16 August 2013

અંક - ૬, ઑગસ્ટ, ૨૦૧૩

આ અંકમાં

1. આશીર્વાદ / વજેસિંહ પારગી
2. ગાવાનું હોય નહીં ગીતમાં / બ્રહ્મ ચમાર
3. કોઈને આંગણે ના જશો / છ ગ્રામીણ બહેનોની સહિયારી કવિતા
4. રૂમઝૂમ / ઉમેશ સોલંકી 

----------1-----------------------------------------------------------------------------------------------------------------------

 આશીર્વાદ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)
 
નાનપણમાં છીંક આવતી
ત્યારે મા કહેતી -
જીવતો રહે બેટા.
વારેતહેવારે વડીલો
માથે હાથ ફેરવીને કહેતા-
જીવતો રહે બેટા.
કદાચ મારી જાતિમાં
જીવતા રહેવું
એ જ સુખ હશે
કાં તો સુખ જેવો શબ્દ
એમના જીવનકોશમાં નહીં હોય.
નહીંતર કોઈક તો
મને ચોક્કસ કહેત કે
સુખી રહે બેટા. 
 


----------2-----------------------------------------------------------------------------------------------------------------------


ગાવાનું હોય નહીં ગીતમાં / બ્રહ્મ ચમાર (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

ગાવાનું હોય નહીં ગીતમાં
ભઈ ! મારે ગાવાનું હોય નહીં ગીતમાં,
વર્ષો જૂની આ પ્રીતમાં
ભઈ ! મારે ગાવાનું હોય નહીં ગીતમાં.

છુપાઈ છુપાઈને મળ્યા કરતો
હજુ ખેતરનો શેઢો અજાણ,
ક્યારાની રેત બસ સ્પર્શ્યા કરતી
ને પોતાને માનતી સુજાણ.

માલિકને આની જો ખબર પડશે
તો વાત નહીં હોય મારા હિતમાં,
ભઈ ! મારે ગાવાનું હોય નહીં ગીતમાં.

કોયલના ટહુકાથી ટહુકી ઊઠે છે
મારું પાનખરમાં ઊછરેલું મન,
પતંગિયાની રૂપાળી પાંખોને જોઈ
ખીલી ઊઠે છે એનું તન.

ક્યારેક તો આખે આખો માલિક
મુને ચણાવી દેસે એની ભીંતમાં,
ભઈ ! મારે ગાવાનું હોય નહીં ગીતમાં.



--------3-----------------------------------------------------------------------------------------------------------------------


કોઈને આંગણે ના જશો  / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા,      કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)

કોઈને આંગણે ના જશો, કોઈને બારણે ના જશો, મારી બેન,
બેનને દુખ ઘણાં પડે, બેનને બંધન ઘણાં બાંધે, મારી બેન,
કોઈને બોલેલું ના ગમે, કોઈને ચાલેલું ના ગમે, મારી બેન,
કોઈને હરેલું ના ગમે, કોઈને ફરેલું ના ગમે, મારી બેન.

કોઈને આંગણે ના જશો, કોઈને બારણે ના જશો, મારી બેન,
એકલાં પિયરમાં ના જશો, એકલાં મેળામાં ના જશો, મારી બેન,
આવી બીકો બતાડે, આવાં બંધન ઘણાં બાંધે, મારી બેન,
વગર વાંકે વિતાડે, બેનને વેહમે વિતાડે, મારી બેન.

કોઈને આંગણે ના જશો, કોઈને બારણે ના જશો, મારી બેન.  


----------4-----------------------------------------------------------------------------------------------------------------------


રૂમઝૂમ / ઉમેશ સોલંકી

ઉપરથી સરળ જળ ખળખળ અવતરતું
બાલસહજ મલકમલક ઉછલતું
ના ઠરે, આથડે, પથ ઘડે ને દડે
નવધવલ વસન સહ રમત કરતું (નવધવલ=નવું સફેદ, વસન=વસ્ત્ર)
ઉપરથી સરળ જળ ખળખળ અવતરતું
બાલસહજ મલકમલક ઉછલતું

શું કહું
આનાથી વધુ
પહાડમાં દેખાવું લપાવું
દેખાવું લપાવું
લીલા તો આને કેમ કહું
કહું
તો
ધર્મનું તુર્ત
વળગણ ચોંટે
ઉછળતાં ઉછળતાં
કશુંક છૂટતું હશે
કોને ખબર એનું શું થતું હશે?
ભલે
તોય કહેવા દો મને
બાલસહજ મલકમલક ઉછલતું

