14 April 2014

અંક - ૧૩ / એપ્રિલ ૨૦૧૪

આ અંકમાં
૧. પ્રતિબંધ / હર્ષદ સોલંકી 
૨. નિસ્તારો / વજેસિંહ પારગી 
૩. એણી-ઝેણીનો માળો / છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૪. પ્રિયે / જયેશ સોલંકી 
૫. સમય / વિજય વણકર 'પ્રીત' 
૬. ઉછીની લક્ષ્મણરેખા / ઉમેશ સોલંકી

1--------------------------------------------------------------------------

પ્રતિબંધ / હર્ષદ સોલંકી (મુ. પો.- આદુંદરા, તા.-કડી, જિ.- મહેસાણા)

સાવધાન !
તમારી આંખોને કહી દો
કે અહીં સપનાં જોવા પર પ્રતિબંધ છે!
પ્રતિબંધ છે-
હોઠોની વચ્ચેથી સરી પડતા અવાજોના
ઉડવા પર!
પગને કહી દો
કે ચાલવા માંડે-
મંજીલ વગરની ઉબડખાબડ રાહ પર
ધ્યાને ના લેશો
રસ્તામાં સામે મળતી કોઇ સુવાસને,
સુવાસને શ્વાસમાં ભરવી
દંડનીય ગુનો છે
હાથની ઝાપટ મારીને ઉડાડી મેલો
છાતી પર બેઠેલા પતંગિયાને!
અહીં ગુલાલ ઉડાડવો નિષિદ્ધ છે!
નિષેધ છે:
તમે જીવો છો-ની સભાનતાને
પસવારવા પર
પંપાળવા પર!

2--------------------------------------------------------------------------

નિસ્તારો / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

શ્વાસના સેજારે
ઊડી જાય એવી
પાન છાયેલી છાપરીમાં 
દાદા જીવી ગયા.

બોરડી ઝંઝેડતાં બોર ટપકે
એમ વાયરાથી પડતાં
નળિયાંવાળા ખોરડામાં
બાપ જીવી ગયો.

વંટોળિયામાં તરણાંની જેમ
આમતેમ ઊડી જતાં
પતરાંવાળી ઓરડીમાં
હું જીવી ગયો.

નવાઈ લાગે છે ને
કોટના કાંગરા ખેરવે
એવી આંધીમાં
નામમાત્રની છત નીચે
અમે જીવી ગયા!

3--------------------------------------------------------------------------

એણી-ઝેણીનો માળો / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)

એણી-ઝેણીનો માળો રે સરકલી, એણી-ઝેણીનો માળો રે લોલ
'તારો માળો ઘણો ડોલે રે સરકલી, મારે માળે ચાલી આવ રે લોલ

તારાં ને મારાં દુઃખો સરખાં રે સરકલી, મારે મંડળે ચાલી આવ રે લોલ
સાથે બેસીને વાતો કરશું રે સરકલી, મારે મંડળે ચાલી આવ રે લોલ

ઘરનાં કામ ઘણાં કર્યાં રે સરકલી, મંડળમાં ઘડીકવાર બેસીએ રે લોલ
કુટુંબ ને ગામની બીક લાગે સરકલી, બીકો છોડી ચાલી આવ રે લોલ

મનની વાત કોઈ ના સાંભળે રે સરકલી, મંડળમાં છૂટથી બોલજે રે લોલ
આપણાં દુઃખો ઘણાં મોટાં રે સરકલી, મંડળમાં બેસી ઓછાં કરશું રે લોલ'

એણી-ઝેણીનો માળો રે સરકલી, એણી-ઝેણીનો માળો રે લોલ
'તારો માળો ઘણો ડોલે રે સરકલી, મારે માળે ચાલી આવ રે લોલ'

(એણી-ઝેણી નામની બે સરકલી એટલે કે સુગરી વચ્ચેની વાત)

4--------------------------------------------------------------------------

પ્રિયે / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

વેચું છું
વેચાઉં છું
કોઈ ખરીદે છે મને
અને હું કોઈ બીજાને
બજારમાં મળે છે આ બધું

વિચારું છું
તારા જન્મદિવસે
તને શું આપું
ભેટમાં

જો તું
અનુમતિ આપતી હોય તો
હું જે છું
એ મટીને
હું જે હતો એ બની જાઉં
અને
કોઈ વેળેલા આંબાની ડાળીએ સંતાયેલી
કેરીને શોધીને તોડી આપું
અથવા
બાવળની ટોચે
ફસાયેલી પતંગને
સાજીસમ ઉતારી આપું

બોલ, આ બેમાંથી શું આપું?
એક આપું કે બેઉં આપુ?

