1 June 2021

અંક - ૭૨ / જૂન ૨૦૨૧

કોરોના-વિશેષાંક

 આ અંકમાં

 ૧.  મેહુલ ચાવડા

 ૨.  અનિષ ગારંગે

 ૩.  વૈશાખ રતનબહેન

 ૪.  शाहीन शेख

 ૫.  આતિષ ઇન્દ્રેકર છારા

 ૬.  દિવ્ય પ્રેમ

 ૭.  અપૂર્વ અમીન

 ૮.  હોઝેફા ઉજ્જૈની

 ૯.  पूजा सोढा

૧૦. મહર્ષિ બ્રહ્મ ચમાર

૧૧. કુશલ તમંચે

૧૨. કુસુમ ડાભી

૧૩. રજત શાહ

૧૪. જાગૃતિ રાઠોડ

૧૫. જયસુખ વાઘેલા

૧૬. ઉમેશ સોલંકી

 

૧---

 

અંતરની વાત / મેહુલ ચાવડા

 

છેટેથી જોઈને જ

અંતર રાખતો ગાડા-ચીલા જેટલું

પડછાયો ય ન અડવા દે

અને

ભૂલથી ય અડી જાય

તો

સંભળાવતો ભૂંડી ભટ્ટાક ગાળ

લેતો છાંટ.

 

ચોંટ્યો એને કોરોના

એક જ છત

લોહીના સંબંધ

છાંટ લેતા સૅનિટાઇઝરથી

ઘૈડિયા જેમ  રાખતા'તા રકાબી

એમ વાસણ પણ રાખ્યાં નોખાં.

 

અંતરની કહું વાત

એનામાંથી કોરોના જાય

પણ

છાંટથી છંછેડાઈશ હું

ગાળ તો હવે જરાય નહીં વેઠાય.

 

૨---

 

નકશા / અનિષ ગારંગે

(ભાંતુ બોલી)

 

ચેહરેપ ચિંતા હ, આંખીમ ગુસ્સા હ

ખાલ્લી ખિસ્સા હ, દિલામ જુસ્સા હ

રોડાપ ચાલતા હ, ચમ્પલ ઘસતા હ

પેટા સ ભૂખા હ, હાથામ નકશા હ.

 

ટ્રાફિકા કે સિગનલ પર લાલ લાઈટ જબ જલતી હ

તબ સુખે ગળે સ મેરે એક આવાઝ નીકળતી હ

નકશે લેઈ લો નકશે લેઈ લો......

કભી કોઈ લેતા હ કોઈ કડ લેતા હ

કોઈ ચોરા જીધા દેખતા હ,

કોઈ કુત્તે જીધા દુતકારતા હ

તો ભી એક આંસ દિલામ જગાવતા હ

ક્યા કર હું

પેટા સ ભૂખા હ, હાથામ નકશા હ.

 

તપતે રોડાપ બેચે, ચાલિયામ બેચે

સરકારી દફતરામ બેચે

મોલામ બેચે, ઘર જાય-જાય કર બેચે

નિશાળીમ બેચે, બઝારામ બેચે

સારા દિન આખે દુનિયા કે નકશે બેચે

તો ભી ખીસેમ રહી ગયી હ કાળી સ્યાહી

સાલા ઇસ નકશેમ માહર લિય જ જગાહ નાહી.

 

નકશે તો ઇતરે નાહીં બીચે

જીતને કોરોના કે મહામારિયાન

માહરન કુ ગેલા ખીંચે

ભૂખાસ તરબતર હોઈગા આખા કુંણબા

પેટા કા ખડ્ડા પૂરત-પૂરત તૂટીગા મણકા

ચામડી ન હાડકે એક હોઈ ગયે હ

સારે ટાબર આધી રોટી ખાયી સોઈ ગયે હ

ક્યા કર હું

પેટાસ ભૂખા હ, હાથામ નક્શા હ.

 

૩---

 

ફ્રેજાઈલ, હૅન્ડલ વિથ કેર / વૈશાખ રતનબહેન

 

એક આધેડ માણસ

ખભા પર

અતિકીમતી સામાન લઈને

સજ્જડબમ્બ ટ્રાફિકની વચ્ચે

દોડી રહેલો તડકાને ચીરીને

ચિત્કારી રહેલા એના સુકાયેલા ટીમરું જેવા હોઠ

સ્હેજ ઊછીનો શ્વાસ કોક આપો.

