15 April 2017

અંક - ૪૮ એપ્રિલ ૨૦૧૭

આ અંકમાં
૧. कहते है / रेखा यादव
૨. લંડન / ગોપિકા જાડેજા
૩. તારાં વચનો / હેતલ જી. ચૌહાણ
૪. ઝૂલડી / વજેસિંહ પારગી
૫. અમે કરીશું  / અનિષ ગારંગે
૬. રહેઠાણ મારું નામ / મેહુલ ચાવડા
૭. લત / ઉમેશ સોલંકી

૧----------

कहते है / रेखा यादव (वडोदरा)

कहते हैं
साथ रहते-रहते
प्रेम हो जाता तबदील आदत में
तब वह
प्रेम नहीं रह जाता
सूखे रजनीगंधा के फूलों की तरह
टिक जाता है फूलदान में
कभी
मैले तौलिये से लटकता हुआ
बच्चों की किताबों के
क, ख, ग, घ,
से  होता हुआ रसोई घर में
कूकर की सीटी में तब्दील हो जाता है
घर के गलियारों में धूल की तरह
उडता प्रेम उन दोनों के बीच
शून्य में बदल जाता है ।

૨----------

લંડન / ગોપિકા જાડેજા

શરીરે ભૂખ વીંટાળી 
ભૂખને ઘર બનાવી
વિક્ટોરિયા સ્ટેશનની બહાર
બેઠેલા તે માણસની 
ખાલી દૃષ્ટિ સામે 
હું નગ્ન છું.

૩----------

તારાં વચનો / હેતલ જી. ચૌહાણ (સુરત)

એક વખત 
તારા આપેલા વચનને 
હું સમજી બેઠી
બ્રહ્મવાક્ય
ફરી-ફરી એ જ વચનને 
સત્ય માની 
સોનેરી સપનાં સજાવી બેઠી
મૄગજળ સમાં સપનાં
સાચાં માની બેઠી
અદાલતમા તારીખ પર તારીખ જેમ 
એમ તારી તારીખો પડતી રહી 
ના તો કેસ પૂરો થયો અદાલતનો
ના પૂરાં થયાં તારાં વચનો.

૪----------

ઝૂલડી / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)

નાનપણમાં મારા માટે
બાપા લાવ્યા હતા ઝૂલડી.
ધોતાં ચઢી ગઈ
રંગ ઊપટી ગયો
દોરા ઊબળી ગયા
ઝૂલડી મને ગમી નઈં.
મેં કર્યો કળો -
નથી પહેરવી અા ઝૂલડી.
માથે હાથ ફેરવીને
માઅે સમજાવ્યું હતું -
પહેરી ફાડ બેટા!
ફાટી જશે પછી નવી લાવશું.
અાજે તો
અણગમતી ઝૂલડી જેવું
થઈ ગયું છે શરીર.
કરચલીઅો પડી ગઈ છે
સાંધા નંગળી ગયા છે
શ્વાસ લેતાંય ધ્રૂજે છે.
ને હવે  જીવ કરે છે કળો - 
નથી પહેરવું અા ખોળિયાને!
હું જેવો ખોળિયું ઉતારવા જાઉં છું 
તેવી યાદ અાવી જાય છે મા
ને માની વહાલભરી સમજાવટ -
પહેરી ફાડ બેટા!
ફાટી જશે પછી...  ...

૫----------

અમે કરીશું  / અનિષ ગારંગે (અમદાવાદ)

સૂરજના તડકાને  થેલામાં બાંધી
કોદાળી થી ધરતી પર ઘા કરીશું
લાંબો હોય કેટલોય પથ
પરસેવાથી એને ભીંજવીશું
કાંકરા આવે કે કાંટા
વાવ બનીને ઝાલી લઈશું
હાથ પકડી, ઓ સાથી...........
અમે કરીશું.

દરિયાની ભરતી આવશે, 
આવશે તૂફાનના ચક્રવાત
નાવ આપણી હાલકડોલક થશે
ખરાબ થશે આપણી હાલત
તો પણ,
જળના મુખને ફાડીને
આપણે તરી લઇશું.
હાથ પકડી, ઓ  સાથી......
અમે કરીશું.

સમાજના રસ્તા છે છાણાં
કાળાં કાળાં ગોળ ગોળ,
બનીશું હિંમતવાન
બતાડીશું એમને આપણા
જોમની કળ કળ
હાથ પકડી, ઓ સાથી........
અમે કરીશું.

૬----------

રહેઠાણ મારું નામ / મેહુલ ચાવડા (અમદાવાદ)

મને બરાબર યાદ છે એ દિવસો
પ્રાથમિક શિક્ષણ પૂરું કરી
કંઈક બનવાની ઘેલછામાં 
હું ભણવા ગયો
એક અજાણ્યા નગરમાં
જ્યાં ના કોઇ મારું હતું
હતાં તો હું અને મારું પરિણામ.
શાળાના પ્રથમ દિવસે 
કોઈને ખબર ના પડી
ખબર પડી 
તો મારી હોશિયાર હોવાની છાપની
પણ છાપ ભુસાઇ ગઈ 
રેતીના પગલાની જેમ
શિક્ષક દ્વારા પૂછવામાં આવ્યાં 
નામ અને રહેઠાણ.
પછી બની ગયું
મારું રહેઠાણ મારું નામ :
બી.સી. બોર્ડિંગ.
ડગલે ને પગલે યાદ કરાવ્યું
રહેઠાણ રૂપી મારું નામ
ના રહી હોશિયાર તરીકેની છાપ
ના રહ્યું મારું નામ.
મને તો યાદ રહ્યું મારું રહેઠાણ રૂપી નામ :
બી.સી બોર્ડિંગ.

