15 December 2017

અંક - ૫૬, ડિસેમ્બર ૨૦૧૭

આ અંકમાં
૧. હરગિજ નહીં / રાજેન્દ્ર વાઢેળ
૨. ઝગમગી ઊઠ્યા / કુસુમ ડાભી
૩. તમે સ્ત્રી છો / અરવિદ કે. પરમાર
૪. આવડત અને કૌશલ્ય / વૈશાખ રાઠોડ
૫. રાહ જોઉં છું / વજેસિંહ પારગી
६. धर्मनिरपेक्षता / श्याम
૭. ભૂતકાળ / ઉમેશ સોલંકી

૧----------

હરગિજ નહીં / રાજેન્દ્ર વાઢેળ (કાજ, તાલુકો : કોડીનાર, જિલ્લો : ગિર-સોમનાથ)

આમ તો
તારામાં, મારામાં નથી તફાવત
તોય તફાવત છે
તારાં ને મારાં કપડાંમાં
ગોદડાંમાં, ઘરમાં, દફતરમાં, ચોપડામાં
યાદ કર,
મારી પાટી પૂંઠાની, તારી કેવી લાલ કલરની.
હું તને લેસન આપવા આવતો તારા ખેતરે
તારી દાદી
તારી બોટલનું પાણી પીવા ન દેતી મને
ખાટલેથી નીચે બેસાડતી મને
તું મારા અક્ષરોને વખાણતો
તો એ કેવી ડોળા ફાડતી
'ક્યાં સુધી ભણવાનો?'
કહી મારી જાતને ગાળો ભાંડતી
બધાં આશ્ચર્યોના જવાબ
ધીરે ધીરે મળતા જાય છે.
એ વાડીખેતરના માલિક તારા પપ્પા
ને મારાં માબાપ ત્યાં મજૂર
મારે તો પ્રાથમિક શાળા પછી ભણવું
ભારે પડી ગયું.
મેં પકડી મજૂરી
તું મેનેજર થઈ ગયો
મારી હોશિયારી તો સાત ચોપડી સુધી રહી
પછી તો...
તું તહેવારમાં આવે કે દોસ્ત?
હવે તો તને કોઈ યાર મળી ગયો હશે.
આમેય આપણે તો જુદા
જાતેય જુદા, નાતેય જુદા, ખાતેય જુદા
રંગઢંગ ને વ્હેવાર જુદા.
તને પેલી પ્રતિજ્ઞા યાદ છે :
'અમે બધા ભારતીય છીએ'
અને પ્રજાસત્તાક દિવસે ગાતા પેલું ગીત :
'છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની'
આપણી દોસ્તી કેવી થઈ હતી
આપણે જે લાઇબ્રેરીમાં જતા બેસવાને
હું હજુ ત્યાં જાઉં છું ક્યારેક
લવ સ્ટોરીની બૂક નથી લેતો હવે
હવે વાચું છું 'દાસ કૅપિટલ' માર્ક્સનું
લેનિન, માઓ, સ્ટૅલિનને વાચું છું હવે
સમજું છું આંબેડકરી ચળવળને
મને પણ થાય છે
આ તફાવત ક્યાં સુધી?
આ સાંકળ ક્યાં સુધી?
તારા પપ્પા, તું ને તારો છોકરો માલિક!
મારા બાપા, હું ને મારો છોકરો મજૂર!
ક્યાં સુધી?
હરગિજ નહીં આ તફાવત હરગિજ નહીં.

૨----------

ઝગમગી ઊઠ્યા / કુસુમ ડાભી (ચોટીલા)

ગામના છેવાડે એનું ઘર
ના ના ઘર તો કેમ કહેવાય?
ત્રણ બાજું ટીંગાતાં કંતાન
ઉપર બાવળની ડાળખીનું માળખું
માળખામાં વાંસની ચોકડી
ચોકડી પર કંતાન, પ્લાસ્ટિક, ટાયર.
ખુલ્લા ભાગે દરવાજો
ના ના દરવાજો કેમ કહેવાય?
તેલના કટાયેલા ડબ્બા તોડી-ટીપીને
બનેલી આડશ માત્ર.
અંદર
ત્રણ પડદાંની વચ્ચે એક કુટુંબ
ના ના કુટુંબ તો કેમ કહેવાય?
પતિ, પત્ની, દીકરાં, ગલૂડિયાં, કૂકડાં,
તિરસ્કૃત સમાજ માત્ર.
ભર શિયાળે
ના ના શિયાળો શાનો?
ઓખી વાવાઝોડાના વરસાદે
ડિસેમ્બરની કાતિલ ઠંડીમાં
સૂતેલાં એકબીજાને લપાઈને.
બે-ચાર પગવાળા લોકોનો વિકાસ
અચ્છે દિન ઝગમગી ઊઠ્યા...

૩----------

તમે સ્ત્રી છો / અરવિદ કે. પરમાર (અમદાવાદ)

તમે સ્ત્રી છો
તો તમે ઓલરેડી મહાન છો !
આનાથી બીજું મહાન શું હોઈ શકે?
તમે જન્મ્યાં હશો
એમાંય કેટલી બબાલ થઈ હશે !
તમે થોડું બોલતાં શીખ્યાં હશો
એમાંય નિયમો ઘડાયા હશે !
તમે કપડાં પહેર્યાં હશે
એમાંય કેટલાયને વાંધા હશે !
તમે ક્યારેક હસ્યાં હશો
એનો પણ હિસાબ થયો હશે !
તમેં રડ્યાં પણ હશો
કયાંક લપાઈને, કોઈકની બીકે !
તરુણા કાળે કુદરતી બદલાવ થયા હશે
એમાંય લોકોને પાપ દેખાયું હશે !
તમને પ્રેમ પણ થયો હશે
ને એ અંદર જ મરી ગયો હશે !
આખરે બીજે ક્યાંક મોકલ્યાં હશે
ને ત્યાંય ફવડાવ્યું હશે !
આટલું તો  કહેવાતો ઈશ્વર
પણ ના કરી શક્યો હોત !
તમે સ્ત્રી છો,
તો તમે ઓલરેડી મહાન છો !