પૂર જેવું જંગલી આક્રંદ લઈ

ડૉક્ટર્સને શોધતા

એના કરચલીવાળા ભીડાયેલા બે હાથ

માંગી રહ્યા હતા દસ રૂપિયાની બે ગોળી

પણ

પેલો સજ્જડબમ્બ ટ્રાફિક ના હલ્યો કે ના બોલ્યો

એ આધેડ માણસના ખભે લટકેલા

અતિકીમતી સામાન પર લખાયેલી તખ્તી

"ફ્રેજાઈલ, હૅન્ડલ વિથ કેર" બધાને દેખાતી હતી

પણ

જગત આખું

એટલો જ અતિકીમતી સામાન લઈને

હાંફી રહેલું રૂંધાયેલા શ્વાસે

તો પેલો નિરાધાર ટ્રાફિક શું હલે કે બોલે?

બધાની એક સરખી ચીસ

બધાની એક સરખી ભાષા

બધાની એક સરખી આશા

બધાનું એક સરખું મોત

છેવટે

પેલા થાકેલા આધેડ માણસે

અતિકીમતી સામાન ફૂટપાથ પર મૂકી દીધો

જિંદગી સાથેનું એનું 'બારગેન' ખૂટી ગયું

ને

અતિકીમતી સામાન

પોતાના છેલ્લા શ્વાસે

બાપના કાનમાં સપનું ફૂંકી ગયો:

"બસ હવે બહુ ના રોશો

તમને થઈ જાય છે છાતીમાં દુખાવો

ડ્રોવરમાં છે વિટામિનની ગોળીઓ તમારી

લેવાનું ભૂલતા નહીં."

 

આવા કેટલાય કિસ્સા

અખબારના પહેલા પાને હોવા જોઈતા'તા

પણ

માફિયા કૂતરાઓએ

ફોતરી ખાધા સૂરજના તડકાને ચીરીને

આવા કેટલાય રઝળતા કિસ્સાઓને...

અને

પેલો બીજો માણસ

પોતાનો અતિકીમતી સામાન લઈ

દોડી રહ્યો છે હજી

મૂંગા સજ્જડબમ્બ ટ્રાફિકની વચ્ચે.

 

૪---

 

लॉकडाउन / शाहीन शेख

 

जिस खाने की दुकान के सामने

रोज बेठा करता था मैं

इस उम्मीद से

काश कोई आये ऐसा दिल का अमीर

मेरी

एक वक़्त की

मिटा सके भूख

लेकिन

मेरी वह उम्मीद भी है लॉकडाउन.

 

मेरा तो घर ही होता है

फुटपाथ गटर नाले

बन्द दुकानो के आगे.

 

मुझे

किसी वायरस से

लगता नहीं डर

भूख की बिमारी ही है एक वायरस.

 

ये भी याद नहीं मुझे

नहाकर कब बदले थे

कपड़े मैंने.

मुझे बार-बार साबुन से धोना नहीं पडता हाथ

सेनिटेज़र से करना नहीं पडता हाथों को साफ

पानी मिल जाए कभीकभार

मिट्टी से साफ कर लिया करता हूँ हाथ.

अपने मुँह को कभी मैंने

ढका नहीं किसी कपडे से

मुझे तो आदत है धूल मिट्टी से भरी

हवाएँ रोज खाने की

लेकिन अब...

हवाएँ तो मिल रही हैं शुद्ध

पर

लॉकडाउन है मेरी भूख.

 

૫---

 

નગર / આતિષ ઇન્દ્રેકર છારા

 

કહેવાય છે

નગર ઘણાં સુંદર હતાં

નગરમાં હતાં શેઠોનાં રાજ

શેઠ કહે એ બધું થાય

કાશ

કોરોના એ વખતે આવ્યો હોત

શેઠના એક અવાજે

કોરોના ફેલતો અટકી ગયો હોત

ના ઓક્સિજનની અછત

ના રૂંધાયા હોત શ્વાસ.

