15 August 2017

અંક - ૫૨, આૅગસ્ટ

આ અંકમાં
૧. હું પુરાઈ ગયો છું / અનિષ ગારંગે
૨. કપડાની જેમ / મેહુલ ચાવડા
૩. ઇમની સંસ્કૃતિ / કુસુમ ડાભી
૪. એક વરદાન / વજેસિંહ પારગી
૫. જંગલ / ઉમેશ સોલંકી

૧----------

હું પુરાઈ ગયો છું / અનિષ ગારંગે (અમદાવાદ)

દલિત અને મુસ્લિમના નામે
પ્રેમ અને જેહાદના નામે
મંદિર અને મઝારના નામે
હું તો કરમાઈ ગયો છું.
એવો  કારાવાસ 'એ' લાવશે
લાગે છે હું તો પુરાઈ ગયો છું.

ન પૂર આવશે
કંપ આવશે ન ગાજ (વીજળી) આવશે
આવશે જુલમનાં તોફાનો
માથા કાપી, ગોળી મારી
બળજબરીથી 
હું તો સંતાઈ ગયો છું
લાગે છે હું તો પુરાઈ ગયો છું.

ના ઇતિહાસમાં હશે ના ભૂગોળમાં
ના વેદમાં હશે ના પુરાણમાં
હોઈશ હું જંગલમાં,
રસ્તાઓમાં, સાંકડી ગલીઓમાં
મેળાઓમાં , ચાની લારીઓમાં
પકડશે મને મુજરીમ ગણીને,
હું પણ, જતો રહ્યો નિર્દોષ બનીને
એના કાળા સળિયામાં 
એના આક્રોશથી
હું ડામ થયો (દજાયો) છું
લાગે છે હૂઁ તો પુરાઈ ગયો છું.

૨----------

કપડાની જેમ / મેહુલ ચાવડા (અમદાવાદ)

સવારના પ્હોરમાં ઊઠીને 
તું કોલેજ જતી હોય
તને નીરખવાની લ્હાયમાં
બ્રશ કરીને
દોડવા જવાનુ બહાનું કાઢીને
એએમટીએસના બસ સ્ટેન્ડે 
રાહ જોયા કરું.

મારી બપોરની કોલેજના સમયે
તારા છૂટીને ઘરે જવાના વખતે
પાલડીના સ્ટેન્ડે વાત કરવાની લ્હાયમાં 
એકાદ લેકચર છોડી
રાહ જોવું
એવો મારો પ્રેમ.

તને પૂછતા વેંત જ
સરી પડતા ઉદ્ગારો વચ્ચે 
મારા કાનને સ્પર્શે એ 
અને મારાથી બોલાયેલું 
મારી જાતિનું નામ...
તારા ચહેરાની રોનક 
દીવાની જેમ ઓલવાઈ ગઈ
ઢીલી ઘેંસ જેવું મારું મોઢું લઈ 
ખોવાયેલો હું ઊંડા વિચારોમાં : 
જાતિના નામ સાથે જ 
ઊડી ગયો મારા ચહેરાનો રંગ 
કપડાની જેમ.

૩----------

ઇમની સંસ્કૃતિ / કુસુમ ડાભી (ચોટીલા)

પરદાદી એમના
વાસીદા કરતી, 
એમણે વખારમાં શોષણ કર્યું
દાદી એમનાં ખેતરુમાં  સલો કરતી,
એમણે ખેતરુમાં શોષણ કર્યું
માડી એમનાં ઘરોમાં કચરાપોતાં કરતી,
એમણે ઘરોમાં શોષણ કર્યું
હું એમના બંગલા બનાવવા 
દાડિયું કરતી, 
એમણે બંગલામાં શોષણ કર્યું
આ છોડી 
ભણી-ગણી 
એમની ઓફિસુમાં નોકરી કરતી,
એમણે ઓફિસુમાં ય શોષણ કર્યું
આ શોષણ 
સામંતોનો વારસો છે. 
ઇમની સંસ્કૃતિ છે
ઇમના લોહીમાં ઊતર્યું છે.

૪----------

એક વરદાન / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

શોષિત છું યુગોથી.
શાસકોઅે કાપી નાખ્યાં છે મારાં કાંડાં
હું મશાલ કે તલવાર પકડી શકું તેમ નથી.
શાસકોઅે ભાંગી નાખ્યા છે મારા પગ
હું જગતમાંથી ભાગી શકું તેમ નથી.
શાસકોઅે ચૂસી લીધું છે મારું લોહી
હું ધરતીને લોહીથી રંગી શકું તેમ નથી.
જુલમગાર શાસકોનો મરી ગયો છે અાત્મા
હું મરેલા અાત્માને જગાડી શકું તેમ નથી.

લાચાર છું યુગોથી.
ક્યાંય કોઈ ઉગારો નથી
ને માનવ પાસે રહી નથી કોઈ અાશા.
કદાચને મારાં દુખો જોઈ
ભગવાન દ્રવી ઊઠે
ને મારી સામે પ્રગટ થઈને કહે -
માગ માગ માગે તે અાપું.
તો હું અેક વરદાન માગી લઉં :
પૃથ્વી પર કોઈ શાસક  ન હો!
પૃથ્વી પર કોઈ શોષિત ન હો!

