આ અંકમાં
1. તીર / ઉમેશ સોલંકી
2. હું / પરેશ પરમાર
3. બે વેણ / વજેસિંહ પારગી
4. ખરી રામાયણ / બ્રહ્મ ચમાર
5. ગરવા ગુણીયલ સંત / પ્રવીણ મકવાણા ‘ગાફેલ’
----------1-----------------------------------------------------------------------------------------------------------------------
તીર / ઉમેશ સોલંકી
ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ
આ સીમથી પેલી સીમ
હું શોધું છું ક્યાં છે ભારત ? ક્યાં છે ભારત ?
આંખોમાં ચમકતી આશા લઈ
ગરમ લોહીની ભાષા લઈ
હું શોધું છું ક્યાં છે ભારત ? ક્યાં છે ભારત ?
તો મળ્યું ભારત મને
દિલ્હીના દરબારમાં
ગાંધીના ઘેરાવમાં
માર્ક્સના રોકાણમાં
ટાઈના ઘુમાવમાં
ખાખીના ગુમાનમાં
ધર્મના ધીરધારમાં
છાપામાં ઉછળકૂદ કરતા શબ્દોની ભરમારમાં
રોડ પર દોડતા ગોળ ગોળ આકારમાં
ગામની ગલીઓ પર પડતાં
પગલાંના સ્વભાવમાં
ખૂણેખાંચરે ઠેકઠેકાણે શોધ્યું
તો લાગ્યું
ભારત શાનો વિવિધતાવાળો દેશ અનૂઠો ?
ભારત એટલે એક અંગૂઠો
ભારત એટલે એક અંગૂઠો
મેંય હવે માફકસરનું જોર જોડ્યું છે
ડાબા હાથથી એ જ અનોખું તીર છોડ્યું છે
લે, ડાબા હાથથી એ જ અનોખું તીર છોડ્યું છે
----------2-----------------------------------------------------------------------------------------------------------------------
હું / પરેશ પરમાર (અમદાવાદ)
દંડકારણ્યના
એક નિર્જન વૃક્ષ નીચે
ધુમાડો થઈને પડેલો
શમ્બૂકનો નિશ્ચેષ્ટ દેહ તે હું
કંઈ કેટલાય યુગોથી અસ્પૃશ્ય
યાતનાઓનો ખાલી માળો
નથી રામ કે નથી શમ્બૂકનો આત્મા,
રાખ થઈને પડેલ
મારા અસ્તિત્વને
નથી ઢંઢોળતો વસંતનો પવન,
ને વનનાં ઘાસ પર ચોંટેલો
એકલવ્યનો નિષ્પ્રાણ અંગૂઠો
છે મારો પર્યાય ;
જેમાં ચેતના મરી પરવારી છે
એકલવ્યથી ઉખેડાયેલો ને
દ્રોણથી ફેંકાયેલો
‘હું’
સૃષ્ટિથી કેટલાય યુગો દૂર છું
એમાંથી લોહી ઉલેચાઇ ગયું છે.
કોઈ બુદ્ધ ન આવે તો કંઈ નહીં
કોઈ અંગૂલિમાલ આવે તોય ઘણું
અને હા
પેલું ઝૂંપડીની બહાર ફેંકાયેલું
શબરીએ રામ માટે ચાખી મૂકેલું બોર
જડે તો જો જો
એમાં છે મારો અવગતિયો જીવ
શબરી રાહ જોઇને થાકી;
રામ આવ્યા
પણ
મને તો હોઠે અડકાડ્યા વિના ફેંકી દીધો
આ બોર
પેલો અંગૂઠો ને
શમ્બૂકના શરીરની રાખ
બની ગઈ છે હું ...
----------3-----------------------------------------------------------------------------------------------------------------------
બે વેણ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)
આઈ! આંખો ઘણી વીંચું છું
પણ નીંદર નથી આવતી.
સૂઈ જા બેટા!