૭----------

લત / ઉમેશ સોલંકી

તને બેઠું'તું સત્તરમું
મનેય બેઠું'તું સત્તરમું
સત્તરમાં હોય નહીં જીવનને ઘાટ
ફાટફાટ થતું તેથી ખેંચાવું
શાળામાં ગામમાં
કે હોઈએ વાસમાં
ખેંચાવું ખસતું લગીર ના છેટું
શું કરવું ?
વિસ્તરવું
કે સંકોચાવું
સંકોચાવામાં હિત નથી
વિસ્તરવામાં મળવાની પ્રીત નથી
સ્થિરતાને વળી કોહવાટ વહાલો
કોહવાટ એ સત્તરની રીત નથી.
વિસ્તર્યો
પહોંચ્યો
આજ
દાણો એક અંદર પડે
પેટ તરત બરાડી ઊઠે
છતાં
છાતીની અંદર
એજ હલચલ
આંખ એટલી જાગી
કે આંત્રપુચ્છની રીત હઠાળી
પોપચાંને લાગી વહાલી
ભલે લાગી
સાથે લાગી
કોહવાટ ન ભાળવાની
કીકીને પણ લત નિરાળી.

----------

    ફેરફાર (નવલકથા)
    મૂલ્ય : ૧૩૦ રૂપિયા
    કુલ પાનાં : ૧૯૨
    પુસ્તક-ખરીદી માટે સંપર્ક :  9428039964

15 March 2017

અંક - ૪૭ / માર્ચ ૨૦૧૭

આ અંકમાં
૧. जैसी मुझे होना था / रेखा यादव
ર. દહાડીનો અંધકાર / વજેસિંહ પારગી
૩. અગરમાં આખડીને / દેવેન્દ્રભાઈ વાણિયા
૪. जाड्डा /अनिष गारंगे
૫. ફરફર ફરફર / ઉમેશ સોલંકી

૧----------

जैसी मुझे होना था / रेखा यादव (वडोदरा)

मैं नहीं रही वैसी
तुमसे प्रेम होने के पश्चात्
मेरा होना गलकर 
घुल गया तुममें |
तुम्हारी पसंद का बनने में
घिसती रही चमडी
करती रही शृंगार
इंटरनेट पर खोजती
तुम्हें खुश करने के उपाय
स्वयम् की पंसद-नापसंद को कर दरकिनार |
मेनिकयोर पेडिकयोर* की परम्परा का
मखौल उडाने वाली
मैं
पूछती  हूँ   
स्वयम् से 
क्यों नहीं रही वैसी
जैसी मुझे होना था
एक खुशदिल सहज लडकी |

(*मेनिकयोर-पेडीकयोर , आईब्रो - ब्यूटी पार्लर में हाथ पैर की सफाई के लिए, और भौहें के आकार देने की प्रक्रिया के लिए इस्तेमाल होने वाले शब्द)

૨----------

દહાડીનો અંધકાર / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

દહાડીનો દહાડી સૂરજ ઊગે છે.
ધરતી પરથી અંધકાર હટે છે.
હુંયે પ્રકાશ આંજીને
નીકળી પડું છું દહાડી શોધવા.
દહાડાના પ્રકાશમાંયેે 
આંખ સામે છવાય છે 
અાજ દહાડી નઈં મળે તો-નો અંધકાર.
ને અંધકારમાં અટવાતી રહે છે આશા.
કોઈ દહાડો એવો નથી ઊગ્યો
કે દહાડીની વાતે
મારા મનમાં પ્રકાશ ફેલાયો હોય!

૩----------

અગરમાં આખડીને / દેવેન્દ્રભાઈ વાણિયા (ખારાઘોડા, જિલ્લો - સુરેન્દ્રનગર)

અગરમાં આખડીને આમ 
અમારી જિંદગી વહી ગઈ
મહેકતા માનવીની જિંદગી હવે ધૂળધાણી થઈ
હતો સમૂહ બહોળો પણ
કદી એની એકતા ના થઈ
તેથી હવે જીવતી આ લાશ
જેવી ઘટના થઈ ગઈ
મહેકતા માનવીની જિંદગી હવે ધૂળધાણી થઈ
ભલો ભોળો અગરિયો 
ને એનું ભોળપણ છતું થયું
એની અજ્ઞીનતાનો લાભ લઈને
રોજી રઝળી ગઈ
મહેકતા માનવીની જિંદગી હવે ધૂળધાણી થઈ
ખરેખર લાગણીનો દરિયો
આ માનવી જોઈ લ્યો
સમર્પણ સ્નેહને ખાતર  એ પ્રાણ દેનારો
મહેકતા માનવીની જિંદગી હવે ધૂળધાણી થઈ

૪----------

जाड्डा / अनिष गारंगे (अहमदाबाद)

काल राती माहरे झुपड़े म ऐस्सा जाड्डा पड़या     (जाड्डा - ठंड)
जाणु मेरे छोरे के छातिया प कोई नागा साप रेंग्या
कभी बो डसता, कभी बो फुंकारता
एक नाहनी सी गुदडिया म     (गुदडिया - रजाई)
मेरा छोरा ऐस्सा द्युज्या 
काल राती माहरे झुपड़े म ऐस्सा जाड्डा पड़या ।

बारिया के बखौले माहीस आवती हवा जाणु
एक मौता का संदेशा लावती ह
रोज रोज जाणु कोई हंटर मारअ
 इद्या बो माहरे झुपड़े म उतरती ह ।

बंडिया नाही, लाकड़िया नाही
चूल्हा होइगा ह ठंडा । 
कोलसे के भी दांत ठंडे पड़े
तब हमु दरवाजे का कालजा काटया
काल राती माहरे झुपड़े म ऐसा जाड्डा पड़या ।

कड़ कड़ाते दांत स मेरे छोरे न मेरे स पुछया
"बाप आज इतणा जाड्डा कांहीकु पड़ी रहा ह"
हुं भी उसकु क्या बताव क बेटा 
"जाड्डा तो माहर जैसे क झुपड़े म आवण के लिये ज बनौड़ा ह ।"