૫----------

જંગલ / ઉમેશ સોલંકી

મારી અંદર
રાતઘેલું 
અનંત જંગલ
જંગલ અંદર
ઊભો થરથર
શું કરું?
ન કરી શકું કશું
હું અટૂલો
બંધાયેલો.

મારી બહાર
દિવસભરેલું 
જંગલ અપાર
જંગલ અંદર
દોડું, થંભું, શ્વાસ લઉં
પાછો દોડું, દોડ્યા કરું
થાકું, થંભું, શ્વાસ લઉં
દોડું દોડું 
તોય ત્યાં જ ફરું
શું કરું?
ના કરી શકું કશું
હું અટૂલો
બંધાયેલો.
જંગલ સ્વતંત્ર.

ક્યારેક ક્યારેક 
થતું એવું
તણખો થઈ
સ્વતંત્રતાને ભરખી જઉં.

10 comments:

  1. Anonymous8/15/2017

    Wah wah bhai congratulation

    ReplyDelete
  2. Dhruv Bhatt, Karamsad8/15/2017

    Umesh bhai
    Badhu j vanchyu.
    Koi shashk naa ho.. vaali katiaa ane biji badhi chonti gai.
    Kavi o vedanaa ne vaachaa aspi shakyaa chhe.
    Kyrek badhaa ne malavaanu man chhe

    ReplyDelete
  3. This issue has powerful poems.The poets have responded to the times fearlessly.This is the new generation of poets that takes Gujarati literary expression many steps ahead.

    ReplyDelete
  4. Babu Solanki, Radhanpur8/15/2017

    'કપડાની જેમ ' ,'જંગલ ' ખૂબ સરસ, પરંતુ 'ઇમની સંસ્કૃતિ 'અને 'એક વરદાન ' હૃદયસ્પર્શી - ચોટદાર.

    ReplyDelete
  5. Rupalee Burke8/16/2017

    ભારતનો ૭૦મો સ્વતંંત્રતા દિવસ અને નિર્ધારનો ૫૨મો અંક. What a coincidence!! સૂચક જોગાનુજોગ છે. પાંચેય કવિઓને સલામ. સ્વાનુભવની શાહીથી લખેલા કાવ્યો ચોટદાર રીતે દેશમાં પ્રવર્તતા વર્ણ, વર્ગ, જાતિ, લિંગના ભેદભાવો અને એનો શિકાર બનતા સમુદાયોના સામાજીક, આર્થિક, જાતિય અને રાજકિય શોષણથી ઉદભવતી યાતનાને વાચા આપે છે. રૂપાળા શબ્દ ચિત્રો કે ભાષા-સૌંદર્યની જાળમાં અથવા તો abstractionમાં પડ્યા વગર સીધું સટ વરવું આલેખન જાણે પડકાર ફેંકે છે કે કોણ કહે છે કે આઝાદીના ફળ અને નિંરાતનો શ્વાસ બધાંને નસીબ છે? It is truly said 'The pen is mightier than the sword'.

    ReplyDelete
  6. લોકોને આશા આપો, નિસાસા નહીં. કમજોર રહેશો તો મારશે, પુરી દેશે. શોષણ કરશે. ઇમની સંસ્કૃતિ શોષણની છે અને આપણી ? કાંઇ કહેવાનું નથી એ વિષે ? ભયભીત લોકોએ જ તેમના માથે શાસક નીમ્યા છે - રક્ષણ મેળવવા. શોષણ એનું ફળ છે. Man is born free, but found himself everywhere in chains. ત્યારે કરીશું શું ? સ્વતંત્રતાને નહીં, બેડીઓને તોડવી પડે, ભરખવી પડે. આ જ ઉપાય છે, માનો ના માનો.
    -પુરુષોત્તમ જાદવ

    ReplyDelete
    Replies
    1. પુરુષોત્તમભાઈ,
      આભાર પ્રતિભાવ બદલ.
      પણ સહમત નથી થવાતું તમારી સાથે.
      આપણી સંસ્કૃતિ શોષણની નથી, એવું કંઇક.
      જંગલની સ્વતંત્રતાને ભરખવાની વાત છે, સમજોને બેડીઓ જ તોડવી છે ગુલામીની.

      Delete
    2. જંગલ સ્વતંત્ર. હું તણખો થઈ (એ) 'સ્વતંત્ર તા'ને ભરખી જાઉં!
      દરેક કવિને અભિનંદન.
      પુરુષોત્તમ ભાઈ,વિષાદ યોગ પણ હોયને ઉભા ઓણ થવાય

      Delete
    3. ઉમેશભાઇ,
      મારી દાદીનું, માનું અને મારું પણ શોષણ થાય, આ બધા જ પોતપોતાનું શોષણ થવા દે એ જ આઘાત-અચરજ ! એમાંં વાંક કોનો ?
      ગૌતમભાઇની 'ઉભા ઓણ થવાય' મને સમજાયું નહીં, ખરેખર.

      Delete
  7. અભિનંદન ઉમેશ... ઉત્તમ કામગીરી...કીકા

    ReplyDelete