એક ટંક ખાવા ન મળે
તેથી કંઈ મરી ન જઈએ!
બાળપણમાં માએ કહેલાં
આ બે વેણના બળ પર
હું જીવું છું -
કરાડમાં ઊભેલા
અડધાં મૂળ ઊખડી ગયેલા
વૃક્ષની જેમ!
----------4-----------------------------------------------------------------------------------------------------------------------
ખરી રામાયણ / બ્રહ્મ ચમાર (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)
એક
વાલ્મીકિ થયો.
મહાકાવ્ય રચીને
માનવસમાજની સેવા કરી,
આજે
જ્યારે
હું
ગંદકીને સાફ કરી
માનવસમાજ ઊજળો બનાવું છું
છતાંય
ચા પીવાની હોય
ત્યારે
અલગ કાઢી મૂકેલી
પવાલીમાં ચા પીવાની
ચા પીતાં પીતાં
જે અનુભવું છું
એ જ તો
મારી ખરી રામાયણ છે.
આ મારી રામાયણ
કોણ સાંભળશે ?
----------5-----------------------------------------------------------------------------------------------------------------------
ગરવા ગુણીયલ સંત / પ્રવીણ મકવાણા ‘ગાફેલ’ (મહુવા)
ગરવા ગુણીયલ સંત ગુરૂ મારા ગરવા ગુણીયલ સંત
દોરા ધાગા ને ભૂવાથી ચેતવ્યા
માંડવાની માનતા મટાડી
ગુરૂ મારા....
જપ માળા ને કથા ધ્યાનથી છોડાવ્યા અમને
નિરાકાર ઈશને પામ્યા
ગુરૂ મારા....
અનાથને અધિકાર, પીડિતને પ્રેમથી
પછાતને પ્રગતિ કરાવી
ગુરૂ મારા....
સતનામ શબદની ગુરૂચાવી અમને આપી
ભાંગી નાંખી ભ્રમણાની ભીંતો
ગુરૂ મારા....
સત્ દર્શન તમે દેહમાં બતાવ્યું અમને
સંદેહ 'ગાફેલ'નો ભાંગ્યો
ગુરૂ મારા....
અભિનંદન,ઉમેશભાઈ!
ReplyDeleteVery nice aa kavitama dalitoni vedana vyakt thai 6
ReplyDeleteVery Good ગરવા ગુણીયલ સંત Bhajan for Kabir Panth
ReplyDeleteગુજરાતી સાહિત્ય ઉચ્ચ વર્ણી મધ્યમ વર્ગના વ્યક્તિગત સંવાદ=વિસંવાદનું સાહિત્ય રહ્યું છે. જો કે કેટલાક મહત્વના અપવાદ રહ્યા જ છે. પરંતુ સર્વસામાન્ય અર્થમાં 'દલિત'
ReplyDeleteતરીકે ઓળખાતું સાહિત્ય જ સમાજજીવનનું વાસ્તવિક નિરૂપણ કરે છે.
આભાર.
nice poem
ReplyDeleteઆ રીતે દલિતોની લાગણીઓ વ્યક્ત કરતા રહેશો પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન પણ આપતા રહેશો કે હવે શું? bharata r pandya surat
ReplyDeleteઆ રીતે દલિતોની લાગણીઓ વ્યક્ત કરતા રહેશો પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન પણ આપતા રહેશો કે હવે શું? Bharatbhai R Pandya
ReplyDeleteખરી રામાયણ સારી રચના છે.
ReplyDeleteલિ. સવજી, રડકા,
તા. વાવ,
જિ. બનાસકાંઠા.
પીન 38 53 20.
એક ટંક ખાવા ન મળે
ReplyDeleteતેથી કંઈ મરી ન જઈએ!
બાળપણમાં માએ કહેલાં
આ બે વેણના બળ પર
હું જીવું છું.
વજુભાઈની કવિતા અદભુત છે.
SURESH
very nice.........its real life..
ReplyDelete