 

હમણાં

નગરમાંથી લાશો પહોંચે સમશાનમાં.

ઓક્સિજનના જુગાડ માટે

ભીડમાં ઊભેલા

જેમ મત આપવાની લાઈનમાં ઊભેલા

હવે મડદાં બાળવાની લાઈનમાં ઊભા

આ નગર શેઠવાળું નગર નથી.

લોકો થાય પસાર અહીંથી

નાક પર રૂમાલ લઈ

વળી ચાળા કરે બચવા નગરની ગંધથી

આ નગર શેઠવાળું નગર નથી

આ નગર મહાનગર નથી

આ તો છારાઓનું નગર

ચાલે રોજ સમશાનવાળી ડગર.

 

૬---

 

તાંડવ / દિવ્ય પ્રેમ

 

ચાલી રહ્યું છે તાંડવ મૃત્યુનું

મરી રહ્યાં છે શરીર તરફડી-તરફડીને

સમજાતું નથી કંઈ

કોણ તરફડશે હવે

વારો કોનો આવશે હવે.

રોજ-રોજ આવી જાય

ડરી જવાય એવી ખબર કોઈ

ખબર નથી

બંધ થશે ક્યારે તાંડવ મૃત્યુનું.

ઝેરીલી થઈ ગઈ હવા

ક્યારે અમૃત બનશે હવા

ક્યારે નીકળશે લોકો ઘરમાંથી બહાર ખુલ્લી હવામાં

સંતાયું બધું સમયના પેટમાં

પહોંચી ગઈ દુનિયા આજે ત્યાં

બચી જવું જ્યાં

એ જ મોટી સફળતા

અર્થ નથી તમે શું કમાયા વીતેલાં વર્ષોમાં

વાત તો એ

કે તમે બચાવી શક્યા તમને આ મૃત્યુના તાંડવમાં.

 

૭---

 

ગળફા / અપૂર્વ અમીન

 

સિવિલના સંડાશ સાફ કરતી

અમારી માઓના પગના તળિયે ચોંટેલા

ડૉકટરોના વીર્યના અવશેષો જેવી

છે હાજરી અમારી લોકતંત્રમાં

અવિકાસશીલ અને બિનવારસી.

આલ્બેર કામૂની રિક્ષામાં

રમાતો જુગાર જોઈ

આલ્બેર કામૂ 

કવિતા કરવા કરતાં

જુગારના આંકડાની રકમો 

લખવાનું પસંદ કરતો.

સિત્યાશીની રામાયણમાં રાવણને મરતો જોઈ

અમારી ડોશીઓ દુ:ખી થતી

તરત ચેનલ બદલી નાખતી

અને

ચારધામ રખડવા ગયેલી

સુરતના ડાયમંડ વેપારીઓનાં ડોહા-ડોશીઓની ટોળકી

લૉકડાઉનમાં ભરાયા હોવાના સમાચાર જોઈ

સ્ટાઇલમાં બીડીના કશ ખેંચતી.

ગંધાતી પીપીઈ કિટ‌‌ના ઢગલામાં 

બેટના ગોદે દડી શોધતી 

અમારી બાળવસ્તી 

સૅનિટાઇઝરનો નશો કરતી થઈ

ત્યાં સુધી સ્કૂલ બંધ રહી.

છેક સુધી રાહ જોઈ

ફિનાઇલ પી

ટ્રોમામાં પડેલા

બેરોજગાર મજૂરોના ગળફાનો બનશે 

એક બોમ્બ 

જેને અમે ફેંકીશું 

અને

વિશ્વના શોષણખોરોની

ઇમારતો થશે ધરાશાયી.

