18 May 2014

અંક – ૧૪ / મે ૨૦૧૪

આ અંકમાં

૧. હે રામ / વજેસિંહ પારગી
૨. એક જ કારણથી / જયેશ સોલંકી
૩. આદિવાસી પટ્ટો / છ ગ્રામીણ બહેનોની સહિયારી રચના
૪. બરાબર યાદ છે / બ્રહ્મ ચમાર
૫. બારીક કશુંક / ઉમેશ સોલંકી

૧--------------------------------------

હે રામ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

અશોકવાટિકામાં
સીતાને ઘેરીને ઊભેલા
રાક્ષસોની જેમ
મારા ઘરમાં
મને ઘેરીને ઊભાં છે -
દુઃખો.

રામનામ જપતી
બંદી સીતાની જેમ
મેં પણ સતત જપ્યું છે
દુઃખહર રામનામ.

વનવાસ પૂરો થતાં પહેલાં
લંકા જીતીને
રામે સીતાને છોડાવ્યા હતાં.
પણ -
મારો જીવનકાળ
પૂરો થવા આવ્યો છે
છતાં દુઃખના ઘેરામાંથી
રામે મને છોડાવ્યો નથી?!

--------------------------------------

એક જ કારણથી / જયેશ સોલંકી (ભુવાલડી, જીલ્લો : અમદાવાદ)

ગામડેથી ભાગીને
જતી રહી સાવલી
બોમ્બેના ગ્રાન્ટ રોડ પર
નવી બેનપણીઓ બનાવવા.

એનો નાનકો ભાઈ
નિશાળેથી છૂટીને જતો રહ્યો સિધ્ધો
ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કોઈએ કીટલી પર.

એની મા
રોજ સાંજ પડે જાય છે
સરપંચના કૂવા ભણી,
ખેડૂતપતિએ બે મહિના પહેલાં
આત્મહત્યા કરેલી એટલે
એની આત્મહત્યાનું એક જ કારણ હતું
એના ખેતરના પારિયાથી શરૂ થાય છે
એક ગુપ્ત પાઈપ લાઈન
જે એણે ચૂંટેલા સંસદસભ્યના
માઈક્રોફોન આગળ
મૂડીપતિઓના હિતમાં
બહુ બોલતા મોઢાને મળે છે
એ ખેડૂત
કપાસના છોડને પાતો’તો
પોતાનો પરસેવો
પહોંચતો’તો પેલાના મોઢામાં
એણે પ્રતિસેકંડ પીવો પડે છે પરસેવો
બિચારાને પ્રજાના પ્રશ્નો માટે
બહુ બોલવું પડે છે સંસદસત્રોમાં.

--------------------------------------

આદિવાસી પટ્ટો / ફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન) (દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, દાહોદ)

આદિવાસી પટ્ટો ઘણો દુઃખિયો રે
આપણે બધાં દુખિયાં-વાંઝીયાં રે, બેનો.
રસ્તાઓ ઘણા બનાવિયા રે,
સાધન નહીં મેલીયાં રે, બેનો.
કૂવે કૂવે પાણી લેવા રખડું રે
ખાડા ખોદી મેલિયા રે, બેનો
પીવા પાણી નહીં મળતું રે
ડુંગરા ચડવા પડે રે
બેડાં મેલી આવવાં પડે રે
આદિવાસી પટ્ટો....
માથે પોટલી ને મજૂરીએ રે
પૂરતી રોજી નથી મળતી રે
દવાખાનાં ઘણાં બનાવ્યાં રે,
તાળાં મારી મેલિયાં રે,
ઝોળીમાં ઘાલીને ઉપાડીએ રે
સારવાર લેવા જઈએ રે
આદિવાસી પટ્ટો...
પ્રાઈવેટ દવાખાને જઈએ રે
પૈસાનું બીલ ઘણું થાય રે
નિશાળો ઘણી બનાવી રે,
માસ્તરો નહીં મેલિયા રે
શિક્ષણ નથી મળતું રે
આપણે બધાં અભણ-વાંઝિયાં રે,
આદિવાસી પટ્ટો.... 

--------------------------------------

બરાબર યાદ છે / બ્રહ્મ ચમાર (ચલાદર, તા. ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

આજ સુધી
'ના' કહેવાનું
શીખ્યો જ છું ક્યાં ?
એકવાર 'ના' કહેલી
બરાબર યાદ છે
શેઠની માર પડેલી
રાત આખી કણસેલો
બરાબર મને યાદ છે.
વર્ષો પછી
આજે હું શેઠ છું
પણ,
નોકરની કોઈ વાત

ટાળી નથી શકતો...!

૫--------------------------------------

બારીક કશુંક / ઉમેશ સોલંકી

અંધારું
પેટમાં કાળુંભમ્મર અંધારું
અંધારું
ડૂંટીને અંદર ખેંચી ગયું
વિચારને ભરખી ગયું,
પછી,
દાંતવાટે, નખવાટે બહાર આવ્યું
શરીરને ચાટવા લાગ્યું
ધીમે ધીમે ફેલાવા લાગ્યું,
પછી,
ડિલ છીનવી ગીધડાનું
ઊડવા લાગ્યું
ચાંચ મારવા લાગ્યું,
ચાંચ મારે ત્યાં અંધારું :
ચકલીને ચાંચ મારી
ચકલી કાળીમેશ
ઘુવડની આંખ ફોડી
રાત કાળીમેશ
ડાળી પર ચાંચ ઠોકી
પાન કાળાંમેશ,
પછી,
વિચારવા લાગ્યું :
"આમ ચાંચ માર્યા કરીશ
તો વરસો વીતશે
રહેશે તોય અડધી દુનિયા ધોળી ધોળી"
અચાનક એક તુક્કો ઊઠ્યો
પાંખો ફફડાવી
ઊંચે ને ઊંચે જવા લાગ્યું
પહોંચ્યું સૂરજ કને,
પછી,
સૂરજને ચાંચ મારી
દુનિયા કાળીમેશ,
હવે
શું ઘાસ, શું થોર
શું ડુક્કર, શું મોર
શું ઘાવ, શું લગાવ
શું ભરચક, શું અભાવ
બધ્ધે બધ્ધું અંધારું
આંખ ન જોઈ શકે એવું કાળુંભમ્મર અંધારું
તોયે
પેટથી ઉપર
છાતીમાં
બારીક કશુંક ઝળહળ્યા કરતું
અંધારું એનાથી ફફડ્યા કરતું.

3 comments:

  1. a very good attempt ...Carry on ....!

    ReplyDelete
  2. LIKE...GOOD....સડસડાટ વાચી ગયો ....વાહ .....

    ReplyDelete