बीमार गुदड़िया, गांड़े द्याबळै     (धाबलै - कंबल)
गील्ले लाकड़े, बेबस कोलसे
मुजरीम ख़ाट्टा, टुटोड़ा चूल्हा
सारानू मील्ली माहरा युद्ध ऐसा संभाल्या
काल राती माहरे झुपड़े म ऐस्सा जाड्डा पड़या ।

राती के अंधेरे म जाड्डा भी घोड़े पर जाणु 
एक सांकल लेई आवड़ा ह
सांकला पर मेरी अन मेरे छोरे की 
चामड़ी लगाई बो कूदण चाहता ह
पण मेरी हिम्मतास हूं 
उसका हर सामना करगंड़ा
हूं मेरे आशा के सूर्य का इंतजार करगड़ा
काल राती माहरे झुपड़े म ऐस्सा जाड्डा पड़या ।

૫----------

ફરફર ફરફર / ઉમેશ સોલંકી

મારી અંદર
એ નિરંતર
શોધું અંદર
હુંય નિરંતર
તોય ન મળતાં
અમે ઘડીભર.
હૃદય ભંભોળું
તો મગજની ગલીઓમાં 
કિલકારી કરતું દોડે
મગજ ફંફોસું 
તો હૃદયમાં
છબછબ કરતું છાલક મારે
છાલક જરાક રોકું ત્યાં તો
છલાંગ મારી બહાર આવે
ઊડવા લાગે 
ફરફર ફરફર ફરફર ફરફર
ફરફર કરતું બેસે કટોરે
બેસે ન બેસે
ત્યાં તો ફફડે
ફરફર કરતું ફરે તગારે
અડે પછી 
તીકમની ટોચે
ઝાડુની સળી પર
ઘડી બે ઘડી ઝૂલે
પોરો ખાતા પરસેવાને 
ચપચપ કરતું પીવે
છેક અદ્ધર
પછી ઊડે 
ફરફર ફરફર ફરફર ફરફર
ફરફર કરતું આવે નીચે
ઉપર નીચે નીચે ઉપર
નીચે ઉપર નીચે ઉપર
ફરફર ફરફર ફરફર ફરફર
ફરફર કરતું ક્યાંક અચાનક
થઈ જાય પાછું છૂમંતર.
લાગે તરત,
મારી અંદર
એ નિરંતર.

14 February 2017

અંક - ૪૬ / ફેબ્રુઆરી ૨૦૧૭

પ્રેમ-વિશેષાંક

૧. સ્પર્શ-અસ્પર્શ / જયેશ સોલંકી
૨. સંભોગ / રાજેન્દ્ર વાઢેળ 'જીતા'
૩. કોસ્યા કરું છું / વજેસિંહ પારગી
૪. તું સિંઘ હું છારા / અનિષ ગારંગે
૫. પ્રિયે, મને દુખ છે / હોઝેફા ઉજ્જૈની
૬. પ્રેમનાં પોટલાંઓ / રાજેશ પી. જાદવ
૭. ડંખ / હેતલ જી. ચૌહાણ
૮. હાળીનું પ્રણયગીત / બ્રહ્મ ચમાર
૯. રંગ / મેહુલ ચાવડા
૧૦. મોહણિયું (સ્મશાન) / ઉમેશ સોલંકી

૧----------

સ્પર્શ-અસ્પર્શ / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

એ કદી
સ્પર્શી ન શકી મને
હજારવાર
હમબિસ્તર બની છતાં
એને
સ્પર્શ કરવો જ નહોતો.
એણે
મારી કવિતા
મારો અભિનય
મારું નામ
મારી તાર્કિક દલીલોને
સ્પર્શી હંમેશા,
મને કદી નહી !
એને મન
હું
મારા ગંધાતા મોજા જેવો હતો
ચ્હા પીતાં પીતાં આવતા
બેસૂરા અવાજ જેવો હતો
કે
ડાઇનિંગ ટેબલ પર પડેલી
ચમચીઓ વચ્ચેના
એંઠા હાથ જેવો હતો
અસભ્ય
ગામડિયો
દારૂડિયો !

૨----------

સંભોગ / રાજેન્દ્ર વાઢેળ 'જીતા' (કાજ, તાલુકો - કોડીનાર, જિલ્લો - ગિર-સોમનાથ)

તારા હોઠને
મારા હોઠ સ્પર્શતાં
યાદ આવી સવર્ણની કઠોરતા.
તારી આંખમાં નાંખી આંખ
તો ભળાણી
ખુલ્લેઆમ લૂંટાતી કેટલી યે લાજ.
તારાં તન-સ્તનમાંથી
દલિત અબળાને ચૂંથનારા
તારા પૂર્વજોની ગંધ આવતી.
મારા આલિંગનથી
તું ભરતી આહ
ને મને દૂર દૂરથી ચીસો સંભળાતી.
આ સંભોગથી
છોકરો થાય ને
તો નામ રાખજે ભારત
છોકરી થાયને
તો ભારતી.

૩----------

કોસ્યા કરું છું / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

જુવાન થતાં જ
છાતીમાં કંઈક ઊછળવા લાગ્યું.
કંઈ કરતાં કંઈ સમજાતું નહોતું
કંઈ કરતાં કંઈ કહેવાતું નહોતું
કંઈ કરતાં કંઈ ગમતું નહોતું.
આમ કંઈ કંઈ થતું હતું
ને હું ગુમસૂમ ગુમસૂમ
છાતી દબાવીને જીવ્યે જતો હતો.