૪----------

આવડત અને કૌશલ્ય / વૈશાખ રાઠોડ (અમદાવાદ)

તારા મુલાયમ અને ઊજળા
સુસંસ્કૃત ને વેદજ્ઞ ચહેરાની પાછળ,
તારી ચકોર ને ચાલાક
દુરંદેશી ને પારદર્શી નજરની અંદર,
પેલા મડદાંઘરના દરવાનના નાકમાં
સજ્જડ થઈ ગયેલી વાસ જેવી
નફરત અને ઘૃણા તું મારે માટે લઈને ઊભો છે,
ને ચોકી કરી રહ્યો છે હજારો વર્ષોથી
તારા નિષ્પ્રાણ અને સડી ગયેલા મંદિરની,
પછી અચાનક તને
પરશુરામનાં શોર્ય ને ત્રાડ યાદ આવ્યાં
એટલે તું મંત્રોચ્ચાર કરતો,
જનોઈની જાળ પાથરી નીકળ્યો
તારી બુઠ્ઠી થઈ ગયેલી આવડતના જોરે
મારો શિકાર કરવા
પણ છલાંગ મારી ફાડી ખાવાના ગુમાનમાં
તું એ ભૂલી ગયો, કે મારી પાસે પણ
કલમ, કાગળ ને શબ્દનું કૌશલ્ય છે
જે મેં તારી જ સ્કૂલની બહાર
તારા જ હીરાજડિત ને સોનાના વરખ ચઢાવેલા
જૂતાની રખેવાળી કરતાં કરતાં
પૌરાણિક વર્ષોથી શીખ્યું છે
ને આજ ઢાલના ઓથા હેઠળ
મેં  તારા લાચાર અહમ્ ને ઊંધે માથે પટક્યો
ને તારા દરેક ખૂંખાર વારથી બચ્યો.
ને છેવટે ઊંચનીચનું માનસિક ચક્રવ્યૂહ રચી
મારી પર ધર્મોપદેશોનાં બ્રહ્માસ્ત્ર વરસાવા લાગ્યો
ને હું કાગળ, કલમ ને શબ્દના જોરે
પેલા ઈન્દ્રપુત્રના સાથ વગર
તારા ઘેરાને તોડી
મારા ઘવાયેલા સ્વમાનને
પંપાળતો મલમપટ્ટી કરતો લઈ આવ્યો બહાર.

હવે યુગ પલટાયો છે
મેદાનમાં યુદ્ધનો હુંકાર બદલાયો છે
ને આ બાથંબાથીની રમતમાં
હવે દાવ પણ ફેરવાયો છે
તરકશ છે મારી પાસે ને એમાં ચળકતા તીર
હવે હું છુ તારો શિકારી ને તું છે મારો શિકાર
આજે એટલે જ તું આટલો હતાશ
ને અકળાયેલો છે
કેમકે તને માત્ર શિકાર કરતા જ આવડ્યું છે બચતાં નહી.
ને મેં બચવાના કૌશલ્યનો ઈજારો,
મારા બાપદાદાની ચિતા પર સતી કરી દીધો છે
નવા યુદ્ધનો આરંભ છે
તારા કોઈ પણ તારણહારને સારથી બનાવી લે
અર્જુન અને એકલવ્ય નહીં
હવે આવડત અને કૌશલ્ય ભીડાવાનાં છે..

૫----------

રાહ જોઉં છું / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો :  દાહોદ)

સામે હતો
અે રસ્તે
ચાલી નીકળ્યો.
ચાલતાં ચાલતાં
સાંજ પડી ગઈ
પણ
ન રાહદારી મળ્યો
ન અાવ્યો પડાવ
ન ગામ
ન રસ્તો ખૂટ્યો.
ચાલી ચાલીને
લોથ થઈ ગયો છું
અાગળ ચલાય અેમ નથી
પાછા વળાય અેમ નથી
બેસી પડ્યો છું
રસ્તાની ધાર પર.
રાહ જોઉં છું
રાત પડે અેની.

६----------

धर्मनिरपेक्षता / श्याम (अहमदाबाद)

लहू से लथपथ रास्ते
और नंगे पाँव चला जा रहा हूँ मैं,
बन रहे हैं क़दमों से सुर्ख़ निशाँ
सफ़र और भी मुश्किल होता जा रहा है ।
थामकर हाथ पीरों के
चलना चाहता हूँ लेकिन
कमज़ोर पडे हाथ बढ़ाना
दिन-ब-दिन दुश्वार होता जा रहा है ।
पहचान भूल रहा हूँ अपनी
और चेहरा भी धुँधला जा रहा है,
हिज्जा भी मेरे नाम का
शब्दकोश से मिटता जा रहा है ।
बंद कमरों में हो रही है बहस कि
साबुत रहे वजूद मेरा,
शोर मुझे मिटाने का लेकिन
बाहर बढ़ता ही जा रहा है ।
कोई मरहम लगे, दवा मिले
कोई तो इलाज हो
घाव है कि दिनोंदिन
नासूर बनता जा रहा है ।

૭----------

ભૂતકાળ / ઉમેશ સોલંકી

હજુ કેટલું
દોડવાનું, મથવાનું, તૂટવાનું
દિવસ વીતે ને થાય
વરસ વીતીને વીતાડતું જાય :
ચામડી જાંબલી થઈ
પાનીઓમાં નદીઓ વહી
પેટમાં ભૂવો પડ્યો
છાતીમાં ડુંગરો ફૂટ્યો
હોઠને કાળાશ ચડી
આંખો કૂવાની માછલી બની
ગાલ થયા ગુફાનો વળાંક
માથાને વળગી પડ્યું વંઠીલું કપાળ.
ભાળ
મુઠ્ઠી વાળીને વેંત આઘે ઊભેલો ભૂતકાળ
ભૂતકાળ ન તારો, ન મારો
ન બે-ચાર જણાનો
પણ મઝિયારો.
આજ
ભૂતકાળમાંથી સ્હેજ બહાર આવ્યો તાજ
માથે મૂકી દીધો ધરાર !
પણ
મુઠ્ઠી વાળીને વેંત આઘે ઊભો ભૂતકાળ.

15 November 2017

અંક - ૫૫, નવેમ્બર ૨૦૧૭

ચૂંટણી-વિશેષાંક

આ અંકમાં
૧. જયસુખ વાઘેલા
૨. રાજેન્દ્ર વાઢેળ
३. श्याम
૪. ઉપેન્દ્ર બારોટ
૫. કુસુમ ડાભી
૬. વજેસિંહ પારગી
૭. જયેશ સોલંકી
૮. બ્રહ્મ ચમાર
९. प्रीति पांडेय
૧૦. વિક્રમ સોલંકી
११. मीना सिंह
૧૨. અનિષ ગારંગે
૧૩. કુશલ તમંચે
૧૪. વિપુલ અમરાવ
૧૫. રોમેલ સુતરિયા
૧૬. હોઝેફા ઉજ્જૈની
૧૭. ઉમેશ સોલંકી

૧----------

નવી રીતથી / જયસુખ વાઘેલા (ચોટીલા)

ચૌદ વર્ષથી
આંખ સામે પસાર થતી ઝૂંપડપટ્ટી
ધીરે ધીરે વિસ્તરી છે.
એમાં વ્યતીત થતી
રિબાતી પીડાતી જિંદગીમાં
નથી પડ્યો ફર્ક.
એમાં ઊછરતાં બાળકો
ભણવાને બદલે માંગે છે ભીખ.
રામનો ચૌદ વર્ષનો વનવાસ પૂરો થયો
પૂરો થયો ચૌદમા વર્ષનો અજ્ઞાતવાસ પાંડવોનો
અને
ઝૂંપડપટ્ટીવાસ પૂરો કરવા લેવાતા મત
મતથી બનતી સરકાર
પોતાના આવાસ શણગારી રહી છે
નવી નવી રીતથી.

