16 May 2016

અંક - ૩૭ / મે ૨૦૧૬

આ અંકમાં

૧. એકલતા / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)
૨. ઘર નથી / અનિષ ગારંગે
૩. પાંચ ગ્રામીણ બહેનોની રચના
૪. બે કાવ્યો (૧. કોઠી, ૨. ઈંડાં મૂક્યાં) / ઉમેશ સોલંકી

૧----------

એકલતા / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

ગામવખો થયો ત્યારે (ગામવખો - ગામવટો)
કોઈ કરતા કોઈ
મારી સાથે ન આવ્યું
મને એકલાને ગામ છોડતો જોઈને
મારી સાથે થઈ ગઈ :
પાદરમાં ઊભેલા
પાળિયાની એકલતા!

૨----------

ઘર નથી / અનિષ ગારંગે (અમદાવાદ)

ઈંટો ઈંટોથી ઘર બનતું
પણ ઘરમાં નથી માનવ-નિવાસ
આ તો મારું ઘર નથી

ઘરમાં છે દર્પણ સુંદર
દેખાડે જે ભાવ પણ અંદર
ક્યારેક એ પોતે જુએ છે
મીઠાં મીઠાં ખંજર
આ તો મારું ઘર નથી
ક્યારેક જુએ છે
ઘરડાઓનાં દીવાનખાનાં બંજર
આ તો મારું ઘર નથી

ભાઈ-ભાભી ભૂલી ગયાં
બાળકોને રમાડવાનું
છોડવા સુકાઈ ગયા પાણી વિના
દિવાલો પર સફેદ રંગની જગ્યાએ
આવી ગયો છે લાલ રંગ
તાળામાં કોઈએ નાખી છે
ઘોંઘાટની ચાવી
આ તો મારું ઘર નથી

૩----------

આરોગ્યનું ગીતફૂલીબેન નાયક, ઈનાસબેન હરિજન, રમીલાબેન રાઠવા, વીણાબેન બારિયા, કૈલાસબેન બારિયા (દેવગઢ મહિલા સંગઠન - દેવગઢ બારિયા તાલુકાનાં કેટલાંક આદિવાસી ગામો, જિલ્લો : દાહોદ)

તાવ છે તાવ છે તાવ છે રે
અમારાં ગામડાંમાં મેલેરિયા તાવ છે રે
જાય છે જાય છે જાય છે રે બધા
ખાનગી દવાખાને જાય છે રે

થાય છે થાય છે થાય છે રે
એવો મચ્છરથી મેલેરિયા થાય છે રે
આવે છે આવે છે આવે છે રે
એનો ઠંડી લાગીને તાવ આવે છે રે
એ તો આંતરિયે દાડે આવે છે રે

શું કરશો બેનો શું કરશો તમે
મેલેરિયા ભગાડવા શું કરશો ?
ક્લોરોક્વિન ગોળી દસ લેજો
ગોળી લઈને મેલેરિયા ટાળજો રે
પહેલા દિવસે ચાર ગોળી
પછી સાંજે બે ગોળી લેજો રે
બીજા દિવસે બે ગોળી
લેજો ત્રીજા દિવસે બે ગોળી
દસ ગોળીનો કોસ (કોર્સ) પૂરો કરજો
એમ મેલેરિયા નસાડી દેજો રે
ના ભૂલશો તમે ના ભૂલશો
પહેલા દિવસથી દવા લેવી ના ભૂલશો
ઝટ કરજો ઝટ કરજો તમે
ગોળી લેવાનું કામ ઝટ કરજો

જાય છે જાય છે જાય છે રે
હવે મેલેરિયા ગામમાંથી જાય છે રે

૪----------

બે કાવ્યો

૧. કોઠી / ઉમેશ સોલંકી

અડધા કલાકનું
સાત સાત દિવસે
વહેલી પરોઢનું આવવું
ઘૂંટણ પેટમાં ઘૂસે એમ
ઘૂંટણથી નીચે નમવું
ઊભા થવું
નમવું
ઊભા થવું
થાકવું
તોય નમવું
સરુ, ઘુણિયો, ડોલના અવાજ
અવાજ સાથે ઉલેચાઈ જતો થાક
અને રેડાતો ગોળામાં
થઈને માપસરની ધાર
પછી બનવા લાગતો
છ કોણી કોઠીનો આકાર.
કોઠીનો આકાર મને ગમતો
થાકને જ ગમાડતો
છતાં કોઠીનો આકાર મને ગમતો
આકાર છે એટલે નહીં
કોઠી છે એટલે આકાર મને ગમતો
કોઠી છે એટલે નહીં
કોઠીથી થોડે છેટે
એક કોઠી છે
એટલે આકાર મને ગમતો
એક કોઠીમાં મારો થાક
છેટેની કોઠીમાં મને ગમતો થાક.
થાક પણ પાછો કલા કરે છે
બંને કોઠીમાં એક સાથે
સરખે સરખો આકાર ધરે છે,
ઘડી બે ઘડી
કોઠી પર બેસે છે
ત્રાંસી નજરે
થાકથી મને છેટો કરે છે
થાક તોય થાક રહે છે.

૨. ઈંડાં મૂક્યાં / ઉમેશ સોલંકી

પગનાં તળિયે મૂઈ ધરતી ચોંટી
માથા પર મૂકેલા
નાનકડા આકાશનો ભાર લાગે
નદીની રેતને
વારે વારે શ્વાસ ચડે
તળાવ અક્કડ થઈને તરડાઈ ગયાં
કૂવાના તળિયે
કબૂતરે ઈંડાં મૂક્યાં
જીવતરને ક્યાં જઈને ગોતવું હવે ?

7 comments:

  1. વાહ.... ખૂબ મજા આવી....
    અભિનંદન...આભાર....આનંદ !!!💐

    ReplyDelete
  2. સૌ કવિમિત્રો ને અભિનંદન! અનિષ ની રચના વિશેષ ગમી!

    ReplyDelete