અને એક દિવસ
મારી સામે આવી ઊભી એક છોકરી.
આંખ નચાવી
હોઠ મરકાવી
બોલી એ છોકરી :
એય! તારું દિલ ઊછળે છે દિલ.
છાતી પર હાથ દાબવાથી
ઉછાળા બંધ નહીં થાય
ને ઊછળતું દિલ તારાથી નહીં સચવાય.
લાવ મને આપી દે
હું એને સાચવીશ જીવનભર!
પળનુંય મોડું કર્યા વગર
છોકરીના બોલ પર
ધરી દીધું મેં દિલ એના હાથમાં.
મોટી મિરાત માનીને
છોકરીએ દિલને
આંખે અડાડ્યું
છાતીએ ચાંપ્યું
ને રાખી લીધું પોતા પાસે.
દિલ દીધાના હરખમાં
હું ઊડતો રહ્યો સાતમા આસમાનમાં
દિવસો સુધી મહિનાઓ સુધી.

અને એક દિવસ
શીતળ લહરી જેવી એ છોકરી
આંધી બનીને ત્રાટકી મારા પર
ને હું આખો ને આખો ઝંઝેડાઈ ગયો.
આ તો ગરીબ છે
આ મારી જાતનું નથી
એવા એવા લાલચોળ ડામ દઈ
ફેંકી દીધું દિલ
મારા પગ આગળ.
બસ તે દિવસથી
છાતીમાં ચમચમ્યા કરે છે
દિલને દીધેલા ડામ.
હું કણસ્યા કરું છું છાનું છાનું
ને મનોમન કોસ્યા કરું છું :
જાતને
ગરીબાઈને
પ્રેમને!

૪----------

તું સિંઘ હું છારા / અનિષ ગારંગે (અમદાવાદ)


હું વીર તું ઝારા
તું હીર હું રાંઝા
તું સિંઘ હું છારા
આવી આવી તો કેટલી કહાની
છે કેટલાને યાદ જુબાની
સમાજની સાંકળ તોડી
બની છે આપણી જોડી.

તું કહેતી,
'ચાલ પેલી પાર જઇએ
દરદ ના સહીએ
નાના માળામાં રહી
હાથ એક બીજાનો ઝાલીએ'
તો પણ,
પાટલાના તારા ધીમા અવાજમાં  (પાટલા - બંગડી)
ધબકે મારા
હ્રદયના ધબકારા
લાગે જાણે પૂનમ પર આવ્યા છે
વીજળીના ચમકારા .

શું કહેશે એ,
શું કરશે એ,
છોડ એની ચિંતા
ચાલ
આપણે એક નવું માળખું બનાવીએ
સાંજને દુલ્હન બનાવીએ
છે સૈનિકોના કેટલા પહેરા ?
શતરંજમાં વજીરે પાથર્યા છે મોહરા
એટલે જ
તું હીર હું રાંઝા
હું વીર તું ઝારા
તું સિંઘ હું છારા.

૫----------

પ્રિયે, મને દુખ છે / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)

પ્રિયે, મને દુખ છે
ખોખલી પરંપારાઓમાં
જાતિવાદી વ્યવસ્થામાં
કોમવાદી પરિબળોમાં
શોષણયુક્ત અર્થવ્યવસ્થામાં
જાતીય હિંસાખોરોની આંખમાં
રાજનૈતિક અધોગતિના સમયમાં
પ્રિયે,
તમારી સાથેના સંબંધ
કેમનો મજબૂત બનાવું,
પ્રેમની પળોને કેમનો માણું,
પ્રેમની કવિતા કેમનો લખું.
મારી કલમ, મારા વિચાર, મારું જીવન
આ અન્યાયી વ્યવસ્થાઓને
ખતમ કરવાના સંઘર્ષમાં વ્યસ્ત છે
તમે કહી શકો છો
હું બદલાઈ ગયો છું
તમે કહી શકો છો
હું દગાખોર છું
મારે પણ
તમારી સાથે એક-એક પળ જીવવી છે
પણ
તમારી લાગણીઓ
મારી લાગણીઓ મળી
શોષણની વધતી જ્વાળાઓને
ઓલાવી નથી શક્તી.
પ્રિયે, મને દુઃખ છે.

૬----------

પ્રેમનાં પોટલાં / રાજેશ પી. જાદવ (લીંબડી, જિલ્લો - સુરેન્દ્રનગર)

લ્યા, હાલ્યા આવજો !
લઈ જાઓ
સાવ સસ્તો
કિલોના ભાવે
મળે છે મફતના ભાવમાં
મારી લારીમાં
પ્રેમનાં નાનાં નાનાં પોટલાં.

તમારી અનુકૂળતાનો
ઊંચ જાતિનો
નીચ જાતિનો
જાત જાતનો
હલકો ભારે
શહેરનો ગામડાનો
ગલી પોળ મહોલ્લાનો
વિધ વિધ પ્રેમ
છે વેચાણમાં
કાળો રૂપાળો
ઠાલો કે ભરેલો
ગ્રામ સો ગ્રામ
કિલો કે મણ
વે'લા તે પે'લા
ભરો થેલા
લ્યા, હાલ્યા આવજો !
મારી લારીમાં
પ્રેમનાં નાનાં નાનાં પોટલાં
છે વેચાણમાં.

૭----------

ડંખ / હેતલ જી. ચૌહાણ (સુરત)

આપણે મળ્યાં
આંખો મળી
વાતચીતો થતાં મુલાકાતો વધી
મન મળ્યાં
તરબતર થયાં
સાથે રહેવાનું વચન આપ્યું
અને પહેલું પગલું ભર્યું.
પણ
ખબર નહીં ક્યાંથી
ઝેરી કાળોતરાએ ડંખ માર્યો
બધું જ પૂરું
કશું રહ્યું નહીં
રહી તો બસ જાતિ.

૮----------

હાળીનું પ્રણયગીત / બ્રહ્મ ચમાર (ચલાદર, પોસ્ટ: ચાતરા, તા. ભાભર, જિ. બનાસકાંઠા)

હું રહ્યો રઘલો હાળી,
સવારથી લઈને સાંજ સુધી કરતો ક્યારા-પાળી.