૨----------

હું વિકલાંગ / રાજેન્દ્ર વાઢેળ (કાજ, તાલુકો - કોડીનાર, જિલ્લો - ગિર-સોમનાથ)

ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ
બધે જ હું અપાહિજ લાચાર છું
પાંખ વિનાનું પારેવું
હું ભારત વિકલાંગ છું.
સાયકલનાં ત્રણ પૈડાં
કેસરી સફેદ લીલાની વચ્ચે
પ્રગતિના પંથે છૂટી ગયેલું ચક્ર છું
નિરાધાર છું.
સાંભળી નથી શકતો કોઈને
કોઈને કશું કહી નથી શકતો
આંખ વિના આંધળો
પગ વિના પાંગળો બહેરો મૂંગો
વિકલાંગ કહો, દિવ્યાંગ કહો
હું ત્યાંનો ત્યાં જ છું.
કેટકેટલાં પાંચ વર્ષ વીત્યાં
નથી હજુ હું વિષય કે મુદ્દો!
મારું છે બજાર વિશાળ
થર્ડક્લાસ
હું વિકલાંગ ભારત છું.

૩----------

सडक के किनारे का आदमी / श्याम (अहमदाबाद)

सड़क के किनारे खड़ा हूँ कब से, सदियों से!
हाथ में कटोरा लिए - खाली, साफ़
न रोटी, न रोटी का टुकड़ा।
हाँ लेकिन, उम्मीदों से भरा हुआ।
इस राह से गुज़रे है कई
राजे महाराजे, बादशाह सुल्तान
लड़ाकू, लुटेरे, ब्योपारी गोरे बहुतेरे
अपने सिपाहियों के साथ धूल उड़ाते हुए,
इतनी धूल कि
कुछ दिखाई न दे!
सड़क के किनारे खड़ा हूँ कबसे, सदियों से!
आँखों में तलाश लिए
सूरज न सही, बस एक किरन,
हाँ लेकिन उम्मीद से भरी।

फिर न जाने कैसे एक दिन,
धूल बैठने लगी,
सब साफ़ दिखने लगा,
मन-मोर नाच उठा,
आँखों में रोशनी भर गई,
अपने कपड़ों की तरफ़ देखा -
मैले, फटे-फ़टाए।
कच्ची सड़क थी यहाँ,
अब पक्की कोलतार की सड़क दिखी।
फिर कटोरे में हाथ फेरा
कटोरा अब भी खाली था!

कुछ ही देर में सबकुछ फिर धुंधल-सा हो गया,
अँधेरा छा गया।
सड़क के किनारे वहीं खड़ा हूँ
हाथ में कटोरा लिए, खाली और साफ़।
अब हर पाँच साल बाद
कुछ देर के लिए सूरज निकलता है,
आँखें रोशनी से भर जाती हैं,
मैं कटोरा टटोलता हूँ,
न रोटी है न रोटी का टुकड़ा!
हाँ, चंद काग़ज़ के टुकड़े जरूर होते हैं
जिन पर लिखा होता है -
रोटी, कपड़ा, मकान...

૪----------

ઔપચારિક પ્રણાલી / ઉપેન્દ્ર બારોટ (અમદાવાદ)

અંદર ઘેરી નિરાશા
સામે આશાનું દર્પણ મુકાય છે
વીત્યાં વરસોની વાતો
આજે ફરી સંભળાય છે
ચોતરફ શોરબકોર
વચનોની ભરમાર છે
વચનોમાં ન ક્યાંય મળે
બેઘરનાં ઘર,
માસૂમ બાળકોનાં વસ્ત્ર ને અન્ન,
સ્વપ્ન સમાન લાગે શિક્ષણ,
કરારે કરેલું કાયમી રોજગારીનું છૂમંતર,
વિધવાને ન સરખું પેન્સન,
ઘડપણમાં મોંઘી દવાનું વળગણ.
છેવટે
હારજીત એમની
લોકોનો કચ્ચરઘાણ છે
આજે ફરી દુવિધામાં છું.

૫----------

આ નોકરી બહુ હારી / કુસુમ ડાભી (ચોટીલા)

જો ઇ આવી ગઈ
હવ આ રોયા એકેય
હખણા નહિ રે
હેય ને
દારૂની પોટલી
એક દી ચવાણું
બીજે દાડે ભજિયા
ત્રીજે દાડે જલેબી
ચોથે દાડે બિરયાની
છેલ્લા દાડે તો મટન-મુરગી
પીશે, ખાશે ને ફંદા કરશે.
ઘરે આવી બાયું પર રુઆબ ઠોકશે
સવારે ધોળા લૂગડાં પ્હેરી
ખુરશિયું લઈ બેહી જશે
જે કોઈ દી ઘરની બારે નહિ આવતી
ઇ બધીય બાયું
બે હાથ જોડતિયું આવશે
ડોહી સાતું રિક્ષા મોકલાવશે
ડોહાને હળવેકથી સિગારેટ ને સલમ આપશે
ઓલા લોકમાં રહે ઇયાથી
ગરાહણિયું નીકળશે
કણબીના ફળિયેથી બાયું નીકળશે
આનો રંગ સંધાયને ચડશે
પસી,
હતા તાંને તાં
રોજ
ડુંગળીબટાકાનું શાક
મરચું રોટલા
ને ખીચડી આખું વરહ ખાવાનું
નળમાં પાણી નહિ આવે
દુકાને કેરોસીન નહિ આવે
ઓલો તલાટી મૂવો
પાનસો લઈ દાખલા દેશે
રસ્તો તો કોઇ દી બન્યો સે તે બનશે
સરપંચ બીપીએલવાળો
ઇના ઘર બનશે
ને આપણે
આ ઝૂંપડે રેતા અમીર એપીએલવાળા
સંધાય સભ્યોનેય
થોડાં ફદિયાં ફેંકશે
આપણા મતે જીતેલા
ઓલા મૂછોવાળા ભા
પસી પાંસ વરશે દેખાહે
ઓણ ધોળી મોટી ગાડી લઈ આયા
બીજી વાર આવહે તાર તો
આનથીય મોટી ગાડી હશે
જોજો!
આ નોકરી બહુ હારી હો
પાંસ વરહમાં બહુ પગાર મળ
આ ગામના
માસ્તર તલાટી ટપાલી
ઓલા ગામના બૅન્કવાળા
કોઈનો આટલો પગાર નો મળ.
આ નોકરી બહુ હારી.

