15 September 2017

અંક - ૫૩, સપ્ટેમ્બર

આ અંકમાં

૧. રમકડું / કુસુમ ડાભી
૨. ભૂખની આગ / વજેસિંહ પારગી
૩. બાના  ફુગ્ગા / અનિષ ગારંગે
૪. બોલ સખી / દેવેન્દ્રભાઈ વાણિયા
૫. બુઠ્ઠી થઈ / ઉમેશ સોલંકી

૧----------

રમકડું / કુસુમ ડાભી (ચોટીલા)

હું
એક રમકડું.
આવેલો દુકાને એ 
જોયું 
ને એને ગમી ગયું
ધમપછડા કર્યા પછી
તરત જ ખરીદી લીધું 
પછી પૂછવું જ શું?
જ્યાં જાય ત્યાં સાથે રાખે :
કાખમાં લઈ ફરે, 
છાતી સરસુ ચાંપે,
સુવે તોય સાથે લઈ 
મમ્મી એને ઝાલે 
એ મને ઝાલે.
પછી હું 
જૂનું થયું
એને બીજું ગમ્યું
લઈ આવ્યો, 
મનેય રમાડતો :
થોડું થોડું રમી લેતો.
બહુ જૂનું થયું
હવે ન સામે જુવે
ન છાતીએ ચાંપે, ન આંગળી ઝાલે
કેમ હું એક રમકડું છું એટલે ને
કાલ ફરી 
નવું રમકડું મળશે
ફરી બીજું જૂનું થશે 
ફરી એ જૂનું થશે
બસ
રમકડું
બે ચાર દિવસ 
રમવા માટે જ હોય
આ કોણ સમજાવશે?

૨----------

ભૂખની આગ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

ભૂખની અાગ
કંઈ બળતો ડુંગર નથી
કે ગામ અાખાને દેખાય.
ભૂખની અાગ તો
પેટમાં ઊકળતો લાવા.
જેના પેટમાં હોય
અે અંદર ને અંદર ખાક.

૩----------

બાના  ફુગ્ગા / અનિષ ગારંગે (અમદાવાદ)

'એ ફુગ્ગા લઇલો...ફુગ્ગા...
રંગ બે રંગી ફુગ્ગા...'
એક હાથમાં બાનો હાથ
બીજામાં રંગ બેરંગી
ફુગ્ગાનો સંગાથ
બા બૂમો પાડે :
'એ ફુગ્ગા લઇલો...ફુગ્ગા...
રંગ બે રંગી ફુગ્ગા...'
ને હું ઘરડાની જેમ ચાલતો રહું
પકડીને ફૂગ્ગાઓને બાંધેલી લાકડી.
ફાટેલા ઘાઘરામાં
બાનું ઘૂંટણ ફૂગ્ગા જેવું ગોળ ગોળ લાગે
બાના બ્લાઉઝમાં 
ટપ ટપ પડતો પરસેવો
જાણે બાના ખાખમાં (ખાખ-બગલ)
લીલી ઝાકળ ઝરે
એવી ગંધ આવે
ફુગ્ગાનો ગ્યાસ જાણે જાણે ભળે

ફુગ્ગા લેતા કરતા બધા
બાની છાતી તાકી રહે
ફાટેલા ઘાઘરા પર નજર ફેરવી લે
હું ઊભો ઊભો એમની વાસના
અને ગંધ ફેલાવતા ફુગ્ગાઓને જોતો રહું.

૪----------

બોલ સખી / દેવેન્દ્રભાઈ વાણિયા (ખારાઘોડા, જિલ્લો - સુરેન્દ્રનગર)

ચૈત્રના ચક્રવાત
વૈશાખી વાયરા
આંખમાં ઊડીને આવી આંધી
બોલ સખી, કેમ કરી ખાવું મારે રાંધી?

કડકડતી ઠંડી ને
કાળઝાળ ગરમીમાં
મીઠાની માવજત કીધી
તોય નોંધ એની ના લીધી?
બોલ સખી, કેમ કરી ખાવું મારે રાંધી? 

વરસ આખાની આ તો
મહેનત પર પાણી ફર્યું
ને મીઠા પર ચડી ગઈ માટી
બોલ સખી, કેમ કરી ખાવું મારે રાંધી? 

'સર'ને સમજાય નહીં
આફત ઇશ્વરની આ
મીઠામાં મળી ગઈ માટી
આ હકીકત સમજાવું કે સાચી? 
બોલ સખી, કેમ કરી ખાવું મારે રાંધી?