મૂંગું ખેતર મૂંગો શેઢો રસ્તા વચ્ચે ભેંસ ભાંભરતી
ભૂખ લાગે કકડીને એવી, ભાત સાથે શેઠાણી સાંભરતી
શેઠાણી તો એવી હસતી પછી દઈ દેતી એ તાળી,
હું રહ્યો રઘલો હાળી.

દન આખાની મહેનત ભતવારીમાં મહેકે,
છુટ્ટા હાથે પીરસે અંતર મારું બહેકે.
શેઠનો જાશે પિત્તો, જશે જો આ બધું ભાળી,
હું રહ્યો રઘલો હાળી.

ખેતરનો હું રાજા ને શેઠાણી રાણી,
ઘરે ચાલે એનું, કામે હું પાણી પાણી.
શેઠ ચીંધે, શેઠાણી ચીંધે ને વળી રોટલી દેતી બાળી,
હું રહ્યો રઘલો હાળી.

જરાક અમથી ચૂંટી ખણું તો લોહી એને ફૂટે,
હું આખો ય બરછટ બરછટ મારામાં કંઈક ખૂટે.
એની પાસે રંગબેરંગી, મારી પાસે ફાટેલી કામળી કાળી,
હું રહ્યો રઘલો હાળી.

એ પરણેલી, હું કુંવારો લાગું પાકા વાને,
મારામાં કંઈક પડ્યું છે એવું તન-મન એનું માને.
જરાક અમથો માંદો પડું તો હાજર દવાની થાળી.
હું રહ્યો રઘલો હાળી.

શેઠ આ બધું જાણશે, એનો ડર ઊંડે ઊંડે થાતો,
સજા એવી કરાવશે કે જશે જીવનથી નાતો.
નથી જરાયે રંજ, શેઠાણીમાં ખીલી રહી છે ડાળી,
હું રહ્યો રઘલો હાળી.

૯----------

રંગ / મેહુલ ચાવડા ( અમદાવાદ)

સવારના પોરમાં
તું કોલેજ જતી હોય
તને નીરખવાની લ્હાયમાં
સવારે દોડવાનું બહાનું કાઢીને
બ્રશ કરીને
એએમટીએસના બસ સ્ટેન્ડે રાહ જોયા કરુ..
બપોરની મારી કોલેજના સમયે
તારા છૂટીને ઘરે જવાના વખતે
પાલડીના સ્ટેન્ડે
વાત કરવાની લ્હાયમાં
એકાદ લેકચર છોડીને રાહ જોવું
એવો મારો પ્રેમ.
તને પૂછતા વેંત જ
મોઢામાંથી શબ્દો સરી પડતા હોય
એવા ઉદગારોની વચ્ચે
મારા કાનને અડે
ને મારાથી બોલાયેલ મારી જાતિનું નામ..
તારા ચહેરાની રોનક
દીવાની જેમ ઓલવાઈ જાય.
ઢીલી ઘેંસ જેવું મારું મોઢું લઈ
ખોવાઈ ગયો હું ઊંડા વિચારોમાં
ઊડી ગયો ચહેરા પરનો રંગ
કપડાના રંગની જેમ.

૧૦----------

મોહણિયું / ઉમેશ સોલંકી

મોહણિયું ભલે રહ્યું ગામનું   (મોહણિયું - સ્મશાન)
લાગે છતાંય કેટલું આપણું :
મોહણિયામાં હું
પડખે તું
તારી પડખે વાૅંઘું    (વાૅંઘું - નદી, જળાશયને મળતી કુદરતી કૅનાલ)
વાૅંઘું તો એકદમ કોરું
પલાળતું આપણને તોય કેવું કેવું !
પલળીને
તને અડકું હું
ગમતીલી હળવાશથી
લાગે એવું
જાણે અડકું અવકાશને.
મને અડકે તું
તારી અટૂલી નરમાશથી
લાગે એવું
જાણે આભાસ સમયનો
મારામાં ધરતો આકારને.
મોહણિયામાં અવકાશ
અવકાશને વાગે નહીં સમયની ફાંસ.
સાંજ
કોઈ, ન આવે ન જાય
આવે ક્યારેક વાયરો
વાયરામાં હોય
આપણને અડવાનો
માણસની હેલીને ધખારો.  (હેલી - રાખ)
હેલી ચોંટે, અડે
ને ઊડી ઊડી જાય
હાય
ચહેરા પર તારા
ચોંટેલી હેલીને જોઉંને
રોમ રોમ જીવવાનું થઈ જાય
હેલીને લૂછતાં
ગાલ પર પડે લિસોટી
લિસોટીમાં લુછાઈ જાય
ભેદોના ડાઘ
અને રોમ રોમ જીવવાનું થઈ જાય.

15 January 2017

અંક - ૪૫ / જાન્યુઆરી ૨૦૧૭

આ અંકમાં

૧. વૃદ્ધની પ્રાર્થના / વજેસિંહ પારગી 
૨. બે હાઇકુ / બ્રહ્મ ચમાર
૩. બેનોની પંચમારી / પાંચ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૪. વૉંઘું ઉમેશ સોલંકી

૧----------

વૃદ્ધની પ્રાર્થના / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

એકાકી વૃદ્ધ
બેઠો છે
સુકાઈ ગયેલા વૃક્ષ નીચે.
વૃદ્ધ જુએ છે-
ઘડીકમાં વૃક્ષ સામે
ઘડીકમાં જાત સામે
ને મનોમન પ્રાર્થે છે :
ક્યાંકથી કઠિયારો આવે
ને વૃક્ષભેળો મનેય કાપી જાય.