૬----------

હું ભોળો / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

ચૂંટણી અાવતાં
મારે અાંગણે
દેવદૂતો બની
ઊતરી અાવે નેતાઅો.
કોઈ હાથ જોડે
કોઈ પગ પકડે
તો વળી કોઈ
દાઢીમાં હાથ ઘાલે.
પછી મારી અાંખમાં અાંજે
સુખનાં હજાર હજાર સપનાં
ને બદલામાં માગે મારો વોટ.
તમારા ઉદ્ધાર માટે
દેશના વિકાસ માટે
માગું છું
તમારો અેક વોટ.
તમારો વોટ
કીમતી છે
તાકાતવર છે
મારા માટે.
તમારા વોટ વગર
સાથ વગર
તમારાં દુખો હું શી રીતે ભાંગું?
હું ભોળો ભોળવાઈ જાઉં
શબ્દોની જાળમાં ફસાઈ જાઉં
સુખની લાલચમાં લલચાઈ જાઉં
ને અાપી દઉં
કોઈ અેકને વોટ.
દર વખતની જેમ
મારા વોટથી જીતીને
સ્વર્ગમાં મહાલે નેતા.
ને હું રહી જાઉં
ચૂંટણી પહેલાં હતો અેવો
અાંખ ચોળતો
હાથ ઘસતો.

૭----------

કતલની રાતે / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

આચારસંહિતા લાગ્યા પછી
તમે
હે દલિત આંદોલનકારીઓ!
સોનાના સૂરજની
સોનેરી સવાર લાવવાની
બાંહેધરી લઇ આવો
દલિતો, શ્રમજીવીઓ માટે
તોય
શું લેવાદેવા મારે
હું તો
ચુંટણીની કતલની રાતે
જઇશ જોરુભાના કૂવા પર
મારા વાસના
સિત્તેર વોટનું
ચવાણું દારુ અને વોટદીઠ પાંચસો લેવા!

૮----------

ચૂંટણી છે ભૈ / બ્રહ્મ ચમાર (ચલાદર, તાલુકો - ભાભર, જિલ્લો - બનાસકાંઠા)

મહુવામાં રવીશ કુમારને સાંભળી
ન્યૂઝ ચેનલો જોવાનું છોડી દીધું.
યૂટ્યૂબ પર
જિજ્ઞેશ, અલ્પેશ, હાર્દિકના વીડિયો
ખાસ પસંદ કર્યા છે જોવા માટે
મને ભાષણમાં નહીં
થયેલાં કામમાં રસ છે.

ચૂંટણીમાં વાયદાઓનો વરસાદ
ઘણાં વરસોથી વરસતો જોયો છે
ક્યાંય કશુંય ઊગ્યું હોય એવું ખાસ જોયું નથી.
આ વરસોમાં થયેલાં આંદોલનોએ
સરકારની હવા કાઢી નાખી છે
વડાપ્રધાન વિદેશપ્રવાસ ભૂલી
સ્વઘર-પ્રવાસમાં જોતરાયા છે.
ચૂંટણી પણ રંગ લાવી છે
ગોતી ગોતીને નંગ લાવી છે.
લોકોએ પણ નક્કી કર્યું છે:
'સાલ્લાઓ, પાંચ વરસે ઘાટમાં આવ્યા છે
ખવાય એટલું ખઈ લ્યો
લેવાય એટલું લઈ લ્યો
ચૂંટણી છે ભૈ..!'

૯----------

तोहफा / प्रीति पांडेय (अहमदाबाद)

शहर दुल्हन की तरह सज रहा
जरूर इसका दुल्हा बनेगा कोई
तब तो
तोहफा, मिजबान पेश होंगे
तोहफा बेहद कीमती
तोहफा पेश करेंगी न
वही जनता: आप और हम;
छत्तीस मिजबान
तोहफा के बदले जनता को :
फुल्कों के रूप में वादे
मिठाई के नाम पर विकास
गोलगप्पे की योजनाएं
तरकारी में नारीसुरक्षा
हाजमा के लिए मुखवास में पेश होंगे :
मेक इन इंडिया
डिजिटल इंडिया।

૧૦----------

ચૂંટણીટાૅણો / વિક્રમ સોલંકી (વડાલી, જિલ્લો - સાબરકાંઠા))

આયો છે ચૂંટણી ટાૅણો
એમાં ભલભલો ભરમાૅણો
ચાડીચૂગલી દાવપેચ
નવા વેશ ના પરવા કોઈની લેશ
કોણ ન ઇચ્છે પહેરણખેશ
દરેકે બનવું છે રાૅણો.
ભલીભોળી જનતાને ભોળવીને
મોટી મોટી વાતો કરીને
સાચુંખોટું એક કરીને
ખાલી ગજવાંખિસ્સાં ભરીને
જ્યમ તાૅણવું હોય ઇમ તાૅણો.
જાત જાતનાં વાયદાવચન
આપે મોટાં મોટાં પ્રવચન
વળગ્યું છે આ સૌને વ્યસન
શું કોઈ કરશે પાચન
માથે થાપશે છાૅણો.
બધાને વચને બાંધી દેશે
સમયતક એ સાધી લેશે
રહેશે પછી એ છદ્મવેશે
પછી કોણ જઈ એને કે'શે
બિચારી જનતાનો નીકળી જશે ઘાૅણો.
આયો છે ચૂંટણી ટાૅણો.

૧૧----------

परंपरागत प्रचार / मीना सिंह (कड़ी, जिला - मेहसाना)

मौसम आया चुनाव का
याद आया नेता जी को
अपना गांव,अपना शहर, अपने देश की मिट्टी।
बड़ी मुश्किल थी
लोकमत को अपने पक्ष में करना
संशय था
याद होंगे जनता को पिछले वादें
बोले थे मंच से तन कर
एसिड का न शिकार होगी कभी कोई लाड़ली
करूँगा रक्षा बहू-बेटियों की
अपना कर्तव्य समझ कर.
लेकिन दुनिया बड़ी भुलक्कड़
भूली पिछली बातें
आते ही नेता जी के पहनाएं फूलों के हार
फिर क्या था
होंसला बढ़ा रुतबा बढ़ा
सिलसिला चला
परंपरागत प्रचार का।

૧૨----------

ઢોલ ઢોલ / અનિષ ગારંગે (છારાનગર, અમદાવાદ)
(ભાંતુ લોકબોલી)

બાજી રહા હ ધમ ધમ ઢોલ ઢોલ
ચૂંટણી આયગી ખર ખર ગોળ ગોળ
ઉસ માંહી રસ્તે, ગટર બને જોર જોર.
ગટરા કે ઢાંકણે પ એક આવડા હ દેડકા
ટોપી પહેરી માંગી રહા હ વોટ બોલ બોલ.
ચાહતા હ બો (નેતા) વોટ સારે પેડે યાળે કે (છારા જાતી)
પણ દિખતા કડ હ જિતણે કે બાદ
હોઈ જાવતા હ ગાયબ
કરતા હ બો ડ્રાંઉં ડ્રાંઉં
ઉડતા હ બો કોર કોર. (દૂર દૂર)

ના જાણે કિતને આશ્વાસન કે લાડ્ડુ ખુવાયે
આશા કે ફૂંવારે છોડે
પણ છેલ્લે તો બો
ધોળી ટોપી જ પહેરાગડાં ગોળ ગોળ.
વાયદે કા પતંગ ઊંડાઈ,
બો કાયદે કે ડૉરી યાસ
એસા કાટગડા પીંછી કભી બો નાહી દિખગડા
આંગડા અગલે બરસ ભોર ભોર.

