15 October 2017

અંક - ૫૪, ઑક્ટોબર ૨૦૧૭

આ અંકમાં
૧. છતાંય / કુસુમ ડાભી
૨. બાઘાની જેમ / વિપુલ અમરાવ
૩. વટલાયેલા / રૂપાલી બર્ક
૪. રાબેતા મુજબ / વજેસિંહ પારગી
૫.  મૂછો / જયેશ સોલંકી
૬. એને / ઉમેશ સોલંકી

૧----------

છતાંય / કુસુમ ડાભી (ચોટીલા)

મિલન.
ભૃણનિર્માણ.
ત્રીજે માસે
આકારિત થઈ.
ગર્ભિત.
પરીક્ષણ.
પછીય અવતરિત થઈ.
વિકસી ઉછરી
ઉલ્લાસિત થતી એ 
કાને, નાકે વિંધાઈ 
શાપિત થઈ.
પાયલની બેડીઓમાં
ઝકડાતી ગઈ.
તરુણી હવે
રોમાંચિત થઈ
દુપટ્ટાની આડાશે
સંતાતી થઈ
રમતી ભણતી
સંસ્કારિત થઈ
સમાજની બેડીઓમાં
ઝકડાતી ગઈ.
લાયકાત મેળવી
ઉત્પાદિત થઈ
તોય
મધ્યમવર્ગીય પુરુષપ્રધાન સમાજે
બંધાતી જ રહી.
એ હવે ઉત્પાદિત
છતાંય
શોષિત પીડિત શ્રમિક
ને અબળા જ રહી 
ન હજુએ સન્માનિત થઈ.

૨----------

બાઘાની જેમ / વિપુલ અમરાવ (ગામ - કાતરા તાલુકો - હારીજ, જિલ્લો - પાટણ)

ગામને ચોરે લગાવેલું
નવું નક્કોર ગામનું પાટિયું
ચંપાકાકીનું છાપરું
હમણાં જ ઊગેલાં 
રંગબેરંગી સિમેન્ટનાં ઘરો
જેઠાભૈની કરિયાણાની દુકાન
સરપંચની નવી ઓફિસ
કરશનકાકાના ખેતરમાં વાવેલી બાજરી
રોમજી ડોહાનું કપાસ ભરેલું ખેતર,
નાથાભાની વીસ-વીસ ફેટ દૂધ આપતી 
બત્રીસ ભેંસો
ગામમાં અડીખમ ઊભો'તો 
એ વડલો,
દશામાની મૂર્તિ,
લીપેલું પાણિયારું,
અમારા ઘરમાં 
આવનારા નવા સભ્ય માટે
લાવેલું નવું ઘોડિયું.
આ બધુંએ...
પાણીમાં ડુબ્યું... તણાયું...
ને.. 
જે મંદિરમાં પેસવા પણ ન'તા દે'તા
એ જ મંદિરના ગુંબજ પરથી હું
આ બધું જોઈ રહ્યો છું
બાઘાની જેમ.

૩----------

વટલાયેલા / રૂપાલી બર્ક (અમદાવાદ)

“હું લઈ હેંડ્યા, જેઠાલાલ?”
“એય ‘લા હું લઈ જાસ?”
“લાય ન દેખાડ તો ખરો.”
આમ થતું હતું અઠવાડિયાથી
કંટાળીને તરુણ જેઠો ઘૂરક્યો
“લ્યા મારા બાપાનું ઘુ લઈ જઉ છું”.
દોઢ સદી પહેલાં 
ન હતાં શૌચાલયો કે બેડપેન
બાપા વિશ્રામ પથારીવશ એટલે
એમની વિષ્ટા બે પાંદડા વચ્ચે મૂકી
જેઠો રોજ ઉકરડે નાંખવા જતો.

ત્રાસથી ત્રાહીમામ પોકારીને 
બાપા વટલાયા હતા.
છેક એકવીસમી સદીમાં 
પરદાદા વિશ્રામની પ્રપૌત્રીને 
મહેણું માર્યું સહકર્મીએ:
“આ ખ્રિસ્તીઓ 
હલકી જ્ઞાતિમાંથી વટલાયેલા
‘ઓરિજીનલ’ નહીં"
કોણ સમજાવે મહાશયને
ખ્રિસ્તીઓ વટલાયેલા કહેવાય.
ઈસુ ખ્રિસ્ત યહૂદી હતા
શરૂઆતના ખ્રિસ્તીઓ
મૂળ તો યહુદીઓ હતા.

અરે! એ તો કહો 
પાષાણ-યુગમાં કયો ધર્મ હતો?