 

૮---

 

લૉકડાઉન શબ્દ / હોઝેફા ઉજ્જૈની

 

લૉકડાઉન

આ શબ્દ સાંભળેલો લાગે છે

આ શબ્દ કાશ્મીરથી આવેલો લાગે છે

એક વર્ષ, નવ મહિના ને ઉપર ઘણા દિવસ

કાશ્મીરમાં લૉકડાઉનનો જબ્બરનો બંદોબસ્ત

કરફ્યૂ, મીડિયા પર અંધારપટ

એવો ભારે લૉકડાઉન શબ્દનો વટ

આખું શહેર મિલેટ્રીની છાવણી

ચારે કોર જમીનની છાતીમાં તારોની વાવણી

ઘરથી બહાર નીકળો એટલે ડંડાઓ, ગોળીઓ

માંગે ઓળખ પત્રો

તમારા જ શહેરમાં તમે અજાણ્યા શંકાશીલ શખ્સો

સત્તાધારી કહે એ જ સાચું કરે નકામા ફરમાનો

મરજી પડે એમ લાવે અવનવા કાયદાઓ

જીવન કરે દુશ્વાર

હાલત એકદમ બિસ્માર

લૉકડાઉનમાં જીવતી લાશોનો સંસાર

ફાસીવાદીઓને પસંદ એવા નિરંકુશ શાસનની સરકાર

એના વિરુદ્ધ

કશું બોલવું નહીં, લખવું નહીં કશું કરવું નહીં

ને જગ્યા પરથી હલવું નહીં

નહીંતર જશો તમે સીધા જેલ

લૉકડાઉનમાં સત્તાનો જોહુકમીનો ખેલ.

સ્વતંત્રતા અને લોકશાહી કાશ્મીરીઓની ખોવાઈ

આઝાદીના નારા લગાવે તો આવે મોટી તબાહી

રાજનૈતિક વિકલાંગતા

આર્થિક સંક્રમણતા

સામાજિક ગૂંગળામણો

ને સપનાંઓ પર પહેરાઓ

ખાવું-પીવું

રમવું-ફરવું

બોલવું-હસવું

પસંદ ના-પસંદ જીવવું-મરવું

બધું જ સત્તાને તાબે

આર્ટિકલ 370ને રદ કરવાને

લૉકડાઉનના કાજે.

શું તમે સાંભળ્યો

આ શબ્દ 'લૉકડાઉન'?

કોરોના મહામારી રોકવા માટે?

 

૯---

 

बिमारी से खतरनाक / पूजा सोढा

 

क्या कोई बीमारी

इतनी खतरनाक हो सकती है

जो लोगों को धड़ले से मार सके?

या

हमारा स्वास्थ्य तंत्र

इतना कमज़ोर है की

वो लोगों को मरने से

बचा ना पाया हो?

या

हम मरे हुए लोग

मार रहे है लोगों को

हमारी संवेदनाएं ही मर गई है

दवाइयों के दोगुने दाम ले रहे है हम

ऑक्सीजन सिलेंडर को ब्लैक में बेच रहे है हम

एम्बुलेंस का किराया भी दुगुना लेकर

लोगों की जिंदगियों से खेल रहें है हम.

कहीं

बीमारी से ज्यादा खतरनाक हम लोग तो नहीं

जो बने हैं लाशों के सौदागर

निर्लज्ज और निर्दय होकर.

 

शमशान में अब

रात को भी सन्नाटा नहीं होता

लोगों की भीड़ रोने की आवाज़ें

जलती हुई अन गिनत लाशें

लकड़ियों के जलने की फुसफुसाहट

सन्नाटे को शोर में बदल देती है

 

૧૦---

 

થયો મને કોરોના / મહર્ષિ બ્રહ્મ ચમાર

 

ઓક્સિજનને

થયું પેલ્લીવાર મળવાનું

ઓક્સિજનના વિચારે હું

પસાર કરતો દિવસો હું

સમજાયું મને

એવું લાગ્યા કર્યું મને

અસ્પૃશ્યતા સાથે

મૈત્રી કરી લીધી હોય કોરોનાએ.

 

કોરોના

હોવા છતાં

તૈયાર નહોતું કોઈ માનવા

પીડા એટલી વધી મારી

વહેંચવાનું મન થઈ આવ્યું પીડાનાં પડીકાં બાંધી

પીડા સૌની

સૌની પીડા

લાલ પીડા

આંખેથી ટપકતી પીડા.

