાઢણા, હાય હાય
ઘડીએક થોભો એમના જમરા..........

૪----------------------------------------------

પતંગદોર / ઉમેશ સોલંકી

રાતની વચલી આંગળીનું ટેરવું
દિવસની વચલી આંગળીના ટેરવાને અડેલું
ઝાડની આડ બનાવી
હું બેઠેલો
મારી આડ બનાવી
તું બેઠેલી
ઠંડોગાર વાયરો હડસેલો મારતો
પણ પોતે હડસેલાઈ જતો
તારા વાળમાંથી અટૂલા થયેલા બેચાર વાળ
મારા ગાલને અડતા
અને ગલીપચી
દાણાદાર બની ઉપસી આવતી
તારા નવશેકા શ્વાસ
મારા નવશેકા શ્વાસમાં ભળી
ઊનું ઊનું આવરણ રચી
હૂંફ આપ્યા કરતા
લાવામાં ફરું ફરું કરતું લોહી
સ્હેજ ઊછળ્યું
ને માથું સરક્યું
શર્ટનું પહેલું બટન ખુલી ગયું
અટક્યું
સમય સંકોચાઈને બટન બની ગયો
આંગળીથી તું બટનને રમાડવા લાગી
રમતાં રમતાં તું બટન બની ગઈ
પછી પાછી તું બની ગઈ
બટનને તેં હોઠમાં લીધું
હળવે રહીને દાંતમાં ભીંચ્યું
હું હવે બટન બની ગયો
મીઠા કર કર અવાજમાં તરવા લાગ્યો
તરતાં તરતાં ડૂબકી મારી
તરત તેં બટન મૂકી દીધું
હું પાછો હું બની ગયો
સમય વિસ્તરીને સમય બની ગયો
ધીમે રહી બગલમાં સરકી
કટ કરી દોરો કતરી
સર સર કરતો સેરવી લીધો
બગલ પાછી ફાટી ગઈ
પીંછા પેઠે દોરો 
હોઠ પર ફેરવી
કોકરવરણા શબ્દો બોલી :
“જીવનદોર મારો, જ્યાં લગ રહેશે
પતંગદોર તારો, ત્યાં લગ રહેશે”
સોય વાગી
આંગળી ચૂસતાં ચૂસતાં ઊભો થઈ
જંગલ વચ્ચે દરવાજાનો ટેકો લઈ
જતાં-આવતાં એકલદોકલને જોવા લાગ્યો
હાથ થોડો ઊંચો થઈ
ડાબેજમણે જમણેડાબે સ્હેજ હલી
સૌ ખંતીલા હાથને મળવા લાગ્યો..

-------------------------------------------


umeshgsolanki@gmail.com પર તમે પણ રચના મોકલી શકો છો

પ્રતિભાવ જણાવશો!

15 August 2014

અંક - ૧૭ / ઑગસ્ટ ૨૦૧૪

આ અંકમાં
૧. આધાર વગર / વજેસિંહ પારગી
૨. બરાબર યાદ છે / બ્રહ્મ ચમાર
૩. છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા
૪. વિ-નામ / ઉમેશ સોલંકી


૧-------------------------------------------------------


આધાર વગર / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

વેલો વિસ્તરવા
કૂંપળ પર કૂંપળ કાઢે
એમ મેં પણ
પ્રયત્ન પર પ્રયત્ન કર્યા છે
વિકસવા.
પણ વાડનો આધાર ન મળતાં
વેલો કોકડાઈ જાય
એમ હું
કોકડાઈ ગયો છું 
કોઈ આધાર વગર.

૨-------------------------------------------------------

બરાબર યાદ છે / બ્રહ્મ ચમાર  (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

આજ સુધી
'ના' કહેવાનું
શીખ્યો જ છું ક્યાં?
એકવાર 'ના' કહેલી
બરાબર યાદ છે
શેઠની માર પડેલી
રાત આખી કણસેલો
બરાબર મને યાદ છે

વર્ષો પછી
આજે હું શેઠ છું
પણ
નોકરની કોઈ વાત
ટાળી નથી શકતો...!