વોટ કિસ કુ દવ અન કિસ કુ નાહી
કાહીં ખબર કડ પડતી હમુકુ તો
કાહીં સુધાર કડ હોતા હ
લાગતા હ દેડકા સાહેબ
નારાજ હ મારાહ સ કરંગડા બો ઝોલ ઝોલ.
બાજી રહા હ ધમ ધમ ઢોલ ઢોલ
ચૂંટણી આયગી ખર ખર ગોળ ગોળ.

૧૩----------

ફરક નાહીં પડ્ડ / કુશલ તમંચે (છારાનગર, અમદાવાદ)
(ભાંતુ લોકબોલી)

હમકુ કહતે ફૂટપાવડિયે*
હમકુ ન કોઈ ફરક પડ્ડ
ચૂંટણી આવ ક કોઈ ચૂંટાઈ આવ
હમકુ ન કોઈ ફરક પડ્ડ

ન રેનકે** ન રેવન્યૂ દિયા
ન સરખે બંધારણા કે અધિકાર
બક્ષિયા° કી તીરી (ત્રણ ટકા) બક્ષીસ દી
દિયા પૂરા તેંત્રીસ કરોડા^ કા ઘેન

ન મત્તા (મત) કી કિંમત ઊભી હોણ દી
ન કભી મ્હારકુ ઊભા રહણ દિયા
દત્તક હુએ આનંદિયા^^ કે સાથી
દારૂ હુઈ જીવના કી સાથી

કિતણિયાં ચૂટણિયાં હુઇયાં એઠ્ઠ
ખાલી બાત્તા ઘણિયા હુઇયા એઠ્ઠ
દારૂ-ચોરિયાં મં જીવન બરબાદ હુઆ
ચૂંટણિયાં સ ન મ્હારા કાંઈ બદલાવ હુઆ
હમકુ ન કોઈ ફરક પડ્ડ.
--
* ફૂટપાવડિયે - ફૂટપાથ પર રહેનારા
** રેનકે - NT-DNTના હિત માટે નિમાયેલું રેનકે કમિશન
° બક્ષિયા - બક્ષીપંચ
^ તેંત્રીસ કરોડા- તેત્રીસ કરોડ દેવીદેવતા
^^ આનંદિયા - આનંદીબહેન પટેલે છારાનગરને દત્તક લીધું હતું એના સંદર્ભમાં

૧૪----------

પેલ્લીવાર / વિપુલ અમરાવ (ગામ - કાતરા તાલુકો - હારીજ, જિલ્લો - પાટણ)

સાદાં કપડાં પે'રવાનાં છે
પગે લાગવાનું છે
પલાંઠી વાળી ચોરે બેસવાનું છે
કો'કની એઠી બીડી પીવાની છે.

મંદિરે શ્રીફળ વધેરવાનું છે
ઇતરડી વીણવાની છે
ભેંસ નવડાવવાની છે.

ગળફાવાળા
માખી-મચ્છરવાળા
વાસ મારતા ચંપાડોશીના છાપરે જવાનું છે
ખાટલે બેસવાનું છે
ગૂમડાં જોવાનાં છે
ખબર પૂછવાના છે
હસતું મોઢું રાખવાનું છે.

નાથાભાને ત્યાં બત્રીસ ભેંસો છે
કરશનભઇને ઘેર એક બકરી છે
બકરીના દૂધની ચા પીવાની છે
સ્ટીલની રકાબીમાં પીવાની છે.
પૂંજીડોશીના માટલાનું પાણી પાવાનું છે.

ગટર સાફ કરતા મનિયાને ભેટવાનું છે
મનિયાને ઘેર જમવાનું છે.

આ બધુંય પેલ્લીવાર
ન ચાહવા છતાંય કરવાનું છે.
કેમકે, આ વખત જીતવાનું છે.

૧૫----------

મારો મત / રોમેલ સુતરિયા (વ્યારા)

જુઓ રે સાથી ચૂંટણી આવી છે
રંગબેરંગી હોળીધૂળેટી લાવી છે.
મતભેદ સૌ ભૂલ્યા છે સાથી
ચોતરફ રંગરલિયા છે.
વામપંથ દક્ષિણપંથ થયું જૂનું
આંદોલનપંથની વાત નવી આવી છે.
વાદોના આદર્શોના ઢોંગ રચાયા
લોકતંત્ર પર ભયનાં વાદળ ઘેરાયાં છે.
જંગલમાં હમણાં બે હજારની નોટ દેખાઈ છે
ચોક્કસ, ઈન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ આવી છે.
જાતિના સમીકરણોમાં આદિવાસી ભૂલાયો
સરકાર સેવામાં પ્રમાણપત્રો લાવી છે.
ભરમાયો તું, ભરમાયો હું વોટના રાજકારણમાં
પેલો ફાવ્યો, મીડિયાએ માથે જેને ચડાવ્યો છે.
તીન પત્તી નથી આ છે ચૂંટણી, કહું છતાં
મારી માફક આ મુદ્દો હાંશિયામાં ધકેલાયો છે.

૧૬----------

સાથે મળીને / હોઝેફા ઉજ્જૈની (અમદાવાદ)

કોઈ રમે, કોઈ રમાડે છે
કોઈ ફસાય, કોઈ ફસાવે છે
કોઈ ખર્ચે, કોઈ ખરચાવે છે
કોઈ રોકે, કોઈ ધંધો જમાવે છે
કોઈ ગુંડા, કોઈ તકવાદી છે
મૂડીવાદીઓની કરે ગુલામી છે
ક્યાંક જમીર, ક્યાંક શરીર વેચાય છે
ક્યાંક સંબંધોના સોદા થાય છે.
કોઈ પ્યાદું, કોઈ રાજા છે
કોઈ મોહરું, કોઈ સૂત્રધાર છે
કોઈ બિચારું શક્તિહીન નિરાધાર છે
ક્યાંક ગાડા નીચે કૂતરાની ભરમાર છે :
કોઈ દલિત, કોઈ મુસલમાન છે
કોઈ જૈન, કોઈ પારસી છે
કોઈ શીખ, કોઈ ઈસાઈ છે
કોઈ હિંદુ બની જાય છે.
ખોટા વાયદાઓ, ખોટી યોજનાઓ
તેજાબી ભાષણ, શબ્દોનાં જાળાંઓ
ક્યાંક આંદોલનનું રાજકારણ,
રાજકારણમાં ઘૂસવા
ક્યાંક આંદોલન થાય છે.
વોટ આપ્યો જેમને
કૂદકો મારી છેતરી જાય છે.
હવે તો જાગીએ, જગાડીએ
નશામાંથી બહાર આવી
રાજકારણને સુધારીએ
ચાલો સાથે મળીને
લોકશાહીને બચાવીએ.