 

૧૧---

 

ધાર્મિક કોરોના / કુશલ તમંચે

 

નોવલ વાઇરસ

થયો ધર્મમાં રત

લાગી તેને તબલિગી-કુંભની લત

તબલિગીમાં એ જેહાદી જમાતી

કુંભમાં પવિત્ર ભક્ત સંન્યાસી

નીતિને થૂંકી કાઢી

ચોથા સ્તંભે બનાવ્યો બહુ વિવાદી

ઘેલી સિસ્ટમથી તાંડવ-તાંડવ

મસાણ જાણે મડદાંનો મહેરામણ

ધાર્મિકતા વચ્ચે પણ મજલૂમોને સાથ

કાયમ છે તાજ ઇરાત એ હિન્દ રાજ.

 

૧૨---

 

આંસુ / કુસુમ ડાભી

 

આંસુના નિતનવા પ્રકાર

સ્વાદે હોય ભલે ખારાં

ખુશીમાં ખરી પડે

ગમમાં નદી બને

ક્યાંક છડેચોક વહે

ક્યાંક ઓશીકે ખરે

પણ, એ વહેતાં રહે સદા.

 

આંસુના પ્રકારો

પ્રકારોના પેટાપ્રકારો

લોહીનાં આંસુ

ગમનાં આંસુ

ખુશીનાં આંસુ

વિરહનાં આંસુ

વિયોગનાં આંસુ

નામી-અનામી આંસુ

એમાં એક મગરનાં આંસુ

જાહેરમાં ક્યારેક વહ્યાં કરે

કેમેરા ઝીલ્યા કરે

ટી.વી. દેખાડ્યા કરે

છાપામાં છપાયા કરે

આંસુએ-આંસુએ

વાહવાહી લૂંટ્યા કરે.

 

૧૩---

 

અશ્વેત જ્યોત / રજત શાહ

 

કોરોનાનો કાળો કેર

મહામારીમાં લીલાલ્હેર

સમી સાંજે

એક સ્ત્રી 'વાળુ આપજો' બોલ્યા કરે

અસ્પૃશ્યતાની અશ્વેત જ્યોત શેરીએ-શેરીએ

અભડાતી-અભડાતી વધતી જાય

અખંડ થતી જાય.

છૂટ્ટાં વાસણ ફેંકવાનો અવાજ

ચગદાઈ જતી ભૂખ એવો અવાજનો ભાર

મહામારીનો કપરો કાળ

કે શ્વેત મસ્તકોની માયાજાળ

લોકોથી દૂરીનું ઝેર 

કે કોરોનાનો કાળો કેર

શ્વેત ચદંનની તીવ્ર સુગંધ

એના કરતાં તીવ્ર એઠવાડની ગંધ

માયાજાળને સ્વાહા કરીએ

અસ્પૃશ્યતાની અશ્વેત જ્યોતને ઓલવી નાખીએ.

 

૧૪---

 

કોરોના / જાગૃતિ રાઠોડ

(ભાંતુ બોલી)

 

ક્યા લિખ્ખઅ્ કોરોના કે કહેરા પર

મેરી તો કલમ હી નાહિ ઉઠ્ઠી રહી

વિચારી કે જ હૃદય ઈતના કંપી ઉઠ્ઠી રહા

જાણે સાંસા બિના કા જીવના કી કલ્પના કરના.

ઈસ તરહા અમુક પલ બિત્તે હૈ ના

જાણુ કોઈ ઘોર અંધકારા માંહી બૈઠ્ઠે હૈ

કેસી કરવટ બદલી હ જિંદગિયાન ભી

જાણ એક પલા માંહી જિંદગી આખી

તહેસમહેસ હોયી ગયી હ.

એક નન્હી સી રૂહ

અપણા જીવન જીવણે કે લિયે

કિતની બાર તડપી હોંગડી ના.

કિતના મુશ્કિલ રહ્યા હોંગડા ના ખુદ સ લડના.

જબ એલાન કરી દિયા ક

અપણે હી પરિવાર સ દુરિયા બણાની હ

તબ ઇદા મહેસુસ હુઆ થિયા ક

માનો એક હિસ્સા

અપણે શરીરા સે અલગ હોઈ રહયા હોય.

 

કોઈ કોરોના કે કેહરાસ સે,

તો કોઈ ભૂખ્ખા સે

તો કોઈ અકેલેપના સે

ઝૂઝી રહયા થિયા.