બાળક મોટુંય થાય
તું થાય
જોબનને શબ્દોમાં કેમ કરી પકડાય
તોય પકડું :
લટકમટક નપુરસુરવધર ત્વરિત ચલત (નપુરસુરવધર=ઝાંઝરનો મધુર અવાઝ ધારણ કરનારી)
તટ પર ચલિત તરુવરનટ નરતે (તરુવરનટ=ઝાડ રૂપી નાચનાર)
પવનકર નિરમલ જલગવન પલ પકડે (પવનકર=પવન રૂપી હાથ, જલગવન=જળ રૂપી વસ્ત્ર)
પલિક છોડે પલ પલ પરિવરતે
ચુંબનો વિહગગણ તીરકેશ કરતા (વિહગગણ=પંખીઓનો સમૂહ, તીરકેશ=કિનારા રૂપી કેશ)
લઈ જલદમદદ રવિ અજબ વરતે (જલદમદદ= વાદળની મદદ, રવિ=સૂર્ય)
થોડુંક લટકમટક થાકતું હશે
થાકીને છૂટું પડતું હશે
પછી ભટકતું હશે
નહોર નીચે કણસતું હશે
કાકલૂદી કરતું હશે
ભલે
હશે
આમ પણ લટકમટક માફક આવે છે કોને?
માફક આવે જેને એની પરવા છે કોને?
ન માફક આવે જેને
એને માફક આવે છે નિયમ
કોંક્રિટનો તોતિંગ નિયમ
નિયમમાંથી નીકળે નાના નિયમ
નિયમ એટલે શણગાર
શણગાર એટલે રૂમઝૂમ
રૂમઝૂમ ગામ પડખેથી જાય શહેર પડખેથી જાય
જાય જાય છેક ખેતર પડખેથી જાય
ખેતર તોય ઉદાસ
રૂમઝૂમને તો ખેતર વહાલું
ખેતરમાંનું નાનું તેતર વહાલું
ગામ વહાલું ગામેતર વહાલું
પણ વહાલ આડે દલાલ ઊભો
જગા નથી તોય ધરાર ઊભો
વાહ રે વાહ, વાહ રે વાહ!
સદીઓથી જેને 'માતા' કહી
દલાલે એને ગણિકા કરી
દંભદેશે ગણિકાને શાનાં માન
દલાલની આંગળી માય ને બાપ
આંગળીમાં ડોલતું ખિસ્સાનું જોર
જોરને પોષે ગોચરચોર
જોરને પોષે ગોચરચોર, ગોચરચોર

રૂમઝૂમને રૂમઝૂમ થવું ગમે
આંગળી તો શું ન આંગળીનું એને ટેરવું ગમે
રૂમઝૂમ કલકલ વિચાર કરે છે
આંગળીને રાખી અંધારે અંધારામાં દરાર કરે છેઃ
"ખેતર કરશે ગામ કરશે
 રૂમઝૂમ માટે કમાલ કરશે
 આજ ભલે ચૂપચાપ છે
 એક સવાર એવી આવશે
 ભેગા મળી સૌ ધમાલ કરશે"
રૂમઝૂમ કલકલ વિચાર કરે છે
આંગળીને રાખી અંધારે અંધારામાં દરાર કરે છે.


 

5 comments:

  1. Anonymous8/16/2013

    I like.....keep it up....Vicky Macwan.

    ReplyDelete
  2. Anonymous8/16/2013

    સરસ કામ થાય છે.

    ReplyDelete
  3. Anonymous8/19/2013

    Umeshbhai
    beautiful poems
    Paragi's poem is wonderful expression of one's own experience. Please convey my congratulations to Vajesing for such a touchy expressions.
    Braham chamaar also wrote correctly that one can not sing every aspect of feelings and experiences he earned through the life
    My special congratulations to Fuliben, Ishnaaben, Ramilaaben Vieenaaben and Kailashben that they wrote such a effective song. Thay must sing this songs and you may record and put it on your blog, I would like to meet all this poets. If time permits, I shall defiantly do it.
    And you, your poem is simply beautiful, it has many poetic expressions witch is not so easy to understand by common man. But you wrote it nicely.
    I am impressed and I liked your activity in total
    Dhruv Bhatt

    ReplyDelete
  4. mital rajgor8/24/2013

    khub subdar
    khub jarur aava prakar na samayik ni.
    mane pan kyarek samajlakshi kavitao miklavi gamse

    ReplyDelete
  5. kalpesh kandoriya8/26/2013

    So Nice

    ReplyDelete