૧૭----------

વ્હાલી / ઉમેશ સોલંકી

પ્રિયે,
આવું તે હોય કંઈ
અચાનક છોડીને જતાં રહેવું
આમ અચાનક આવી ચડવું
કેટલાં વરસે આવી તું!
તું જોને
તારા વિરહમાં હું કેવો લેવાયો
ભરમાયો
ઉઘાડા ડિલે ઘણીવાર દર્પણમાં જોયું છે
હાડપિંજર કાળું પણ હોય એવું ક્યારેક થયું છે.
અં..હ
ચવાણુંથી તો ખાંસી થઈ જાય
મદિરાથી હોજરી બળી જાય
આવું બધું ન મારે જોઈએ
મારે કેવળ પ્રેમ જોઈએ.
અરે,
આલિંગનમાં આટલી ઉતાવળ ન કર
આલિંગનમાં થોડી હૂંફ ભેળવ
હૂંફમાં બેચાર આંસુ મેળવ
તાર સંગ મારા
તારો અતૂટ તાર મેળવ.
સાચું કહું?
શંકા મારી
થઈ ગઈ પાકી
પ્રેમ મને તું કરતી નથી
બસ, કરે છે ખેલ વ્હાલી.

15 October 2017

અંક - ૫૪, ઑક્ટોબર ૨૦૧૭

આ અંકમાં
૧. છતાંય / કુસુમ ડાભી
૨. બાઘાની જેમ / વિપુલ અમરાવ
૩. વટલાયેલા / રૂપાલી બર્ક
૪. રાબેતા મુજબ / વજેસિંહ પારગી
૫.  મૂછો / જયેશ સોલંકી
૬. એને / ઉમેશ સોલંકી

૧----------

છતાંય / કુસુમ ડાભી (ચોટીલા)

મિલન.
ભૃણનિર્માણ.
ત્રીજે માસે
આકારિત થઈ.
ગર્ભિત.
પરીક્ષણ.
પછીય અવતરિત થઈ.
વિકસી ઉછરી
ઉલ્લાસિત થતી એ 
કાને, નાકે વિંધાઈ 
શાપિત થઈ.
પાયલની બેડીઓમાં
ઝકડાતી ગઈ.
તરુણી હવે
રોમાંચિત થઈ
દુપટ્ટાની આડાશે
સંતાતી થઈ
રમતી ભણતી
સંસ્કારિત થઈ
સમાજની બેડીઓમાં
ઝકડાતી ગઈ.
લાયકાત મેળવી
ઉત્પાદિત થઈ
તોય
મધ્યમવર્ગીય પુરુષપ્રધાન સમાજે
બંધાતી જ રહી.
એ હવે ઉત્પાદિત
છતાંય
શોષિત પીડિત શ્રમિક
ને અબળા જ રહી 
ન હજુએ સન્માનિત થઈ.

૨----------

બાઘાની જેમ / વિપુલ અમરાવ (ગામ - કાતરા તાલુકો - હારીજ, જિલ્લો - પાટણ)

ગામને ચોરે લગાવેલું
નવું નક્કોર ગામનું પાટિયું
ચંપાકાકીનું છાપરું
હમણાં જ ઊગેલાં 
રંગબેરંગી સિમેન્ટનાં ઘરો
જેઠાભૈની કરિયાણાની દુકાન
સરપંચની નવી ઓફિસ
કરશનકાકાના ખેતરમાં વાવેલી બાજરી
રોમજી ડોહાનું કપાસ ભરેલું ખેતર,
નાથાભાની વીસ-વીસ ફેટ દૂધ આપતી 
બત્રીસ ભેંસો
ગામમાં અડીખમ ઊભો'તો 
એ વડલો,
દશામાની મૂર્તિ,
લીપેલું પાણિયારું,
અમારા ઘરમાં 
આવનારા નવા સભ્ય માટે
લાવેલું નવું ઘોડિયું.
આ બધુંએ...
પાણીમાં ડુબ્યું... તણાયું...
ને.. 
જે મંદિરમાં પેસવા પણ ન'તા દે'તા
એ જ મંદિરના ગુંબજ પરથી હું
આ બધું જોઈ રહ્યો છું
બાઘાની જેમ.

૩----------

વટલાયેલા / રૂપાલી બર્ક (અમદાવાદ)

“હું લઈ હેંડ્યા, જેઠાલાલ?”
“એય ‘લા હું લઈ જાસ?”
“લાય ન દેખાડ તો ખરો.”
આમ થતું હતું અઠવાડિયાથી
કંટાળીને તરુણ જેઠો ઘૂરક્યો
“લ્યા મારા બાપાનું ઘુ લઈ જઉ છું”.
દોઢ સદી પહેલાં 
ન હતાં શૌચાલયો કે બેડપેન
બાપા વિશ્રામ પથારીવશ એટલે
એમની વિષ્ટા બે પાંદડા વચ્ચે મૂકી
જેઠો રોજ ઉકરડે નાંખવા જતો.

ત્રાસથી ત્રાહીમામ પોકારીને 
બાપા વટલાયા હતા.
છેક એકવીસમી સદીમાં 
પરદાદા વિશ્રામની પ્રપૌત્રીને 
મહેણું માર્યું સહકર્મીએ:
“આ ખ્રિસ્તીઓ 
હલકી જ્ઞાતિમાંથી વટલાયેલા
‘ઓરિજીનલ’ નહીં"
કોણ સમજાવે મહાશયને
ખ્રિસ્તીઓ વટલાયેલા કહેવાય.
ઈસુ ખ્રિસ્ત યહૂદી હતા
શરૂઆતના ખ્રિસ્તીઓ
મૂળ તો યહુદીઓ હતા.

અરે! એ તો કહો 
પાષાણ-યુગમાં કયો ધર્મ હતો?

૪----------

રાબેતા મુજબ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

જરાક પલીતો અડે
તો ધડાકો થાય
ને હું ચૂરેચૂરા થઈ જાઉં
દુખનો અેટલો દારૂગોળો
મારી છાતીમાં ધરબાયેલો છે.
લોક પણ બિચારા
રોજેરોજ પલીતો ચાંપે છે
પણ ધડાકો થતો નથી.
કદાચ મારી છાતી વજ્જરની હશે
કે દારૂગોળો હવાઈ ગયો હશે!
કોણ જાણે શું કારણ હશે,
પણ ધડાકો થતો નથી.
ને હું જીવ્યે જાઉં છું રાબેતા મુજબ
છાતીમાં ધરબાયેલો દારૂગોળો લઈને.