૩-------------------------------------------------------

હો, ભાઈઓ-બહેનો! / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)

ડોસી, આપડા ગાંમમાં  રોજગારી મળતી નથી,
          ચાલ, આપડે કાઠિયાવાડ રે જીવવાના માટે.
ડોહા, મારે નથી આવવું કાઠિયાવાડ રે
          કામ માટે, મથવું પડશે પોતાના માટે.

આદિવાસીની જંગલ-જમીન સરકારે લૂંટી લીધી,
          જમીન વિહોણાં થયાં રે, હો ભાઈઓ-બહેનો!
પંચાયતમાં ધક્કા ખાધા, તાલુકામાં ગોથાં માર્યાં,
          અરજી નથી સ્વીકારી રે, હો ભાઈઓ-બહેનો!
બહાર મજૂરી જઈએ, ખુલ્લામાં પડી રહીએ
          પૂરતું ખાવાનું નથી રે, હો ભાઈઓ-બહેનો!
બહેનો ઉપર છેડતી થાય, બાળકો કરમાઈ જાય
          કેમ કરી જીવન જીવવું રે, હો ભાઈઓ-બહેનો!
રોજી માટે બહાર જઈએ, જીવતર રોળાઈ ગયાં
          એના માટે શું કરીએ રે, હો ભાઈઓ-બહેનો!
બેનોના નામે મિલકત કરવા સંગઠન કરવું પડશે
          સંગઠન કરવું પડશે રે, હો ભાઈઓ-બહેનો!

૪-------------------------------------------------------

વિ-નામ / ઉમેશ સોલંકી

ખાંડનો દાણો
ટીપામાં ઓગળે
એમ
હૂંફાળા તારા શરીરમાં સમેટાઈને
હું ઓગળતો
કોણ ઓગળશે?

તીકમ ભોંયમાં ખૂંપે
અને ઊખડે ઢેફું
એમ
હું ખૂંપતો તારામાં
અને ઊખડતી પરંપરા
કાંકરાળી એ પરંપરાને કોણ ઉખાડશે?

પરંપરા ઊખડી થોડી
અને
વળાંક લઈને
તું પૂરપાટ દોડી
તું ક્યાં દોડી?
તારામાંથી નીકળી
તને તરછોડી
તારી ઇચ્છા દોડી
ઇચ્છાને તો બસ દોડવું હતું
શ્વાસ થાકી જાય તોય દોડવું હતું
વસ્ત્ર ખેંચાઈ જાય તોય દોડવું હતું
વાળ વીંખાઈ જાય તોય દોડવું હતું
કાજળ રેલાઈ જાય તોય દોડવું હતું
દોડતાં દોડતાં
લીધું હાથમાં
સદીઓ જેમાં થંભી ગયેલી
લાચાર આંખના આંસુનું એક ટીપું
ટીપામાં ભેળવ્યું
ખેંચાવું, વીંખાવું, રેલાવું
અને
ટીપું બની ગયું સિક્કો
સિક્કો એટલે સંસ્કૃતિ (સભ્યતા)
સંસ્કૃતિ તો ઘણી
શિખર પર ચડી
અવશેષમાં ફરી
નામશેષ થઈ
સિંધુ ખીણની લિપિનો
એક અક્ષર કોઈ ઊકલી શકતું નથી
હડપ્પાના
કોઈ રાજાનું (શાસકનું) નામ જડતું નથી
પછી
દૂર દૂર ડરના
ચકચકતા ઘરના
શીશમના દ્વાર પર
કાળા શા પાટિયા પર
સોનેરી નામનું કરવું છે શું?

મારે પણ દોડવું હતું
દોડતાં દોડતાં
બેચાર ડગલાં
સાથે તારી કૂદવું હતું
શીતળ-સુંવાળા વાયરામાં ભળવું હતું
શ્વાસ બની હૃદયમાં રમવું હતું
પણ
તેં તો અચાનક વળાંક લીધો
અંદર મારી
ઘૂસી આવ્યો પછી
ઘાતક-ઘેલો થાક સીધો
હુંય ઘેલો દોડવા લાગ્યો
થાકને હળવે હળવે હંફાવવા લાગ્યો
 હંફાવતાં હંફાવતાં 
લાચાર આંખનાં આંસુઓને લૂછવા લાગ્યો
લૂછતાં લૂછતાં નામ જાણ્યું
નામ જાણી નામ છોડ્યું

---------------------------------------------

umeshgsolanki@gmail.com પર તમે પણ રચના મોકલી શકો છો

પ્રતિભાવ જણાવશો!