૨---------- 

બે હાઇકુ / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લોબનાસકાંઠા)

   દૂર રહું છું
કાંટા બની ચચરે
   રોજ અંગમાં
¤
   દૂરથી ફેંકે
અન્નદૃષ્ટિ ને પૈસા
   શેકાય દિલ

૩----------

બેનોની પંચમારીફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન - દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, જિલ્લો : દાહોદ)

બેનોના ટેકામાં આવી રે, બેનોની પંચમારી
બેનો માટે ન્યાય લાવી રે, બેનોની પંચમારી

કોઈનું ખોટુંના કરે રે, બેનોની પંચમારી
એકલ બેનના ટેકામાં બોલે રે, બેનોની પંચમારી

બેનો હવે છૂટથી બોલે રે, ગામડાની પંચમાં
બેનો હવે ખાટલે બેસે રે, ગામડાની પંચમાં

કોઈ પાસે દંડ નઈ લેતા રે, ગામડાની પંચમાં
પંચ પાસે સરખું લખાણ કરે રે, ગામડાની પંચમાં

બેનોના ટેકામાં આવી રે, બેનોની પંચમારી
બેનો ન્યાય લાવી રે, બેનોની પંચમારી

૪----------

વૉંઘું ઉમેશ સોલંકી

(વૉંઘું - વહેળોકોતેડીવોકળોગામેગામનાં વરસાદી પાણી જેમાંથી પ્રવાહરૂપે વહીને નદીમાં કે મોટાતળાવમાં ભળી જાય છે તેવી માઇલોના માઇલો લાંબી કુદરતી રચના(કેનાલ)ને સાબરકાંઠાનીલોકબોલીમાં વૉંઘું કહે છેનોંધ - વૉંઘું નાનાંમોટાં ગામના વંચિત સમુદાયો માટે કુદરતી હાજતે જવામાટેનું સ્થળ પણ છેઘણીવાર જાતીય સમાગમ માટે વૉંઘાનો છેક અંદરનો ભાગ કામમાં આવતો હોયછે.)

વળાંક પછી વળાંક પછી વળાંક
સાપને પણ લાગે થાક
એવા વળાંક
વળાંકમાંનો એક વળાંક
વળાંક પર વાડ
દૂધથી ફાટ ફાટ
થોરના ઠાઠ,
કાંટા પણ લાગે
વણબોટાયેલા જંગલ વચ્ચે
આદિવાસી સ્ત્રીઓનો જાણે
હઠીલો શણગાર.
થોર પાસે
ક્યાંક ઘાટીલો
ક્યાંક આછકલો
વળાંક પર નમેલો
બાવળ
બાવળમાંથી સરવા મથતો
ખરા બપોરનો તડકો
બની કાતરા લટકી ગયો    (કાતરા = બાવળનું ફળ)
થોડો તડકો બળ કરી રેત પર પડ્યો
પડતાંની સાથે બળ વિનાનો થઈ ગયો
બળ વિનાના તડકા પર તું બેઠી
હું બેઠો તને અડી
ઘડી રહી તું આડી પડી
ચંબાને તારી ઠેસ અડી  (ચંબુ = કુદરતી હાજતે જતી વખતે પાણી લઈ જવા માટેનું નાનું ડબલું)
કાટવાળું ચંબુ આડું પડ્યું
પાણીને રેતની તલબ હતી
રેતને હબ દઈને ગળી ગયું
રેતમાં ગજબનું મારણ હતું
પાણી પળમાં મરી ગયું.

કોણીનો મેં ટેકો લઈ
લટ તારી આંગળી પર વીંટી
અને શરમાઈને મીઠું તેં
સ્હેજ ફેરવ્યું મોંઢું તેં
તારી અનોખી આંખને મેં
મોંઢું દૂરથી દેખાય ખાલી
સફેદ પહાડની ગુફામાં
શાંત બેઠેલી વાઘણ કહી
ખખડીને તું હસી પડી
ખખડીને હસી પડવું તારું
ચંબાનું પાણી જાણે રેતમાં ઢોળાવું.
વળાંકમાંથી ભૂંડનું બચ્ચું આવ્યું
રોડું લીધું ને ઉપર ઉઠાવ્યું
તેં તરત હાથ પકડ્યો
રોડું છટકીને નીચે પડ્યું
બચ્ચું વળાંકમાં જતું રહ્યું.
તારી આંખમાં તાકવા લાગ્યો
તાકતાં તાકતાં ભાન ભૂલ્યો
આંખમાં અચાનક હરણું દોડ્યું
એક લાંબો કૂદકો મારી
આંખમાં તારી ઘૂસી ગયું
સ્હેજ ડાબે મોંઢું ફેરવી
આંખ ઘડી તેં બંધ કરી
મેં આડી નજર કરી
થોડે છેટે ખોલકું જોયું   (ખોલકું = ગધેડાનું બચ્ચું)
'કેવું વ્હાલું વ્હાલું...'
ત્યાં તો એને રોડું વાગ્યું
આખું એનું શરીર કાંપ્યું
કંપન એવું
તારા ચહેરે જોયું
સાથે ધીમો સિસકારો નીકળ્યો
સીધો મારી આંખમાં બાઝ્યો
ચહેરો મારો હાથમાં લઈ
આછું સ્મિત વેદનામાં ભેળવી
વ્હાલ ભરેલા શબ્દો બોલી :
'ખોલકા જેવો તુંય રૂડો'
શરીર સ્હેજ કંપી ગયું
કંપીને તરત આંસુ થયું
આંખમાંથી પછી સરી પડ્યું.

ખોલકું હજુ ત્યાં  ઊભું છે
વૉંઘું રોડાંનું પર્યાય બન્યું છે.