જીવતે-જીવતે ભી કિતની બાર હમ મરી રહે હ.

 

ઘર-ઘરા માંહી

હર ગલિયાં માંહી

રોડા કે નાક્કે પર

ચાહિ કી મહેફિલા સજ્યા કરતી થી,

નેહને-નેહને ટાબર

કિતની મસ્તિયાં કરતે રવહતે થિયે...

ઇદા લાગી રહા હ ક કહીં ગુમ હોયિગા યો સારા.

આજ જબ યો સૂનિયા સડકા દેખી રહી હ તો

ઇદા મના ફીલ (feel) હોઈ રહ્યા હ કી

યો બો શહેર રહયા હી નાહી

જાણુ કોઈ રેગીસ્તાન બની ગયા હોય

અન જિન્દગિયાં કી તલાશા માંહી

પ્યાસે ઊંટા કી તરહ ઘૂમી રહયા હોય.

કોઈ દુરા તક આસ હી નહીં દિખ્ખી રહી

કિતને હીરે કી રોશની ગુમાયિ દે હમને

આજ બો અંધેરા ચૂભી રહયાં હ

જાણ આસા કી લો હી બુજ્જી ગયી

સમાજા માંહી સ કુછ કોહિનૂર હિરે કે જાણે સે.

 

કિતને નું અપના જીવ ન્યોછાવર કરી કર

એક નયા જીવનદાન દિયા દૂસરે કુ.

કિતને એસે મહાન લોગો ને

એસે અંધકાર ભરે સમયામ ભી

એક દીવે કી જ્યોતા જીધા

ઉમ્મીદ ભી જગાયી સમાજા કે લોગો કે બીચ.

કિતને લોગ અપને પરિવારા કે કરીબ આયે

કિતને હી પરિવારા તબાહ હુએ

કિતને નું ઇન્સાનિયત બરકરાર રાખી

અને કિતને નું ધિક્કાર  દિયા.

 

જબ આખરી સમાયા માંહી

અપણોં કા ચેહરા નાહી દેખણાં મિલ્યા હોંગડા

તબ માનો

એ આંખી બે મતલબ સિયા

સાબિત હોયા થિયા.

 

કિતના કુછ છિન્નાયી ગયા ના હમસ

કિતના કુછ સિખાયી ગયા....

ઈસ કુ અબ કોરોના કહેર કહી દય

યા

ભગવાના કી મરજી....

પર

અગલે દિન યાદ કરતી હ

ના જાણે ક્યૂં હૃદય કંપી ઉઠતા હ.......

 

૧૫---

 

આશા / જયસુખ વાઘેલા

 

કોરોના કોરોના

વાયરસ વાયરસ

બૂમો હર તરફ

ના દૂર ના છેડે

બૂમોની વચ્ચે

જીવે છે માણસ

ડરે છે માણસ

મરે છે માણસ

 

રાજ નિષ્ફળ છે

કાજ નિષ્ફળ છે

આજ નિષ્ફળ છે

 

રાજ બદલાશે

કાજ બદલાશે

કાલ બદલાશે

અને

સઘળું ઝળહળશે

અંધકારના મારણથી

 

૧૬---

 

દિલ્હીવાળો કાળ / ઉમેશ સોલંકી

 

આવ્યો હમણાં

શ્વાસોનાં ટોળાંમાંથી લાવ્યો શમણાં

શમણાંમાં

તાજી હવા આવશે

પંથ પર પરાગ ફેલાવશે

ન હાંફશે-હંફાવશે

હૈયામાં ઘૂમશે રક્ત દોડાવશે....

અને

ઊંઘી ગયો

શમણાં છોડીને સપનામાં ખૂંપી ગયો

સપનામાં

થાળી ખખડ્યા કરે

મીણબત્તી સળગ્યા કરે

ખખડાટ કાનમાં કગર્યા કરે

ઓગળતું મીણ હૈયા પર ટપક્યા કરે....

અને

સપનું પૂરું

ઘૅન અધૂરું

અને

શમણાં

હૈયામાંથી શ્વાસ ખેંચી ગયાં

પંથ પરની પરાગ લઈને ઊડી ગયાં

હૈયું હાંફવા લાગ્યું

રક્ત થાકવા લાગ્યું....