૪----------

રાબેતા મુજબ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

જરાક પલીતો અડે
તો ધડાકો થાય
ને હું ચૂરેચૂરા થઈ જાઉં
દુખનો અેટલો દારૂગોળો
મારી છાતીમાં ધરબાયેલો છે.
લોક પણ બિચારા
રોજેરોજ પલીતો ચાંપે છે
પણ ધડાકો થતો નથી.
કદાચ મારી છાતી વજ્જરની હશે
કે દારૂગોળો હવાઈ ગયો હશે!
કોણ જાણે શું કારણ હશે,
પણ ધડાકો થતો નથી.
ને હું જીવ્યે જાઉં છું રાબેતા મુજબ
છાતીમાં ધરબાયેલો દારૂગોળો લઈને.

૫----------

મૂછો / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

મૂછો જોઉં
ને દેખાય
હિંસા ક્રૂરતા મર્દાનગી
દંભી વીરતા, સત્તાખોરી
સામંતવાદી લઠ્ઠ.

પ્રેમ કરુણા
સ્વતંત્રતા સમાનતા બંધુતા
લોકતાંત્રિક સંઘર્ષનું પ્રતીક
પછી ક્યાંથી હોય મૂછો.

૬----------

એને / ઉમેશ સોલંકી

એને
ન પકડાય
હથેળીમાં રાખી રમાડાય :
અડો ધીમેથી
ન લાગે અડવા જેવું,
દાબો સહેજ
થઈ જાય વેરવિખેર.
ઘરમાં ઘરકૂકડી જેવું.
ચોપાળમાં 
ગલૂડિયું બની પગ ચાટે.
ગામમાં ઘૂરકતા કૂતરા જેવું : 
ન બોલાવો કને
ફાડી ખાવા ધસી આવે
બોલાવો કને 
આવીને તુરંત નહોર મારે.
શહેરમાં પાછું
ન સમજાય કે કોના જેવું :
રંગ બદલે
રૂપ બદલે
ઠેકઠેકાણે
સ્થિતિ પ્રમાણે
ન બદલે કશું તોય બધું બદલે
બદલે બધું તોય ન કશું બદલે.

5 comments:

  1. Dhruv Bhatt10/15/2017

    ઉમેશભાઈ,
    તમારો મેઈલ અને મેગેઝીન મળ્યા. ઉપર ઉપરથી જોયું. વજેસીંગ, જયેશ, તમે ઉપરાંત એક બે નવા નામ પણ જોવ મળ્યાં. મુસાફરીમં છું તેથી મોબાઈલ ઉપર બહુ વંચાશે નહીં. આ જવબ પણ મોટું કમ્પ્યૂટર મળ્યું એટલે લખી શકાયો.
    નિરાંતે વાંચીશ. આ બધાને મળવાનું મન છે. ક્યારે ક્યાં મળાશે તે ખબર નથી. આમાનાં કોઈ સારા ગાયક કે ભજનિક હોય તો ખાસ બેસીને સાંભળવા પણ છે. રબીરને ગાતા હોય તો ખાસ મળવું છે. હું પણ ગાઈશ. જોકે મને બહુવડતું તો નથી.
    અંક દિવાળી પછી જ વાંચી શકીશ.
    શુબેચ્છાઓ વાશે કહું તો
    આપણે શાના સાલ મુબારક, આપણે તો હર હાલ મુબારક (આ કદાચ મકરંદભાઈની લાઈનો છે)
    ધ્રુવ

    ReplyDelete
  2. પ્રિય ઉમેશ,
    નિર્ઘાર નો 54 મો અંક મલ્યો.આભાર.દરેક અંક નવા વિષય અને માવજતથી આકર્ષે છે.આ અંક સમસામયિક થી લઇ લાંબા સમયને આવરતા હાર્દરૂપ વિષયોની કવિતા ધ્યાન ખેંચે છે અસલી કે વટલાયેલા ની વાત કરનારાઓ વિચારો કે પાષાણયુગમાં કોઈ ધર્મ હતો? રૂપાલી બર્કની રચના ઇથ્નોરિલીજીયસ દૃષ્ટિએ પાયાનો પ્રશ્ન કરે છે.આ રચના એ પ્રકારના સાહિત્યનો ગુજરાતીમાં પ્રારંભ કરે છે.વજેસિંહ પારગી ની રચના આદિવાસી ની અસહ્ય સ્થિતિનુ હ્યદયસ્પર્શી કથન છે. ઉમેશ સોલંકીની રચના માનવ અને આસપાસના સમાજિક વર્ગસંબંધના વાસ્તવને નવી જ ભાષામાં આલેખે છે.આવી રીતિ આપણા સમાજાભિમુખ સાહિત્ય માં અલગ તરી આવે છે.
    ખુશી .
    વિરમુ.
    કાનજી પટેલ

    ReplyDelete
  3. બાઘા જેવો મને સૌથી વધુ ગમી

    ReplyDelete
    Replies
    1. ખૂબ આભાર નરેશભાઈ..

      Delete
  4. ખૂબ આભાર "નિર્ધાર".
    - વિપુલ અમરાવ

    ReplyDelete