૫----------

મૂછો / જયેશ સોલંકી (ભુવાલડી, જિલ્લો - અમદાવાદ)

મૂછો જોઉં
ને દેખાય
હિંસા ક્રૂરતા મર્દાનગી
દંભી વીરતા, સત્તાખોરી
સામંતવાદી લઠ્ઠ.

પ્રેમ કરુણા
સ્વતંત્રતા સમાનતા બંધુતા
લોકતાંત્રિક સંઘર્ષનું પ્રતીક
પછી ક્યાંથી હોય મૂછો.

૬----------

એને / ઉમેશ સોલંકી

એને
ન પકડાય
હથેળીમાં રાખી રમાડાય :
અડો ધીમેથી
ન લાગે અડવા જેવું,
દાબો સહેજ
થઈ જાય વેરવિખેર.
ઘરમાં ઘરકૂકડી જેવું.
ચોપાળમાં 
ગલૂડિયું બની પગ ચાટે.
ગામમાં ઘૂરકતા કૂતરા જેવું : 
ન બોલાવો કને
ફાડી ખાવા ધસી આવે
બોલાવો કને 
આવીને તુરંત નહોર મારે.
શહેરમાં પાછું
ન સમજાય કે કોના જેવું :
રંગ બદલે
રૂપ બદલે
ઠેકઠેકાણે
સ્થિતિ પ્રમાણે
ન બદલે કશું તોય બધું બદલે
બદલે બધું તોય ન કશું બદલે.

15 September 2017

અંક - ૫૩, સપ્ટેમ્બર

આ અંકમાં

૧. રમકડું / કુસુમ ડાભી
૨. ભૂખની આગ / વજેસિંહ પારગી
૩. બાના  ફુગ્ગા / અનિષ ગારંગે
૪. બોલ સખી / દેવેન્દ્રભાઈ વાણિયા
૫. બુઠ્ઠી થઈ / ઉમેશ સોલંકી

૧----------

રમકડું / કુસુમ ડાભી (ચોટીલા)

હું
એક રમકડું.
આવેલો દુકાને એ 
જોયું 
ને એને ગમી ગયું
ધમપછડા કર્યા પછી
તરત જ ખરીદી લીધું 
પછી પૂછવું જ શું?
જ્યાં જાય ત્યાં સાથે રાખે :
કાખમાં લઈ ફરે, 
છાતી સરસુ ચાંપે,
સુવે તોય સાથે લઈ 
મમ્મી એને ઝાલે 
એ મને ઝાલે.
પછી હું 
જૂનું થયું
એને બીજું ગમ્યું
લઈ આવ્યો, 
મનેય રમાડતો :
થોડું થોડું રમી લેતો.
બહુ જૂનું થયું
હવે ન સામે જુવે
ન છાતીએ ચાંપે, ન આંગળી ઝાલે
કેમ હું એક રમકડું છું એટલે ને
કાલ ફરી 
નવું રમકડું મળશે
ફરી બીજું જૂનું થશે 
ફરી એ જૂનું થશે
બસ
રમકડું
બે ચાર દિવસ 
રમવા માટે જ હોય
આ કોણ સમજાવશે?

૨----------

ભૂખની આગ / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

ભૂખની અાગ
કંઈ બળતો ડુંગર નથી
કે ગામ અાખાને દેખાય.
ભૂખની અાગ તો
પેટમાં ઊકળતો લાવા.
જેના પેટમાં હોય
અે અંદર ને અંદર ખાક.

૩----------

બાના  ફુગ્ગા / અનિષ ગારંગે (અમદાવાદ)

'એ ફુગ્ગા લઇલો...ફુગ્ગા...
રંગ બે રંગી ફુગ્ગા...'
એક હાથમાં બાનો હાથ
બીજામાં રંગ બેરંગી
ફુગ્ગાનો સંગાથ
બા બૂમો પાડે :
'એ ફુગ્ગા લઇલો...ફુગ્ગા...
રંગ બે રંગી ફુગ્ગા...'
ને હું ઘરડાની જેમ ચાલતો રહું
પકડીને ફૂગ્ગાઓને બાંધેલી લાકડી.
ફાટેલા ઘાઘરામાં
બાનું ઘૂંટણ ફૂગ્ગા જેવું ગોળ ગોળ લાગે
બાના બ્લાઉઝમાં 
ટપ ટપ પડતો પરસેવો
જાણે બાના ખાખમાં (ખાખ-બગલ)
લીલી ઝાકળ ઝરે
એવી ગંધ આવે
ફુગ્ગાનો ગ્યાસ જાણે જાણે ભળે

ફુગ્ગા લેતા કરતા બધા
બાની છાતી તાકી રહે
ફાટેલા ઘાઘરા પર નજર ફેરવી લે
હું ઊભો ઊભો એમની વાસના
અને ગંધ ફેલાવતા ફુગ્ગાઓને જોતો રહું.

૪----------

બોલ સખી / દેવેન્દ્રભાઈ વાણિયા (ખારાઘોડા, જિલ્લો - સુરેન્દ્રનગર)

ચૈત્રના ચક્રવાત
વૈશાખી વાયરા
આંખમાં ઊડીને આવી આંધી
બોલ સખી, કેમ કરી ખાવું મારે રાંધી?

કડકડતી ઠંડી ને
કાળઝાળ ગરમીમાં
મીઠાની માવજત કીધી
તોય નોંધ એની ના લીધી?
બોલ સખી, કેમ કરી ખાવું મારે રાંધી? 

વરસ આખાની આ તો
મહેનત પર પાણી ફર્યું
ને મીઠા પર ચડી ગઈ માટી
બોલ સખી, કેમ કરી ખાવું મારે રાંધી? 

'સર'ને સમજાય નહીં
આફત ઇશ્વરની આ
મીઠામાં મળી ગઈ માટી
આ હકીકત સમજાવું કે સાચી? 
બોલ સખી, કેમ કરી ખાવું મારે રાંધી?

૫----------

બુઠ્ઠી થઈ / ઉમેશ સોલંકી

છૂટાછવાયા
આડા ને અવળા
નાના નાના અક્ષરે
ડાયરીના પાને
લખેલું તારું નામ
રોજ રોજ વાંચું
વાંચીને ઊભરાઈ જાઉં
છલકાઈ જાઉં
ભાઈબંધની આંખોમાં સપડાઈ જાઉં
શરમાઈ જાઉં
મારી ભીતર રહેલી તું
તારામાં હું
પછી સમેટાઈ જાઉં.

કોલેજનાં પગથિયાં
ધીરે ધીરે તું ઊતરે
અને હ્રદય વંટોળ બની
છાતીમાં કૂંડાળાં કરવા લાગે,
લોહી રગ રગને ઘસવા લાગે,
અર્થો અળવીતરા થઈ
શબ્દોને કનડવા લાગે,
છેટી રહેલી ક્ષણો
સમયની છાતીમાં ઊતરવા લાગે.