15 December 2016

અંક - ૪૪ / ડિસેમ્બર ૨૦૧૬

આ અંકમાં
૧. નોટબંધી / રતનબેન મકવાણા
૨. દાંત કકડાવતો અંધકાર / વજેસિંહ પારગી
૩. અભયારણ્ય થયું છે / દેવેન્દ્રભાઈ વાણિયા
૪. હશે / જયસુખ વાઘેલા
૫. અટકી પડવું જોઈએ / ઉમેશ સોલંકી

૧----------

નોટબંધી / રતનબેન મકવાણા (જેતપુર, તાલુકો-જિલ્લો : મોરબી)
(માળિયા મહિલા શક્તિ સંગઠન)

હું તો વહેલી ઊઠીને બૅન્ક ગઈ'તી રે લોલ
સાથે રે ટિફિન લઈને ગઈ'તી રે લોલ
મેં તો રોટલા લાઇનમાં ખાધા રે લોલ
બૅન્કમાં વારો ન આવ્યો રે લોલ

હું તો ગોદડાં રે સાથે લઈને ગઈ'તી રે લોલ
રાત્રે રે લાઇનમાં સૂતી રે લોલ
મોડે મોડે વારો આવ્યો રે લોલ
વારો આવ્યો ને નોટો ખૂટી ગઈ'તી રે લોલ

ઘરમાં લોટ, રાશન, પાણી ખૂટ્યાં રે લોલ
ફરી બૅન્કમાં ગઈ'તી રે લોલ
બે હજારની નોટ હાથમાં આવી રે લોલ
છૂટાની રામાયણ થઈ'તી રે લોલ

૨----------

દાંત કકડાવતો અંધકાર / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો : દાહોદ)

મારા ખોરડાને અજવાળવા
મારે તો
આકાશના તારા વીણી લાવવા હતા.
પણ ઇશ્વરે તો
દીવા સુધી માંડ પૂગે
એટલા ટૂંકા હાથ દીધા છે.
ભલે એમ તો એમ
તારા નહીં તો દીવો સહી ! 
મળ્યું તેને સ્વીકારું છું
ને રોજે દીવો પેટાવું છું.
પણ દીવો પપલે ન પપલે ત્યાં
મોગરો વળી જાય છે
કાં તેલ ખૂટી જાય છે
કાં પવન સૂસવે છે
ને હોલવાઈ જાય છે દીવો.
હું હાથ ઘસતો રહી જાઉં છું
ને મારા ખોરડાને ઘેરી વળે છે
કાળા દાંત કકડાવતો અંધકાર ! 

૩----------

અભયારણ્ય થયું છે / દેવેન્દ્રભાઈ વાણિયા (ખારાઘોડા, જિલ્લો : સુરેન્દ્રનગર)

હવે ઘુડખરનું અહીં ભારણ થયું છે
એટલે જ તો અહીં
અભયારણ્ય થયું છે
જિંદગીના પગ તળે ખારાશનું રણ છે
એટલે જ તો દોજખનું 
આવરણ થયું છે
અહીં વસે છે માનવીથી બહેતર ગધ્ધા
એટલે જ તો
ઘુડખર-અભયારણ્ય થયું છે
અહીં માનવીના મૂલ તો કંઈ જ છે નહીં
ને ફક્ત ગધેડાનું
અહીં તારણ થયું છે
રોજીરોટી છીનવીને શું વળે શોષિતની
એટલે જ તો 
અભયારણ્યનું કારણ થયું છે

૪----------

હશે / જયસુખ વાઘેલા (ચોટીલા, જિલ્લો : સુરેન્દ્રનગર)

થૈ છબી જ્યાં બાળ ટિંગાતાં હશે,
કેટલું સૌ રોજ પીડાતા હશે.

ઊંઘતી વેળા અહમને ઓઢતાં,
માણસો સારા કહેવાતા હશે.

બોલ પંડિત, કઈ નદીનાં જળ વડે,
શૂદ્રતાના મેલ ધોવાતા હશેે.

વાસ, મંદિર ને મસાણો છે જુદાં,
ભેદ મનમાં તોય સચવાતા હશે.

૫----------

અટકી પડવું જોઈએ / ઉમેશ સોલંકી

અટકી પડવું જોઈએ 
અસ્તિત્વનો ખ્યાલ આપે
એ રીતે
ક્યાંક કશુંક તો અટકી પડવું જોઈએ
ચાની કીટલી પર 
ચા થીજી જવી જોઈએ
પાનના ગલ્લે  સોપારી 
કપચી થઈ જવી જોઈએ
લારીમાં શાકભાજી પથ્થર થઈ જવી જોઈએ
પકોડી કૂકા બની જવી જોઈએ      (કૂકા - નદીના ગોળલંબગોળ પથ્થર)
પૈસાને સ્પર્શતાં જ
ટેરવાં
મરી ગયેલાં છીપલાં થઈ જવાં જોઈએ
છાપાંના શબ્દો 
માણસને ચોંટી જાય જે રીતે 
એ રીતે
ચાલતાં ચાલતાં માણસ 
જમીન પર ચોંટી જવો જોઈએ
અટકી પડવું જોઈએ
અસ્તિત્વનો ખ્યાલ આપે
એ રીતે
ક્યાંક કશુંક તો અટકી પડવું જોઈએ.

16 November 2016

અંક - ૪૩ / નવેમ્બર ૨૦૧૬

આ અંકમાં

૧. પોસ્ટર / અનિષ ગારંગે
૨. ઝબકીને જાગી જાઉં / ઉપેન્દ્ર બારોટ
૩. છીપ / વજેસિંહ પારગી
૪. મીઠાનો મબલક પાક / દેવેન્દ્રભાઈ વાણિયા
૫. ત્રણ શરીર / ઉમેશ સોલંકી

૧----------

પોસ્ટર / અનિષ ગારંગે (અમદાવાદ)

પોસ્ટરમાં દેખાતા ચહેરા મારા જેવા જ લાગે છે
દિવાલમાં ગુંદરનો આક્રોશ ઊભરી આવે છે
છાપાંનાં અપાર પાનાં
ફિલ્મોનાં લોભિયાં બૅનર
મૅગેઝિનનાં નાગાં ખાનાં
પુ્સ્તકોનાં થાકેલાં કવર
ચુંબકીય જાહેરાત
બધામાં એક જ ચહેરો ઉપસી
જાણે સરકસ બતાડે છે.
પોસ્ટરમાં દેખાતા ચહેરા મારા જેવા જ લાગે છે.