16 July 2014

અંક - ૧૬ / જુલાઇ ૨૦૧૪

આ અંકમાં
૧. એ, પેલો, તમે અને હું / જયેશ સોલંકી
૨. પથ્થરદિલ / વજેસિંહ પારગી
૩. વાવણીનું લોકગીત
૪. મારા પ્રત્યેનો ભાવ / બ્રહ્મ ચમાર
૫. આધુનિક આભડછેટ / ઉમેશ સોલંકી

૧----------------------------------------------

એ, પેલો, તમે અને હું / જયેશ સોલંકી (ભુવાલડી, જીલ્લો : અમદાવાદ)

એ
જ્યારે પણ
સરદાર બ્રિજ પરથી
પસાર થાય છે
ત્યારે
સાબરમતી રિવરફ્રન્ટને જોઈ
સહર્ષ કહે છેઃ
'વાહ, સાહેબ, વાહ!
તમે તો કમાલ કરી!

પેલો
પસાર થાય છે
નહેરુ બ્રિજ પરથી
ત્યારે
સાબરમતી રિવરફ્રન્ટ નીચે
ડટાયેલી-ડુબાયેલી
પોતાની ઝૂંપડી
તરફ આંગળી ચીંધી
કહે છેઃ
'તારી સાત પેઢીઓનુ નખ્ખોદ જાય
મોદી-સરકાર!'

અને
તમે
દીકરાના ટ્યૂશનની ફીના પૈસા
અથવા
બીમાર પપ્પાની દવાના પૈસા
આ મહિને ક્યાંથી આવશે
એની ચિંતામાં ને ચિંતામાં
આજુબાજુ શું ચાલે છે
એની
પરવા કર્યા વિના
વચોટિયા
ઍલિસ બ્રિજ પરથી
દરરોજ પસાર થાવ છો
એની પણ
ખબર છે મને.

૨----------------------------------------------

પથ્થરદિલ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

વરસાદ પડતાં
પથ્થરની બખોલમાં
ઘાસ ઊગી નીકળે
એમ તમારી ભીનાશ અડતાં
મારામાં લાગણી જન્મે છે.
તોય તમે
મારો સખત દેખાવ જોઈને
મને પથ્થરદિલ કહો છો?!

૩----------------------------------------------

વાવણીનું ગીત / પંચમહાલ જિલ્લાનું લોકગીત (પ્રેષક - વિજય વણકર 'પ્રીત', પીંગળી, તાલુકો - કાલોલ, જિલ્લો - પંચમહાલ)

જોડો જોડો હળ ને જૂસરી
જોડો જોડો લાલિયો ને લીલિયો
પેલો મેહુલો આવિયો આંગણે
લાવો લાવો બશેર મારી બાજરી
પેલા મોવડાવારામાં પેલાં જઈશું
જોડો જોડો.....

મારે ઘેર આયો રે મેહુલો
હું તો લીલિયાને નાણાછડી બાંધું રે
એનાં શીંગડા શોભતાં તાંતણે
એના કપારમાં કરું કંકુનો ચાંદલો
એની ડોક શોભે કંકુ કેરા ચાંદલે
એવા જૂસરીએ નાણાછડી બાંધજો
એવી જૂસરી શોભે ગામડાના ખેતરે
મારી જૂસરીના વખાણ થાય ખેતરે
જોડો જોડો........

૪----------------------------------------------

મારા પ્રત્યેનો ભાવ / બ્રહ્મ ચમાર  (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

હવા
મનેય સ્પર્શે છે
વરસાદ
મનેય ભીંજવે છે
અગ્નિ
મનેય દજાડે છે
છતાં
મારી સાથે આવો વર્તાવ કેમ?
મારેય મા છે
બાપ છે
ભાઈ છે
બહેન છે
હવે તો
મારું પોતાનું ઘર છે
એય
ગામની વચ્ચોવચ્ચ
છતાં
'કેવા છો?'
પૂછ્યા પછીનો
એમનો
મારા પ્રત્યેનો ભાવ
હજુ
એનો એ જ છે !!!