અને

શરીર ઠરી ગયું

નહોતું મરવાનું પણ મરી ગયું....

 

લાશો

આઘેથી લાગે ગાયો.

સ્મશાન

આસપાસ

વારાફરતી બળતી લાશ

એટલો તાપ

આંસુ આવે પોપચાંની ધાર

તર્ત સુકાય.

 

ઘંટથી છૂટી ટનટનની લત

ભૂલ્યાં કબૂતર ગુંબજની છત

ધજાને લાગી ચીંથરાની રઢ

પાછળ લગોલગ

મંદિરના કૂતરાંનું ન પેટ લજવાણું

કાગડાનું જાણે કીડિયારૂં ઊભરાણું

કીડી ને જીવડાં, માખો ને મચ્છર

દૂર-દૂર ક્યાંકથી આવી ચડ્યાં અણજાણ્યાં જાનવર.

હતાં ગૂમ આવ્યાં ક્યાંથી

લાગે ટપક્યાં આભલામાંથી

કરશે જાણે લાંબું રોકાણ

ગીધડાંની આંખોમાં એમ ઠર્યું આકાશ

ગંગાનાં નીર ગંગાની ધાર

માણસનાં મડદાં ગંધાય અપાર

મૂતરીને ગીધડાં બાળે જીવાત

થોડું ખાધા કરે થોડું મૂતર્યા કરે

ઊડવાનું જાણે ગયાં ભૂલી, ચૂંથે ચરકે ને ઊંઘ્યા કરે

ઊડવાનું જાણે ગયાં ભૂલી, ચૂંથે ચરકે ને ઊંઘ્યા કરે.

 

કેવો ડંખીલો કાળ

દેખાય

લાશોને બાળતા

ગંગાના ઘાટે મડદાંને ખેંચતા

જાંબુડિયા હાથ

લખશે કોણ જાંબુડિયા હાથની ઠળિયાળી વાત?

લખશે કોણ જાંબુડિયા હાથની ઠળિયાળી વાત?

 

શું સ્પર્શ શું રંગ

શું સ્વાદ શું શ્રવણ શું ગંધ:

રૂંવાટીના બદલે ફરકતો તાપ

ફૂલની પાંદડી કે ગુલમ્હોરની ડાળખી જાણે આગ

જીભ પર જામ્યો થર, થરમાં રાખ

ભડભડ ભડ ભડભડ ભડ સઘળા અવાજ

શ્વાસમાં આવે-જાય બળતું મસાણ

લખશે કોણ જાંબુડિયા હાથની ઠળિયાળી વાત?

 

લાકડું ગોઠવતા ફાંસ વાગે

લાશ ગોઠવતા તાણ આવે.

ગંગાનાં નીર ભલે ગંગાનાં નીર

નખનો મેલ તોય નખમાં થીર

કીડીઓ ચટકા ભરે કાગડો ચાંચ મારે

ફાટેલા પ્લાસ્ટિક ભેળો ક્યારેક લોદો આવે

મડદું ખેંચતા ક્યારેક લપસી પડે

તપતું આભ આંખમાં હલે....

રાત

પૂનમના ચાંદમાં અમાસનો ઘાટ

લખશે કોણ જાંબુડિયા હાથની ઠળિયાળી વાત?

લખશે કોણ જાંબુડિયા હાથની ઠળિયાળી વાત?

ન કેવળ હું

ન કેવળ તું

તું અને હું.

 

4 comments:

  1. વાહ. અપૂર્વ અમીનની કવિતા બહુ ગમી.. બહુ સરસ

    ReplyDelete
  2. Mehulbhai ane Umeshbhai ni kavita gami

    ReplyDelete
  3. બધા કવિ અને કવિયત્રીઓ ને ખુબ ખુબ અભિનંદન..... બધી કવિતાઓ કોરોના મહામારી ની કપરી પરિસ્થિતિ ની ઝાંખી પ્રસ્તુત કરે છે...આ બધી કવિતાઓ મહામારી ના સમયમાં અમર રહેશે. ઉમેશ ભાઈ ને પણ ખુબ ખુબ અભિનંદન...

    ReplyDelete