અવાવરું સ્થાને
અજાણ્યા ઝાડે
આપણે
ક્ષણોને જોડવા લાગ્યાં
સમયને સાંધવા લાગ્યાં
એકમેકમાં વિસ્તરવા લાગ્યાં
વિસ્તરી વિસ્તરીને એવાં વિસ્તર્યાં
કે બહાર બધું સંકોચાઈ ગયું
સંકોચાઈને છરો થયું
છરાએ છાતીને ચીરી નાખી
ક્ષણોને બહાર ખેંચી કાઢી
પણ ક્ષણો એમ કંઈ મરતી હશે
ધાર છરાની પછી બુઠ્ઠી થઈ.

15 August 2017

અંક - ૫૨, આૅગસ્ટ

આ અંકમાં
૧. હું પુરાઈ ગયો છું / અનિષ ગારંગે
૨. કપડાની જેમ / મેહુલ ચાવડા
૩. ઇમની સંસ્કૃતિ / કુસુમ ડાભી
૪. એક વરદાન / વજેસિંહ પારગી
૫. જંગલ / ઉમેશ સોલંકી

૧----------

હું પુરાઈ ગયો છું / અનિષ ગારંગે (અમદાવાદ)

દલિત અને મુસ્લિમના નામે
પ્રેમ અને જેહાદના નામે
મંદિર અને મઝારના નામે
હું તો કરમાઈ ગયો છું.
એવો  કારાવાસ 'એ' લાવશે
લાગે છે હું તો પુરાઈ ગયો છું.

ન પૂર આવશે
કંપ આવશે ન ગાજ (વીજળી) આવશે
આવશે જુલમનાં તોફાનો
માથા કાપી, ગોળી મારી
બળજબરીથી 
હું તો સંતાઈ ગયો છું
લાગે છે હું તો પુરાઈ ગયો છું.

ના ઇતિહાસમાં હશે ના ભૂગોળમાં
ના વેદમાં હશે ના પુરાણમાં
હોઈશ હું જંગલમાં,
રસ્તાઓમાં, સાંકડી ગલીઓમાં
મેળાઓમાં , ચાની લારીઓમાં
પકડશે મને મુજરીમ ગણીને,
હું પણ, જતો રહ્યો નિર્દોષ બનીને
એના કાળા સળિયામાં 
એના આક્રોશથી
હું ડામ થયો (દજાયો) છું
લાગે છે હૂઁ તો પુરાઈ ગયો છું.

૨----------

કપડાની જેમ / મેહુલ ચાવડા (અમદાવાદ)

સવારના પ્હોરમાં ઊઠીને 
તું કોલેજ જતી હોય
તને નીરખવાની લ્હાયમાં
બ્રશ કરીને
દોડવા જવાનુ બહાનું કાઢીને
એએમટીએસના બસ સ્ટેન્ડે 
રાહ જોયા કરું.

મારી બપોરની કોલેજના સમયે
તારા છૂટીને ઘરે જવાના વખતે
પાલડીના સ્ટેન્ડે વાત કરવાની લ્હાયમાં 
એકાદ લેકચર છોડી
રાહ જોવું
એવો મારો પ્રેમ.

તને પૂછતા વેંત જ
સરી પડતા ઉદ્ગારો વચ્ચે 
મારા કાનને સ્પર્શે એ 
અને મારાથી બોલાયેલું 
મારી જાતિનું નામ...
તારા ચહેરાની રોનક 
દીવાની જેમ ઓલવાઈ ગઈ
ઢીલી ઘેંસ જેવું મારું મોઢું લઈ 
ખોવાયેલો હું ઊંડા વિચારોમાં : 
જાતિના નામ સાથે જ 
ઊડી ગયો મારા ચહેરાનો રંગ 
કપડાની જેમ.

૩----------

ઇમની સંસ્કૃતિ / કુસુમ ડાભી (ચોટીલા)

પરદાદી એમના
વાસીદા કરતી, 
એમણે વખારમાં શોષણ કર્યું
દાદી એમનાં ખેતરુમાં  સલો કરતી,
એમણે ખેતરુમાં શોષણ કર્યું
માડી એમનાં ઘરોમાં કચરાપોતાં કરતી,
એમણે ઘરોમાં શોષણ કર્યું
હું એમના બંગલા બનાવવા 
દાડિયું કરતી, 
એમણે બંગલામાં શોષણ કર્યું
આ છોડી 
ભણી-ગણી 
એમની ઓફિસુમાં નોકરી કરતી,
એમણે ઓફિસુમાં ય શોષણ કર્યું
આ શોષણ 
સામંતોનો વારસો છે. 
ઇમની સંસ્કૃતિ છે
ઇમના લોહીમાં ઊતર્યું છે.

૪----------

એક વરદાન / વજેસિંહ પારગી (ઇટાવા, જિલ્લો - દાહોદ)

શોષિત છું યુગોથી.
શાસકોઅે કાપી નાખ્યાં છે મારાં કાંડાં
હું મશાલ કે તલવાર પકડી શકું તેમ નથી.
શાસકોઅે ભાંગી નાખ્યા છે મારા પગ
હું જગતમાંથી ભાગી શકું તેમ નથી.
શાસકોઅે ચૂસી લીધું છે મારું લોહી
હું ધરતીને લોહીથી રંગી શકું તેમ નથી.
જુલમગાર શાસકોનો મરી ગયો છે અાત્મા
હું મરેલા અાત્માને જગાડી શકું તેમ નથી.

લાચાર છું યુગોથી.
ક્યાંય કોઈ ઉગારો નથી
ને માનવ પાસે રહી નથી કોઈ અાશા.
કદાચને મારાં દુખો જોઈ
ભગવાન દ્રવી ઊઠે
ને મારી સામે પ્રગટ થઈને કહે -
માગ માગ માગે તે અાપું.
તો હું અેક વરદાન માગી લઉં :
પૃથ્વી પર કોઈ શાસક  ન હો!
પૃથ્વી પર કોઈ શોષિત ન હો!

૫----------

જંગલ / ઉમેશ સોલંકી

મારી અંદર
રાતઘેલું 
અનંત જંગલ
જંગલ અંદર
ઊભો થરથર
શું કરું?
ન કરી શકું કશું
હું અટૂલો
બંધાયેલો.

મારી બહાર
દિવસભરેલું 
જંગલ અપાર
જંગલ અંદર
દોડું, થંભું, શ્વાસ લઉં
પાછો દોડું, દોડ્યા કરું
થાકું, થંભું, શ્વાસ લઉં
દોડું દોડું 
તોય ત્યાં જ ફરું
શું કરું?
ના કરી શકું કશું
હું અટૂલો
બંધાયેલો.
જંગલ સ્વતંત્ર.

ક્યારેક ક્યારેક 
થતું એવું
તણખો થઈ
સ્વતંત્રતાને ભરખી જઉં.