૫----------------------------------------------

આધુનિક આભડછેટ / ઉમેશ સોલંકી

બહાર હતું
તે અંદર ગર્યું છે,
અંદર ગરીને તળિયે સર્યું છે,
તળિયે સરીને
એવું ચોંટ્યું છે, એવું ચોંટ્યું છે
કે, કરે સ્પર્શ
તો સ્પર્શનો લગીર અનુભવ નહીં,
વહાલા વહાલા શબ્દો
ઠાલા ઠાલા અર્થોથી ભરચક લાગે,
પુસ્તકમાં આંગળીઓ ફેરવું
તો આંગળીઓને ભચભચ કાંટા વાગે,
પાક્કા રસ્તા પર ચાલુ છું, ચાલ્યા કરું છું, ચાલ્યા કરું છું
રસ્તો રસ્તામાં ભળતો જાય છે, ભળતો જાય છે, ભળતો જાય છે
એક્કેય ઠોકર વાગી નથી,
પણ, ક્યાંય ન પહોંચવાની પીડા
ઠોકરને ઠેઠ વટી ગઈ છે, હા, વટી ગઈ  છે.     

આનંદમિત્રના કંઠે શાસ્ત્રીય રાગમાં આ રચના હિન્દીમાં (आधुनिक छुआछूत) સાંભળવા માટેની લિંક : https://www.youtube.com/watch?v=XnS3T-mhGtY


16 June 2014

અંક - ૧૫ / જૂન ૨૦૧૪

આ અંકમાં
૧. પેટ / વજેસિંહ પારગી
૨. બીક ઘણી લાગે / છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૩. મુક્તક / બ્રહ્મ ચમાર
૪. સુતર વીંટાઈ ગયું / વિજય વણકર 'પ્રીત' 
૫. ખેંચાણ / ઉમેશ સોલંકી

૧--------------------------------------------

પેટ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ) 

ખાહડા જેવડું પેટ ભરતાં ભરતાં
ડુંગરા ઘસાઈ ગયા
ઝરણાં સુકાઈ ગયાં
વગડો વેડાઈ ગયો.
હૂંકળવાના ને કિલકારવાના
દન આથમી ગયા
ને વાંસળીમાં ફૂંકવા જેટલી
ફેફેસામાં રહી ન હવા
ત્યારે અમે છોડ્યો કુદરતનો ખોળો
ને પકડ્યો નગરનો પલ્લો.

નૂગરા નગરમાં
કોઈ ન અમારો બેલી
ન કોઈ લાગભાગ
કે ન કશો હકદાવો.
નગરમાં તો
અમે કેવળ હિજરતી.
અમારાં વગડાઉ મૂળિયાં
અમે ક્યાંક ગાડી ન દઈએ
એની અગમચેતી રૂપે
આ નગરે
અમારા માટે છોડી નથી
પગ મૂકવા જેટલી ભોંય.

પ્લાસ્ટિકના ઓઢામાં
શિયાળે ઠૂંઠવાવું
ઉનાળે હમહમવું
ચોમાસે લદબદવું
ઋતુની અસરથી બચવા
અમારાં બાંધેલાં બંગલા ને બિલ્ડિંગોમાં
નથી મળતો અમને આશરો.

કડિયાનાકાં પર
ઘેટાં-બકરાંની જેમ
થાય છે અમારા ભાવતાલ
ને રૂંવેરૂંવે લાગે છે આગ.
પીઠ પાછળથી છૂટતાં
મામા-લંગોટિયાનાં મર્મબાણો
ચટકાવે છે વીંછીની જેમ
ને ચડે છે ચોટલીએ ઝાળ.

રોજેરોજ હડહડ થઈને જીવવા કરતાં
સમસમીને સમો કાઢવા કરતાં
થાય છેઃ
નરક જેવા નગરને છોડી દઈએ
ને પાછા મૂકી દઈએ કુદરતના ખોળે માથું.
પણ અમને ડસી લેવા
ઉદરમાં ફૂંફાડા મારે છે ભૂખનો ભોરિંગ.
ને મરવું અમને મંજૂર નથી.