ખમણની કઢી મારા જ ચહેરા પર ઢોળાય છે
બેસણાની ખબર દરરોજ મારી જ હોય છે
પે ઍન્ડ યૂઝમાં મારા ઉપર જ મૂતરાય છે
સરઘસમાં મારા જ ફોટા પર કાળક લાગે છે (કાળક - કાળો રંગ)
ક્યારેક ડૂચો બનું
તો ક્યારેક પોલીસ સ્ટેશનના પાટિયા પર લટકું

રેલવે સ્ટેશનની થૂકેલી દિવાલ પર
રિક્ષાના અભદ્ર હૂડ પર
પાનની પીચકારીમાં 
ગુમશૂદા વ્યક્તિની જાહેરાતના કાગળો રોજ બદલાય છે
તો પણ કાગળોના તહેખાનામાં એટલા ચહેરા ભાગે છે
જાણે બધાં પોસ્ટરમાં દેખાતા ચહેરા મારા જેવા જ લાગે છે.

૨----------

ઝબકીને જાગી જાઉં / ઉપેન્દ્ર બારોટ (અમદાવાદ)

ઝબકીને જાગી જાઉં છું
જોઉં છું તો સવાર ક્યાં ?
એ જ રાત
એ જ ખાટલો
એ જ ફાટેલી ગોદડી
એ જ હું
એ જ ઠાલાં વચનો મારી અંદર ઘુમરાતા
ને બહાર ઘુમરાતા સેંકડો મચ્છરો
મને કરડે છે.
હું બચાવમાં ગોદડી ઓઢું છું
મચ્છર તોયે કરડે છે.
ને સરી પડું છું ફ્લૅશ બૅકમાં :
રાજનેતાઓની જાહેરસભાઓમાં
મારી જાતને જોઉં છું ઊભેલો 
વિશ્વાસથી ભરેલો
બદલશે મારું જીવન એમનાં વચનો.
અઢી દાયકા વીતી ચૂક્યા છે
ને આજે
ઝબકીને જાગી જાઉં છું
જોઉં છું તો સવાર ક્યાં ?
એ જ રાત
એ જ ખાટલો
એ જ ફાટેલી ગોદડી
એ જ હું
એ જ ઠાલાં વચનો મારી અંદર ઘુમરાતા
ને બહાર ઘુમરાતા સેંકડો મચ્છરો
મને કરડે છે.

૩----------

છીપ / વજેસિંહ પારગી (ઈટાવા, જિલ્લો - દાહોદ)

વર્ષોથી છીપ ખોલું છું
ને હજારો છીપ ખોલીને જોઈ છે.
ઘણી છીપ ખાલી નીકળી છે
ને ઘણી છીપમાંથી નીકળ્યા છે પથરા.
ભલે હજી મને મોતી મળ્યું નથી
પણ હજી બાકી છે કેટલીક છીપ
ને કોઈક છીપમાં
મોતી હશે-ની
મારી શ્રદ્ધા
હજી મોતીની જેમ ચળકે છે.

૪----------

મીઠાનો મબલક પાક / દેવેન્દ્રભાઈ વાણિયા  (ખારાઘોડા, જિલ્લો - સુરેન્દ્રનગર)

ગુજરાત તણા કચ્છ પ્રદેશે મીઠાનો મબલક પાક
પાક પાકે તે પરિશ્રમે ખૂબ, પકવે શ્રમજીવી રાંક
ને રોજી કમ રઝળપાટ ખૂબ, સમજો કાંક કાંક
       મીઠાનો મબલક પાક....

શ્વેત વર્ણા બગ સરખા, પહાડ સરીખા ઢગ
એ ઢગલાના મૂલ મળે ના રહે શ્રમજીવી રાંક
       મીઠાનો મબલક પાક....

વર્ષ આખું વીતે રણમાં નહીં સગાનો સ્વાદ
વર્ષામાં એ વિવાહ કરતા ચોમાસે સંગાથ
       મીઠાનો મબલક પાક....

ખારાં પાણી ખારી હવા જીવનમાં ખારાશ
ગડગુંબડનો પાર નહીં ક્યાંથી રહે ઠીકઠાક
        મીઠાનો મબલક પાક....

જીવન આખું જોખમ વેઠ્યું કદી ના હર્ષ ઉલ્લાસ
જીવનની આ સમી સાંજે આંખમાં પડે ઝાંખ
         મીઠાનો મબલક પાક....

૫----------

ત્રણ શરીર / ઉમેશ સોલંકી

શરીરની અંદર પણ શરીર
શરીરની બહાર પણ શરીર
શરીર જન્મે છે
શરીર શરીરને સમાગમે છે
શરીરમાં શરીર જન્મે છે
શરીર વિકસે છે
શરીર મરે છે
છતાં શરીર મરતું નથી
શરીર શરીરથી છેટું થતું નથી
છેટું થાય તો શરીર રહેતું નથી
નથી શરીર હાડકાં માત્ર
નથી લોહી માંસ મજ્જા માત્ર
દેખાય છે જે
એ પણ છે શરીર
ન દેખાય જે
એ પણ છે શરીર
ન દેખાતું શરીર ઇશ્વર નથી
ઇશ્વર છે તો ઇશ્વર જેવું કશું નશ્વર નથી
ઇશ્વર છે સર્વવ્યાપક અગર
રિબાઈ રિબાઈને મરે એ રોજબરોજ નિરંતર
શરીર એની મેળે મરે છે
છતાં શરીર મરતું નથી
મરતી વેળા ઇશ્વરની તમા કરતું નથી
તમા કરે છે તો ભયની
અંદરના શરીરને વિયોગનો ભય
ધર્મનું ગુમડું દબાય જોરથી
પીડા ઊઠે અને શોરથી
એ પીડા પણ લાગે મામૂલી
એવી પીડા વિયોગના ભયની.