૫----------

બુઠ્ઠી થઈ / ઉમેશ સોલંકી

છૂટાછવાયા
આડા ને અવળા
નાના નાના અક્ષરે
ડાયરીના પાને
લખેલું તારું નામ
રોજ રોજ વાંચું
વાંચીને ઊભરાઈ જાઉં
છલકાઈ જાઉં
ભાઈબંધની આંખોમાં સપડાઈ જાઉં
શરમાઈ જાઉં
મારી ભીતર રહેલી તું
તારામાં હું
પછી સમેટાઈ જાઉં.

કોલેજનાં પગથિયાં
ધીરે ધીરે તું ઊતરે
અને હ્રદય વંટોળ બની
છાતીમાં કૂંડાળાં કરવા લાગે,
લોહી રગ રગને ઘસવા લાગે,
અર્થો અળવીતરા થઈ
શબ્દોને કનડવા લાગે,
છેટી રહેલી ક્ષણો
સમયની છાતીમાં ઊતરવા લાગે.

અવાવરું સ્થાને
અજાણ્યા ઝાડે
આપણે
ક્ષણોને જોડવા લાગ્યાં
સમયને સાંધવા લાગ્યાં
એકમેકમાં વિસ્તરવા લાગ્યાં
વિસ્તરી વિસ્તરીને એવાં વિસ્તર્યાં
કે બહાર બધું સંકોચાઈ ગયું
સંકોચાઈને છરો થયું
છરાએ છાતીને ચીરી નાખી
ક્ષણોને બહાર ખેંચી કાઢી
પણ ક્ષણો એમ કંઈ મરતી હશે
ધાર છરાની પછી બુઠ્ઠી થઈ.

10 comments:

  1. It was a treat to read all the poems.

    ReplyDelete
  2. दिव्य प्रेम9/15/2017

    हर कविता की अपनी खुशबू है...
    रूप और रंग है...
    रंग बिरंगे महकते फूलों सी कविताओं की बगिया की निराली छटा दिखाई दी
    सब को बधाई

    ReplyDelete
  3. અંક-૫૩ ની કવિતાઓ હ્રદયસ્પર્શી બની છે, આસ્વાદ્ય. સુંદર અંક બદલ આભાર.

    ReplyDelete
  4. Mahesh Makvana - Patdi9/15/2017

    Bahu saras

    ReplyDelete
  5. Suresh Chauhan, Slogan, Mandal9/16/2017

    Nice poems

    ReplyDelete
  6. Anonymous9/16/2017

    Nice poems

    ReplyDelete
  7. હદયસ્પર્શી ...

    ReplyDelete
  8. Gautam Desai9/28/2017

    બહુ સરસ. મહેનતકશ અગરિયા અને તેમના રણવિસ્તારનો સાધારણ પરિચય હોઈ તે તો અડી જ ગઇ. તમારી કવિતા, છરા થી ક્ષણો બહાર આવવીને પછી ધાર જ બુઠ્ઠી થવી તે દ્વંદ્વ-રહસ્ય ઉકેલવાની અટકળ કરવાની મજા આવી. વચલી બધા કવિઓને પણ આમજ વિચાર/સંવેદન ચેતાવવા બદલ અભિનંદન

    ReplyDelete
  9. Rupalee Burke9/28/2017

    પાંચેય રચનાઓ હૃદયસ્પર્શી છે. વિષયો નવા નથી પણ અભિવ્યક્તિ જુદી છે. આનો અર્થ કે હાંસિયામાં જીવવાના અનુભવમાં બહુ ફરક પડ્યો નથી. સ્ત્રીને પુરુષના હાથમાં રમકડું હોવાનો (કુસુમ ડાભી), ગરીબને અસહ્ય ભૂખનો (વજેસિંહ પારગી), રંકને અનેકવિધ સમસ્યાના સામનાનો (અનિષ ગારંગે), અગરિયાઓની રોજીંદી કઠીણાઈ (દેવેન્દ્ર વાણિયા) અને પ્રેમને એરણ પર ચઢાવવાનો (ઉમેશ સોલંકી) અેવાં વ્યક્તિગત છતાં સામૂહીક સંજોગો અસરકારક રીતે શબ્દોમાં વ્યક્ત થયાં છે. હાંસિયાકૃત વ્યક્તિ કે સમાજના અનુભવોમાં ભેદભાવના અનેક પ્રકારો (જેવાકે જાતિવાદ, જાતિયવાદ, વર્ગવાદ)ની અસરો કેટલી જટીલતા અને સંચિત ઢભે સંકળાય છે , બેવડાય છે અને છેદન કરે છે એની પ્રતિતી થયા વગર રહેતી નથી.

    ReplyDelete