૨--------------------------------------------

બીક ઘણી લાગે / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)

હું તો ગામડામાં રહેનારી, મને શહેરમાં બોલાવે,
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

હું તો પગે ચાલનારી, મને એસ.ટી.માં બેસાડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

સંસ્થાની બેનો આવે, મને મંડળમાં જોડાવે
હું તો ઘરમાં સંતાઈ જાતી, હું તો વાડામાં સંતાઈ જાતી
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

બારથી બેનો આવે, મને વાતે વળાવે
મને શરમ ઘણી લાગે, મને બોલતા નંઈ આવડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

સંસ્થાની બેનો આવે, મને તાલીમમાં બોલાવે
મને નવું શીખવાડે, મને શરત્યો નંઈ આવડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

બારથી બેનો આવે, મને બૅંકમાં બોલાવે
મને સઈ કરતા નંઈ આવડે, પૈસા ગણતા નંઈ આવડે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

હું તો ગામડામાં રહેનારી, મને શહેરમાં બોલાવે
બીક ઘણી લાગે, મને બીક ઘણી લાગે

૩--------------------------------------------

મુક્તક / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

જીવનનો હક માગો, દલિતો,
વર્ષો ઊંઘ્યા જાગો, દલિતો;
રાજા કેવો ? રાણી કેવી?
જૂની વાણી ત્યાગો, દલિતો.

૪--------------------------------------------

સુતર વીંટાઈ ગયું / વિજય વણકર 'પ્રીત' (પીંગળી, તાલુકો - કાલોલ, જિલ્લો - પંચમહાલ)

આખા ગામના ચોતરફ પેલા ગામવાળા ગાજે
કોણે રાખ્યું હશે આવું કે એના દોરાવડે જ દાટે
ઢોલ-શરણાઈથી આ ગામને વશ કરવું
એમાં ગામના જ બધા લાગ જોવે
ઢોર-ઢાંખર ગામતળ બહાર મુકાવે
બોલ-બખાર સામ સત કેવાય કુવાળે
શિકોતર ગામતળ જેવી માતાના પૂંજન થાય ભાદરવે
મહોલ્લા-ફળિયાં, ખાંગામાં તોરણો બંધાય સંધ્યાએ
આમ કેમ કરતા હશે એ કોણે કાઢ્યું છે ફરતું નાટક
દરેક જણ જણ અને ગામને લાગે છે ફાયદાકારક

(વરસોથી વડીલોની માન્યતા છે કે આખા ગામની ચોતરફ સુતર વીંટવાથી ઢોર-ઢાંખરને રોગચાળો, ખરવારો ના થાય)

૫--------------------------------------------

ખેંચાણ / ઉમેશ સોલંકી

આજકાલ હું
ફૂલને ફૂલ નથી કહેતો
એના શ્વાસનો આકાર કહું છું,
ચંદ્રને ચંદ્ર નથી કહેતો
એના સ્પર્શનો ચમત્કાર કહું છું,
એના કેશને કેશ નથી કહેતો
ત્રીજા નેત્રના ઉઘડેલા પોપચાના પરિણામની
કાળી ધૂમ્રસેરો કહું છું,
એની વાતોમાં, મહાન પ્રેમગીતમાં લપાયેલા
કોઈ કુંવારા અર્થને શોધું છું,
સરોવર જેવા એના શરીર પર
મંદ મંદ શ્વાસોથી લહેરો બનાવું છું,
છતાં,
છતાં, કોઈ પ્રબળ ખેંચાણ
ખેંચી જાય છે મને
ખખળી ગયેલી ઝૂંપડીના ખૂણામાં પડેલા
ઘાસતેલિયા દીવાની થરથરતી જ્યોત આડે હાથ ધરવા,
બાળોતિયા વગરની નિર્દોષતાને 
હૂંફ આપવા,
ઠંડા પડી ગયેલા લોહીને
શબ્દોના લાવાથી ગરમ કરવા
ને તરત પછી
સામે એની
બની જાઉં છું હું ઠંડું પડી ગયેલું શરીર
આજકાલ હું, ઠંડું પડી ગયેલું શરીર પણ બની જાઉં છું.