5------------------------------------------------------------------------------

સમય / વિજય વણકર 'પ્રીત' (પીંગળી, તાલુકો - કાલોલ, જિલ્લો - પંચમહાલ)

ત્રીજી બોય ને ખમીસની વાતો
નથી બદલાઈ એવી રહી નથી ત્યારની વાતો
કોડિયું, કુલડી ભુલાયાં નથી
આજેય છે પૂજામાં
સુત્તરની વાતે નાડાછડીને હાથે બંધાય છે ગાંઠો
પગલાં ભૂસવાની ખોટી વાતોનું વળગણ
એ ઝયડું પૂજવામાં જાય છે રાતો
હતું લોહી લાલ
નથી કોઈનું કાળું પીળું
છે આજેય લોહી લાલ
બદલાવ થયો માનવનો
બુદ્ધિબળ બહુ હતું પરિશ્રમ માત્ર એકલો
એક જ દિવાનો થઈ ગયો
આજે અમર થઈને રહી ગયો
ટોળામાંથી છૂટો થઈ અલગ બેસતો સ્વાધ્યાયમાં
છતાં હતો તે આઝાદીના અધ્યાયમાં

6--------------------------------------------------------------------------

ઉછીની લક્ષ્મણરેખા / ઉમેશ સોલંકી

અંધાપો ઓકતી રાતોથી ઘેરાયેલા
ખદબદતા કાદવમાં
ફદફદતા વીતી સદીઓ :
આંખોમાં ફદફદતાં અંધારાં ખોસ્યાં
કાનોમાં ફદફદતા અવાજ ઠોક્યા
માય બાપકે એના જેવા
જીભ પર ફદફદતા શબ્દ ચોડ્યા
તેથી
બીજું કંઈ આવડ્યું નહીં
આવડ્યું બસ ફદફદવું
ફદફદવું એટલે જીવવું
ને જીવવું એટલે ફદફદવું

એક રોજ એવું થયું
અંધાપો ઓકતી રાતો ચીરી
નાનકડું કિરણ અડક્યું કાદવને
ને ઝળહળતો ઊગ્યો સૂરજ
ચોપાસ બસ અજવાળું અજવાળું
પછી કાદવનો થયો કાંપ
આમ જુઓ તો સૂરજ લાલચોળ લાગે
અડો તો અંગોઅંગને ટાઢક આપે

એક રોજ એવું થયું
મૂકીને ઝળહળતું અજવાળું
ડૂબ્યો સૂરજ ધીરે ધીરે

વખત વીતતાં
અજવાળાના કકડા કર્યા
નાના નાના કકડા
મોટા મોટા કકડા
કળ પ્રમાણે, બળ પ્રમાણે, છળ પ્રમાણે
કકડાઓને સેરવી લીધા
કકડો
કોઈએ ઝભ્ભાના ગજવામાં ગાલ્યો
કોઈએ શર્ટના ખિસ્સામાં નાખ્યો
કોઈએ સૂટના પૉકિટમાં રાખ્યો
કકડા આજે એવા ઝગારા મારે
આંખ ખોલો તો આંખોને આંઝી નાખે
સ્હેજ અડો તો અંગોઅંગને બાળી નાખે

પછી તો, ભાઈ, એવું થયું, ભાઈ, એવું થયું
કકડાવાળા
લાવ્યા ઉછીની લક્ષ્મણરેખા
હવે પેલી પા છે કકડાવાળા
ને આ પા
કાંપમાંથી બની રહેલા કાદવમાં ફદફદવાવાળા

--------------------------------------------------------------------------

તમે પણ કાવ્ય મોકલી શકો છો umeshgsolanki@gmail.com 

7 comments:

  1. Anonymous4/14/2014

    Really very good poems - expression from their hearts, from their lives. This affects my heart, this stays in my life.----Preety Sengupta

    ReplyDelete
  2. ખૂબ હૃદયસ્પર્શી કાવ્યો. વેદના, આક્રોશ, પ્રેમ, આશા, વિદ્રોહ, ધિક્કાર ..... હૃદયને હલાવી નાખનાર લાગણીયો....
    નિર્ધાર એક વૈકલ્પિક કાવ્ય મંચ તરીકે વિકસાવી ગયા છે.
    All the best

    ReplyDelete
  3. SURESH GAVANIYA4/14/2014

    નવાઈ લાગે છે
    કોટના કાંગરા ખેરવે
    એવી આંધીમાં
    નામમાત્રની છત નીચે
    અમે જીવી ગયા!
    ..............

    કોઈ વેળેલા આંબાની ડાળીએ સંતાડેલી
    કેરીને શોધીને તોડી આપું
    અથવા
    બાવળની ટોચે
    ફસાયેલી પતંગને
    સાજીસમ ઉતારી આપું....
    चोटदार रजूआत.... आने कहेवाय खरी कविता..

    ReplyDelete
  4. Anonymous4/15/2014

    ઘણો જ જરૂરી અને સશક્ત પ્રયત્ન. આ પ્રકારની સજગ અને સજ્જ બ્લોગ પ્રવૃત્તિથી, પ્રતિવાદ અને પ્રતિરોધની કવિતાના ક્ષેત્રમાં હાશિયે રહી જતાં અવાજોની સાંપ્રત સંદર્ભો રચતી મુદ્રાઓ, હવે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. તે ઉત્સાહ અને આશા જગાવનારી ઘટના છે. પ્રવૃત્તિ માટે શુભકામનાઓ.

    - ફારૂક શાહ

    ReplyDelete
  5. Anonymous4/18/2014

    બહુ સરસ.....

    ReplyDelete
  6. उमेशभाईनी कविता जोरदार

    ReplyDelete
  7. પ્રતિબંધ / હર્ષદ સોલંકી,'હાથની ઝાપટ મારીને ઉડાડી મેલો,છાતી પર બેઠેલા પતંગિયાને!' વાહ વાહ...ખુબ લીખો! નિસ્તારો / વજેસિંહ પારગી તમને અભિનંદન,મારા બાપ-દાદા અને ભાઈઓ ની જીંદગી નો ચિતાર 16 લીટીમાં આપી દીધો.રચના પૂરી થતા અંદરથી બોલવા લાગ્યું,'હા બસ આવું જ છે અને હતું જો! એણી-ઝેણીનો માળો દેવગઢ મહિલા સંગઠનને ખાસ આભાર,દર વખત ની જેમ મહેનત કરીને લખો છો તેના માટે અભિનંદન.પ્રિયે / જયેશ સોલંકી, જો તું અનુમતિ આપતી હોય તો હું જે છું એ મટીને......સુંદર અભિવ્યક્તિ,આવું બધા ન લખી શકે સમાજ કલ્યાણ ખાતાના એવોર્ડો ગળામાં ભરાવીને બે બદામના ભવૈયા બનવાવાળા પ્રોગ્રેસીવ કહેવાતા કવીલોકો તો નહિ જ! સમય / વિજય વણકર 'પ્રીત','હતું લોહી લાલ નથી કોઈનું કાળું પીળું છે આજેય લોહી લાલ' ખુબ સુંદર. ઉછીની લક્ષ્મણરેખા / ઉમેશ સોલંકી ફદફદવું એટલે 'જીવવું ને જીવવું એટલે ફદફદવું' એ એક પ્રતિબદ્ધ ચિતાર છે.કદાચ આ રચના કાંપમાંથી બની રહેલા કાદવમાં ફદફદવાવાળાને સમર્પિત હશે.ઉમેશ સોલંકી અંક - ૧૩/ એપ્રિલ ૨૦૧૪ના સંકલન માટે પર્સનલી આભાર.

    ReplyDelete